અમદાવાદ: પોતાના નિવાસસ્થાન પર ઉપવાસ પર બેઠેલા હાર્દિકને મળવા આવેલા તેના પરિવારજનોને પોલીસે અટકાવતા મામલો ગરમાયો છે. હાર્દિકના પરિવારજનોને પોલીસે તેના ઘર સુધી ન આવવા દેતા આખરે હાર્દિક પોતે તેમને લેવા ગયો હતો, અને મીડિયા સાથે વાત કરતા હાર્દિકે કહ્યું હતું કે, પોલીસ દાદાગીરીની તમામ હદ વટાવી ચૂકી છે.
પોલીસે પોતાના પરિવારજનોને રોકતા હાર્દિક રોષે ભરાયો હતો. પોતાની કારમાં રિંગ રોડ જવા નીકળેલા હાર્દિકે પોલીસકર્મીઓને વોર્નિંગ આપતા કહ્યું હતું કે, મારા એકેય પરિવારનોને રોકવાના નહીં. પોલીસે હાર્દિકને કહ્યું હતું કે, મારો ભાઈ બહાર જઈને આવે કે મારા પરિવારજનો ક્યારેય પણ આવે તો તેમને રોકવાના નહીં.
પોતાના પરિવારજનોને લેવા માટે જઈ રહેલો હાર્દિક જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે પોલીસે મીડિયાકર્મીઓના ફોન ખેંચવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. હાર્દિકના ઘર આગળ ગોઠવી દેવાયેલા પોલીસ પહેરા સામે તેમજ પોલીસની કથિત હેરાનગતિ વિરુદ્ધ પાસ દ્વારા હાઈકોર્ટમાં અરજી પણ ફાઈલ કરવામાં આવી છે.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા બાદ હાલ હાર્દિક પોતાના ઘરે જ છે, અને તેના ઉપવાસ પણ ચાલુ છે. ગઈકાલે મીડિયાને પણ પોલીસે તેના ઘરે જતા અટકાવતા બબાલ થઈ હતી. જોકે, પોલીસ પોતાના વલણ પણ અક્કડ રહી હતી, અને મીડિયાને હાર્દિકના ઘરમાં ધરાર પ્રવેશ નહોતો અપાયો. પાસનો આક્ષેપ છે કે, પોલીસે અનેક પાબંધીઓ મૂકી દીધી છે.