ગુજરાતમાં ખાડાઓના કારણે 3 વર્ષમાં આટલા બધા લોકો જીવ ગુમાવ્યા

રાજયમાં વરસાદને કારણે રોડ રસ્તાઓ પર ખાડાના કારણે અકસ્માતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. માર્ગ પરિવહન મંત્રાલયના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં નેશનલ હાઈવેની જાળવણી માટે ત્રણ વર્ષના ગાળામાં કુલ 366.81 કરોડની ફાળવણી કરવામાં આવી હતી, જોકે તેમાંથી 270 કરોડનો ખર્ચ કરાયો હતો જ્યારે 96.11 કરોડ જેટલી રકમ વણવપરાયેલી રહી હતી.

ગુજરાતમાં વર્ષ 2017થી 2019માં કુલ 558 અકસ્માત થયા છે જેમા 234 મોત થયા અને 548 લોકોને નાની-મોટી ઈજા પહોંચી હતી. કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રાલયના રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ખાડાઓના કારણે સૌથી વધુ અકસ્માત અને મોત વર્ષ 2017માં થયાં હતા, આ અરસામાં કુલ 552 અકસ્માતની ઘટના નોંધાઈ હતી, જેમાં 228 લોકોના મોત થયા છે. તો 545 લોકોને ઈજા પહોંચી હતી.

જોકે એ પછી ખાડાઓ રિપેર થતાં અકસ્માતોની વણઝાર જાણે એકદમ ઓછી થઈ હોય તેમ વર્ષ 2018માં ખાડાઓના કારણે એક અકસ્માતમાં એકનું મોત થયું હતું. એ પછીના વર્ષ 2019માં પાંચ અકસ્માત થયા હતા, જેમાં પાંચના મોત અને એક વ્યક્તિને ઈજા થઈ હતી. પોલીસ વિભાગ પાસેથી જે અકસ્માતોના કેસમાં માહિતી સામે આવી તેના આધારે કેન્દ્ર સરકારને આ માહિતી મળી હતી. નેશનલ હાઈવે પર રસ્તાની જાળવણી માટે એજન્સીઓને કામ સોપાય છે.

અર્જુન મોઢવાડીયાએ એક વિડીયો ટ્વીટ કરી કોર્પોરેશનમાં રોડ-રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું કહ્યું છે. નવા બનેલા હાઇવેમાં ત્રણ જ મહિનામાં કપચી ઉખડી ગઈ હોવાથી વાહન ચાલકો હેરાનગતિ ભોગવે છે. તેઓએ કરેલા ટ્વીટમાં જણાવ્યું છે કે #ભાજપનું_ભ્રષ્ટાચાર_મોડલ, અમદાવાદના જશોદાનગરને રીંગ રોડથી જોડતા 6 લેન હાઈવે, જરા ધ્યાનથી જુવો! આ હાઈવે 3 મહિના પહેલાં જ બન્યો હતો. કપચીથી પણ ભ્રષ્ટાચાર સહન ના થયો, ઉખડીને બહાર આવી. તુટેલા રોડ ઉપર ચાલતા લોકોને ભ્રષ્ટાચાર સહન કરવો પડે છે.

Scroll to Top