અમદાવાદઃ આમરણાંત ઉપવાસ પર બેઠેલા હાર્દિકના ઉપવાસનો આજે બીજો દિવસ છે. હાર્દિક ઉઠે તે પહેલાથી બહેનો હાર્દિકને રાખડી બાંધવા માટે ઉપવાસ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાર્દિકની સગી બહેન મોનિકા પટેલ પણ હાર્દિકને રાખડી બાંધવા માટે ગ્રીનવૂડ લેક વ્યુ રિસોપ્ટ પહોંચી છે.
હાર્દિક પટેલને રાખડી બાંધ્યા પછી બહેન મોનિકા પટેલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, આ તેમના લગ્ન પછીની પહેલી રક્ષાબંધન છે. મોનિકાએ કહ્યું કે, તેના પોતાના ભાઈ પ્રત્યે ગર્વ છે કે તે ખેડૂતો અને અન્ય સમાજના લોકો માટે અને તેમના અધિકારો માટે લડત કરી રહ્યો છે પણ આજના દિવસે તેને એ વાતનું દુઃખ છે કે સરકારની દ્વેષપૂર્ણ નજરકેદમાં રહેવું પડી રહ્યું છે.
આ સિવાય હાર્દિક સાથે ઉપવાસ કરી રહેલા કાર્યકર્તાઓની બહેનો પણ તેમને રાખડી બાંધા માટે ઉપવાસ સ્થળ પર પહોંચી રહી છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકના ઉપવાસ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને આંચ ના આવે તે માટે સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ અંગે પણ પાસ દ્વારા સરકાર પર વાર કરવામાં આવ્યા છે.
પાસના કન્વીનર મનોજ પનારાએ કહ્યું કે, ભાજપની સરકાર બ્રિટિશ શાશન કરતા વધુ જુલમ ગુજારી રહી છે. પનારાએ કહ્યું કે, રક્ષાબંધનના દિવસે હાર્દિકને રાખડી બાંધવા માટે આવી રહેલી બહેનોને પણ અટકાવવામાં આવી રહી છે. લોકશાહી દેશમાં કલ્પી પણ ન શકાય તેવું થઈ રહ્યું છે. તેમણે સરકારને અરજ પણ કરી છે.
નોંધનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે પહેલેથી કરેલી જાહેરાત મુજબ, ગઈકાલે બપોરે 3 કલાકથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરી દીધા હતા. તેની સાથે પાસના કાર્યકરો અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. દરમિયાનમાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે. હાર્દિકે પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવાની માફીની માંગ સાથે આ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હાર્દિકના ઉપવાસ આંદોલનને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે તકેદારીના ભાગ રૂપે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિકે પહેલા અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઉપવાસ કરવા દેવાની મંજૂરી માંગી હતી. જોકે, તેની એ માંગ નકારી દેવાતા તેણે બાદમાં ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી માટે મંજૂરી માંગી હતી. જોકે, તેની એ માંગ પણ મંજૂર રાખવામાં આવી ન હતી. એટલે, તેણે રિસોર્ટમાં જ ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. બીજી તરફ પોલીસે હાર્દિકને ઉપવાસ માટે મંજૂરી ન આપવા મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં લઈને મંજૂરી નથી આપવામાં આવી.
આ પહેલા હાર્દિકે આજે સવારે પોતાના ઘરે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેણે ઉપવાસ માટે મંજૂરી ન આપવા બદલ રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હાર્દિકે કહ્યું હતું કે, જેનાથી જે થાય તે કરી લે, તે ઉપવાસ આંદોલન કરીને જ રહેશે. સાથે જ હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે, ઉપવાસ આંદોલનને નિષ્ફળ બનાવવા રાજ્યની ભાજપ સરકાર શામ, દંડ અને ભેદનો પ્રયોગ કરી રહી છે.