2019ની ચૂંટણી પહેલા બીજેપીએ તેમનાથી નારાજ સહયોગીઓને મનાવવાનું શરૂ કરી દીધું છે. જે માટે બીજેપી અધ્યક્ષ અમિત શાહ બુધવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરવાના છે. શિવસેનાએ એવું કહ્યું છે કે તેઓ આગામી ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. તેવી પરિસ્થિતિમાં શાહ અને ઉદ્ધવની મુલાકાતને શિવસેનાને મનાવવા માટે થઇ રહી હોય તેવું માનવામાં આવે છે. જો કે મુલાકાત પહેલા શિવસેનાએ ‘મોદી-શાહ’ પર નિશાનો સાધતાં કહી દીધું હતું કે તેઓ અત્યારે કોઇ ગઠબંધનના મૂડમાં નથી.
મુલાકાત પહેલા શિવસેનાએ પોતાના મુખપત્ર ‘સામના’ દ્વારા વડાપ્રધાન મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ પર નિશાનો સાધ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘ જ્યારે તેલની વધતી કિંમતોના કારણે આખો દેશ ગુસ્સામાં છે, ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે, સરકાર દ્વારા સામ, દંડ અને ભેદ અપનાવ્યાં પછી પણ ખેડૂતો સાથે કોઇ વાતચીત નથી થઇ રહી, આવી પરિસ્થિતિમાં મોદી-અમિત શાહ 350 સીટો જીતવાનું સપનું જોઇ રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં મોદી અને અમિત શાહ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રચાર અભિયાન ચલાવી રહ્યાં છે. બંન્નેના કૌશલના વખાણ કરવા જોઇએ.’
‘સામના’માં શિવસેનાએ ફરી કહ્યું છે કે તેઓ 2019ની ચૂંટણી સ્વતંત્ર રીતે લડશે. તેમણે આગળ જણાવચાં કહ્યું કે, બીજેપી સંપર્ક અભિયાન ચલાવી જરૂર રહી છે પરંતુ જનતા સાથે તેનો સંપર્ક સતત તૂટી રહ્યો છે. બિહારમાં નીતિશ કુમાર સાથે ગઠબંધનનો ચહેરો બનાવતા શિવસેનાએ અમિત શાહ પર હુમલો કરતાં જણાવ્યું કે બિહારમાં નીતિશનો ચહેરો કામ નહીં લાગે. તેમણે આગળ જણાવતાં કહ્યું કે જો બીજેપી રામ મંદિર બનાવે છે તો 350 સીટો જીતી શકે છે.
મહત્વનું છે કે મહારાષ્ટ્રના પાલઘર લોકસભા સીટ પર થયેલી પેટચૂંટણીમાં બંન્ને સહયોગી દળો વચ્ચે જોરદાર આરોપ-પ્રત્યારોપ જોવા મળ્યાં. પાલઘર સીટ પર બીજેપીએ સફળતા ચોક્કસ મેળવી પરંતુ જીતના એકદમ ઓછા અંતરે રાજ્ય અને કેન્દ્રની સત્તાધારી પાર્ટીની ઊંઘ ઉડાવી દીધી. કેન્દ્ર અને રાજ્ય સ્તર પર ઘણાં બીજેપી વિરોધી દળ એક સાથે આવતા દેખાય છે. જેના કારણે જ ભંડારા-ગોંદિયા સીટ પર એનસીપી-કોંગ્રેસે મળીને ચૂંટણી લડતા બીજેપીને હરાવી દીધી છે.
પાલઘર પેટાચૂંટણી દરમિયાન શિવસેનાએ ઇવીએમ અને વીવીપેટ મશીમોમાં ગડબડ અંગે બીજેપી અને ચૂંટણી આયોગ પર પણ નિશાનો સાધ્યો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સત્તાધારી પાર્ટીએ પોતાના ફાયદા માટે ઇવીએમમાં ગરબડી કરી છે. એનડીએના નાના ઘટક દળોની કથિત અનદેખી અંગે શિવસેના સતત બીજેપી પર હુમલો કરે છે. શિવસેના સાંસદ સંજય રાઉતે તો પોતાની પાર્ટીને બીજેપીનો સૌથી મોટો રાજનૈતિક શત્રુ નક્કી કરી લીધો છે. તેમણે કહ્યું કે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહ બંન્નેને ઇચ્છતા નથી. કોંગ્રેસ કે જેડીએસ નેતા એચડી દેવગૌડાને સ્વીકાર કરી શકે છે.
અમિત શાહની ઉદ્ધવ ઠાકરે સાથે આ મુલાકાત એવા સમયમાં થવા જઇ રહી છે જ્યારે બિહારમાં જોકીહાટ વિધાનસભા સીટ પર આરજેડી ઉમેદવારથી હાર્યા પછી જેડીયૂએ લોકસભા ચૂંટણી માટે સીટ આપવા અંગે બીજેપી પર દબાણ વધારવાનું શરૂ કરી દીધું છે.
હાલ બધાની નજર માતોશ્રીમાં અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત પર છે.