Ajab GajabArticle

ફક્ત ટિકિટ ભાડુ જ ખર્ચવાનું, બાકી બિલકુલ ફ્રીમાં ફરો દુબઈની આ જગ્યાઓ

દુબઈ એટલે આમ તો ગુજરાતીઓનું ફેવરીટ ફરવાનું સ્થળ. ગુજરાતીઓ જ નહીં દુનિયાભરથી ટુરસ્ટિ અહીના ઊંચા બિલ્ડિંગ્સ, ફાઇવ સ્ટાર હોટેલ્સ, માનવ નિર્મિત ટાપુઓ, રણ જોવા અને ગોલ્ડ જ્વેલરી ખરીદવા માટે ધામા નાખે છ. દુબઈમાં હાઇ રાઇઝ બિલ્ડિંગ્સ અને ડેઝર્ટ સફારી, મરીન ડ્રાઇવ, પામ એટલાન્ટિસ હોટેલ જેવા અનેક આકર્ષણ છે. જો કે, આ સાથે જ દુબઇ વિશ્વના મોંઘા શહેરો પૈકીનું એક છે. આથી ઘણા લોકો ઇચ્છા હોવા છતા દુબઈનો વિચાર માંડીવાળે છે પરંતુ હવે તમારે મનને મારવું નહીં પડે કે કેમ કે અમે તમને આજે દુબઈના એવા સ્થળો વિશે જણાવીશું જ્યાં તમે બિલકુલ ફ્રીમાં ફરી શકશો. તો થઈ જાવ તૈયાર.

દુબઇ ફાઉન્ટેન

દુબઇ ફાઉન્ટેન
દુબઇ ફાઉન્ટેન

વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફાને જોવા જતા ટૂરિસ્ટ સૌથી પહેલા દુબઇ મોલ જતાં હોય છે. માટે તમે પણ જ્યારે આ ટાવર જોવા જાઓ ત્યારે તેની બરાબર સામે ‘દુબઇ ફાઉન્ટેન’નો નજારો દેખાશે. આ વોટર શો ફ્રી છે. જેમાં ફુવારો 140 મીટર ઉંચે સુધી જાય છે. આ ફાઉન્ટેન શો ખાસ જોવા જેવો છે. દુબઈમાં ટેક્સી તમને મોંઘી પડશે માટે તમે દુબઈ મેટ્રોમાં ખૂબ સસ્તામાં અને સરળ રીતે આ મોલ સુધી પહોંચી શકશો. દુબઇ ફાઉન્ટેનના શોના ટાઇમિંગ અંગે જાણવા માટે તમે દુબઈ મોલની વેબસાઇટ પર ચેક કરી શકો છો.

અલ કુદરા લેક

અલ કુદરા લેક
અલ કુદરા લેક

દુબઇમાં અલ કુદરા સૌથી સુંદર તળાવ છે. આ પિકનિક સ્પોટ પણ છે. સૌથી સારી વાત એ છે કે અહીં તળાવની આસપાસમાં જ તમે કેમ્પ લગાવી રહી શકો છો અને તેનો કોઇ ચાર્જ પણ નથી હોતો. તો ફેમેલી અને ફ્રેન્ડ્સ સાથે એક કેમ્પ નાઇટ અહીં પણ કરો.

ફ્રીમાં જુઓ ફિલ્મ

ફ્રીમાં જુઓ ફિલ્મ
ફ્રીમાં જુઓ ફિલ્મ

ખુલ્લા આકાશ નીચે મૂવીની મજા અમદાવાદમાં રહેતા લોકોએ તો કદાચ ડ્રાઇવ-ઇન થિયેટરમાં ખુલ્લા આકાશ નીચે ફિલ્મની મજા માણી હશે, પરંતુ જો તમે આવી મજા નથી માણી તો દુબઇમાં ફ્રીમાં રિલેક્સ થઇને ફિલ્મની મજા માણી શકશો. ઊદ મેથાના રૂફટોપ ગાર્ડન પર ટૂરિસ્ટ માટે આ વ્યવસ્થા છે. અહીં ટૂરિસ્ટ બીનબેગ પર બેસીને સ્નેક્સ ખાતા ખાતા મૂવીની મજા માણી શકે છે.

દુબઇ મ્યૂઝિયમ એન્ડ અલ ફહીદી કિલ્લો

દુબઇ મ્યૂઝિયમ એન્ડ અલ ફહીદી કિલ્લો

જો તમને ઐતિહાસિક જગ્યાએ જવાનો શોખ હોય તો દુબઇ મ્યુઝિયમ જતા રહો. આ અલ ફહીદી ફોર્ટમાં આવેલું છે. ફહીદી ફોર્ટ દુબઇનો ઘણો જૂનો ઐતિહાસિક કિલ્લો છે. કિલ્લાની અંદર તમે ગલ્ફ દેશનો ઇતિહાસ જાણી શકશો. ઉલ્લેખનીય છે કે, કિલ્લા અને મ્યૂઝિયમમાં એન્ટ્રી ફ્રી છે.

જબીલ પાર્ક

જબીલ પાર્ક

દુબઇમાં આમ તો ઘણા પાર્ક છે, પણ જબીલ પાર્કની વાત અલગ છે. અહીં પાર્કની સુંદરતાની સાથે તમે ફ્રીમાં સાઇકલિંગ અને સ્વિમિંગની મજા પણ માણી શકશો. પાર્કમાં સુંદર વૃક્ષો અને બગીચા છે.

જબેલ હફીત

જબેલ હફીત

દુબઇ જતાં દરેક વ્યક્તિ ‘બુર્જ ખલીફા’માંથી શહેરનો વ્યૂ જોવા પૈસા ચૂકવતા હોય છે. જો તમારે શહેરનો વ્યૂ ફ્રીમાં જોવો હોય તો જબેલ હફીત પર્વત પર ચાલ્યા જાઓ. અહીં પહાડ ચડવાની વ્યવસ્થા પણ સારી છે. આ દુબઇનો સૌથી ઊંચો પોઇન્ટ છે.

ફ્રી વોટર રાઇડ

ફ્રી વોટર રાઇડ

દુબઇમાં વિશ્વની સૌથી લાંબી વોટર રાઇડમાં ફ્રીમાં બેસી શકો છો. જો કે, આની એક શરત છે. જો તમે તમારા બર્થ-ડે વીક દરમિયાન એક્વાવેન્ચર ખાતે જશો તો અહીં રાઇડ્સની મજા ફ્રીમાં માણી શકશો.

મફતમાં સુંદર બીચની મજા માણો

મફતમાં સુંદર બીચની મજા માણો

દુબઇની ફેન્સી ફાઇવ સ્ટાર હોટેલ જેવો જ બીચ જુમેરાહ બીચ રેસિડન્સ (JBR વોક) ખાતે જોવા મળશે. અહીં ટૂરિસ્ટ માટે એન્ટ્રી ફ્રી છે એટલું જ નહીં અહીં ચેન્જિંગ રૂમનો ઉપયોગ પણ ફ્રીમાં કરી શકાય છે. આ બીચ પર જવા માટે તમે ટેક્સીથી JBR વોક અથવા દુબઇ ટ્રામ દ્વારા જુમેરાહ બીચ રેસિડન્સ-1 પહોંચી શકશો.

અન્ડર વોટર એક્વેરિયમ

અન્ડર વોટર એક્વેરિયમ

ઘણા લોકોને અન્ડર વોટર એક્વેરિયમ જોવાની ઇચ્છા હોય છે, દુબઇના સૌથી વિશાળ મોલ એવા દુબઇ મોલમાં કોઇ પણ પ્રકારના ચાર્જ વગર તમે અન્ડર વોટર એક્વેરિયમની ફીલ લઇ શકશો. અહીં મોલમાં આવેલા એક્વેરિયમમાં 400 શાર્ક સહિત 30000થી વધુ દરિયાઇ જીવો છે. સમગ્ર એક્વેરિયમ જોવાની ટિકિટ છે, પરંતુ કેટલાક ફ્રી પાર્ટમાં તમે અન્ડરવોટર એક્વેરિયમની ફીલ તો સાવ મફતમાં જ માણી શકશો.

ઢાઉ યાર્ડ

ઢાઉ યાર્ડ

અહીં ટ્રેડિશનલ અરબી શૈલીની બોટ જોવા મળશે. તે સિવાય અહીંની ઢાઉ ક્રૂઝમાં દુબઇનો નજારો અને ડિનરની મજા મણી શકાશે. ડિનર અને દુબઇનો નજારા માટે તમારે ખર્ચ કરવો પડશે. પણ અલ જદ્દાફ સ્થિત ઢાઉ યાર્ડ ખાતે વિવિધ સાઇઝની બોટ કઈ રીતે બને છે તે બિલકુલ ફ્રીમાં જોવા મળશે. અહીં સુંદર ફોટોગ્રાફી પણ કરી શકાશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker