મહિલાએ કરી લીધા બીજા લગ્ન, તો જાતિ પંચાયતે સંભળાવી થુક ચાટવાની સજા?

મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાંથી એક ખૂબ જ શરમજનક કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, અહીંની એક 35 વર્ષીય મહિલા, જેને છૂટાછેડા પછી બીજી વાર લગ્ન કર્યા હતા, ત્યારે તેના સમુદાયની જ્ઞાતિ પંચાયતે સજા તરીકે થૂંક ચાટવાનો આદેશ આપ્યો હતો. આ મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે જાતિ પંચાયતે મહિલા પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો કે મહિલાએ હિંમત રાખીને બંને શરતો સ્વીકારવાની ના પાડી દીધી હતી અને આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી દીધી.

પીડિતાએ જણાવ્યું કે આ શરમજનક ઘટના ગયા મહિને થઇ હતી, પરંતુ આ વાતની જાણ બધાને ત્યારે થઇ જયારે ગામની પંચાયત સામે કેસ નોંધાવવામાં આવ્યો. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, જલગાંવ જિલ્લામાં રહેતી પીડિતાની ફરિયાદ પર મહારાષ્ટ્ર સામાજિક બહિષ્કાર (નિવારણ, નિષેધ અને નિવારણ) અધિનિયમ, 2016 ની કલમ 5 અને 6 હેઠળ જાતિ પંચાયતના દસ સભ્યો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

તેમને કહયું કે એફઆઈઆર ગુરુવારે સાંજે જલગાંવના ચોપડા શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી, જે વિસ્તારમાં આ મહિલા રહેતી હતી, અને પછીથી કેસને અકોલાના પિંજર પોલીસ સ્ટેશનમાં તપાસ માટે સ્થાનાંતરિત કરવામાં આવ્યો, જ્યાં ઘટના બની હતી.

ફરિયાદ અનુસાર આ ઘટના 9 એપ્રિલના રોજ અકોલાના વડગાંવ ગામમાં બની હતી, જ્યાં પીડિતાના બીજા લગ્ન અંગે નિર્ણય લેવા માટે જાતિ પંચાયતને બોલાવવામાં આવી હતી. અધિકારીએ કહ્યું કે પીડિત નાથ જોગી સમુદાયથી આવે છે, જેમની જ્ઞાતિ પંચાયતમાં બીજા લગ્ન કરવા પર પ્રતિબંધિત છે. અધિકારીએ કહ્યું કે પીડિતાએ 2015 માં તેના પહેલા પતિથી છૂટાછેડા લીધા બાદ 2019 માં તેને બીજા લગ્ન કર્યા હતા. જ્યારે તેના પહેલા લગ્ન 2011 માં થયા હતા.

અધિકારીએ કહ્યું કે જ્ઞાતિ પંચાયતની બેઠકમાં સભ્યોએ મહિલાના બીજા લગ્નની ચર્ચા કરી અને તેની બહેન અને અન્ય સંબંધીઓને બોલાવ્યા. અને આ મુદ્દે તેમનો ચુકાદો સંભળાવ્યો, જો કે આ સમયે ત્યાં આ પીડિતા હાજર ન હતી. અધિકારીએ કહ્યું કે ચુકાદા મુજબ, જ્ઞાતિ પંચાયતના સભ્યોએ કેળાના પાંદડા પર થૂંકવાનું હતું અને પીડિતાએ તેને સજા તરીકે ચાટવાનું હતું. આ ઉપરાંત જ્ઞાતિ પંચાયતે પીડિતાને એક લાખ રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો હતો.

અધિકારીએ ફરિયાદ અનુસાર જણાવ્યું કે પંચાયત દ્વારા આ માંગણીઓને પૂરી કર્યા પછી જ પીડિત તેના સમુદાયમાં પાછી આવી શકે છે. ત્યારબાદ જ્ઞાતિ પંચાયતના આ નિર્ણય વિશે પીડિતાને તેના સંબંધીઓએ જણાવ્યું.

જલગાંવના પોલીસ અધિક્ષક પ્રવીણ મુંડેએ કહ્યું કે નિર્ણયથી હેરાન પીડિતાએ ચોપડા શહેર પોલીસ સ્ટેશનનો દરવાજો ખટખટાવ્યો અને પંચાયતના સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. તેમને કહ્યું કે આ ઘટના અકોલામાં બની હતી. તેથી કેસને વધુ તપાસ માટે ત્યાં ટ્રાન્સફર (સ્થાનાંતરિત) કરવામાં આવ્યો છે.

Scroll to Top