GujaratIndiaNewsPolitics

SC/ST એક્ટ : તોફાનીઓ સામે પોલીસની કાર્યવાહી, 36 આરોપીની ધરપકડ

એસસી-એસટી એક્ટમાં સુધારણા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં સોમવારે અપાયેલા ભારત બંધના એલાનમાં ચાંદખેડા, સારંગપુર બ્રિજ સહિતના વિસ્તારોમાં થયેલા પથ્થરમારા અને પોલીસ પરના હુમલાના મામલે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આશરે ત્રણ હજાર લોકોના ટોળા સામે રાયોટિંગ, લૂંટ અને પોલીસકર્મીઓ પર હુમલા બદલનો ગુનો દાખલ કરાયો છે. જે પૈકી પોલીસે અત્યાર સુધીમાં પાંચ મહિલા સહિત ૩૬ જેટલા આરોપીની ધરપકડ કરી છે.

ભારત બંધના એલાનના પગલે સોમવારે સારંગપુર સર્કલ ખાતે બપોર પછી પરિસ્થિતિ કાબૂ બહાર જતાં પોલીસે એક્શનમાં આવી રસ્તાને ખુલ્લા કરાવ્યા હતા. દરમ્યાનમાં ત્રણ શખ્સોએ રોડ પરથી પસાર થતાં વાહનને રોકી રસ્તો બંધ કરાવવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને ડિટેઇન કરી વાનમાં બેસાડી દીધા હતા. દરમ્યાનમાં પોલીસ સારંગપુર બ્રિજ તરફ રસ્તો ખુલ્લો કરાવવા ગઇ તે દરમ્યાન ૮૦૦થી ૧૦૦૦ માણસોનું ટોળું સારંગપુર બ્રિજ તરફથી આવ્યું હતું અને અચાનક પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

પ્રિઝન વાનમાં ડિટેઇન કરેલા ત્રણ શખ્સોને છોડાવવા ટોળું વાન પાસે ધસી ગયું હતું અને લાકડીઓ વડે વાન પર હુમલો કર્યો હતો. ટોળાએ વાનને ઊંધી વાળવાનો પ્રયાસ કર્યો હતો. ટોળું બેકાબૂ થતાં પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. દરમ્યાનમાં ક્રાઇમ બ્રાંચનો કાફલો પણ સારંગપુર બ્રિજ પર આવી ગયો હતો અને ટોળાને લાઠીચાર્જ કરી વિખેરવાનો પ્રયાસ કરી પોલીસે ટીયરગેસના સેલ છોડ્યા હતા.

ખાડિયા વિસ્તારમાં લૂંટ અને તોડફોડ બદલ પોલીસે 100 લોકો સામે ગુનો નોંધી ૧૦ લોકોની ધરપકડ કરી. જ્યારે ગોમતીપુર પોલીસે એક હજારના ટોળા સામે ગુનો દાખલ કર્યો છે. અસારવામાં તોડફોડ બદલ શાહીબાગ પોલીસે 5 મહિલા સહિત ૧પ લોકો સામે રાયો‌ટિંગનો ગુનો દાખલ કરી 8 લોકોની ધરપકડ કરી છે. જ્યારે ગોમતીપુર પોલીસે મહિલા સહિત 15 લોકોની ધરપકડ કરી.

ચાંદખેડા સર્કલ નજીક દલિત સમાજની મહિલાઓ અને યુવાનોએ રોડ પર વાહનોને રોકી ચક્કાજામ કર્યો હતો. સાથે સાથે આ ટોળાના લોકોએ બસને રોકીને તેમાં તોડફોડ કરી હતી અને રોડ બ્લોક કર્યા હતા. આથી પોલીસે દલિત સમાજના લોકોને ડિટેઇન કરી પોલીસવાનમાં બેસાડવાનું શરૂ કર્યું હતું. તે દરમ્યાન કોંગ્રેસનાં કોર્પોરેટર રાજશ્રીબહેન કેસરી અને તેમની માતાને મહિલા પીએસઆઇ પી. એસ. ચૌધરી અને અન્ય બે પોલીસકર્મીએ પકડીને પ્રિઝન વાનમાં બેસાડતાં હતાં તે દરમિયાન રાજશ્રીબહેન કેસરીએ પીએસઆઇ ચૌધરીના હાથમાં બચકું ભરી લીધું હતું અને તેમની માતાએ ઝપાઝપી કરી હતી. દરમ્યાનમાં અન્ય મહિલાઓને પકડવા જતાં તેઓએ પણ પોલીસને બચકાં ભર્યાં હતાં.

પોલીસ પરના હુમલા બદલ પીએસઆઇ ચૌધરીએ રાજશ્રીબહેન અને તેમની માતા સહિતના ટોળા વિરુદ્ધ પોલીસ પર હુમલો અને રાયોટિંગની ફરિયાદ નોંધાવી છે ત્યારે ઉચ્ચ અધિકારીઓએ સૂચના આપ્યા મુજબ હવે પોલીસ ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફુટેજ એકત્રિત કરી અન્ય આરોપીને પણ ગણતરીના દિવસોમાં પકડશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker