કુમાવત પરિવાર 5 મહિનાથી 40 વર્ષની દીકરી માયાદેવીની સેવા કરી રહ્યો છે. માયા 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદથી પિયર આવતી વખતે અકસ્માતનો શિકાર બની હતી. તે જે બસમાં હતી તે દુર્ઘટનાગ્રસ્ત થઇ ગઇ. તેમાં માયાની કરોડરજ્જુનું હાડકું તૂટી ગયું. ગંભીર હાલતમાં ઉદયપુરમાં તેનો ઇલાજ ચાલ્યો. અમદાવાદમાં પણ 3 મહિના દાખલ કરવામાં આવી. ત્યાંના ડોક્ટરોએ જવાબ આપી દીધો હતો. અત્યારે તેનું આખું શરીર સ્થિર છે, પરંતુ ગરદનના ઉપરના હિસ્સામાં હલચલ થવા લાગી છે. આ જ હલચલ પિતા ઓમકારલાલ, 3 ભાઈઓ તેમજ પરિવારના અન્ય લોકોની આશાઓને જીવંત રાખી રહી છે. હવે પરિવારે ઘરમાં જ ICU જેવી સિસ્ટમ બનાવી દીધી છે. માયાના લગ્ન રાયપુરમાં થયા હતા. તે પતિ સાથે અમદાવાદમાં રહેતી હતી.
અમદાવાદથી 2000 રૂપિયા પ્રતિદિનના ભાડે લાવ્યા વેન્ટિલેટર
– પરિવારના લોકો અમદાવાદથી દરરોજના 2000 રૂપિયા લેખે વેન્ટિલેટર ભાડે લાવ્યા. દરરોજના 2 ઓક્સીજન સિલિન્ડર મંગાવે છે. બે જનરેટર પણ લગાવી દીધા છે.
– આ વાતની અમદાવાદના ડોક્ટરોને જાણ થઇ ત્યારે હવે તેઓ મોબાઈલ પર પરામર્શ આપવા લાગ્યા છે. માયાના ત્રણેય ભાઈ નંદરામ, ચાંદમલ અને સુરેશ કુમાવત ભણેલા-ગણેલા નથી.
– 8મા ધોરણમાં ભણતા ભત્રીજાઓ નારાયણ અને વિષ્ણુએ દવા આપવાની જવાબદારી સંભાળી લીધી છે, જ્યારે ભાઈ ડાયટ ચાર્ટનું ધ્યાન રાખે છે.
પરિવારે કહ્યું- દીકરીને ફરીથી પગ પર ઊભી કરીને જ રહીશું
– અકસ્માતમાં માયા લાચાર થઈ ગઈ તો પતિએ તોને સાથ છોડી દીધો. પરંતુ પિતા અને ભાઈઓએ હિંમત નથી હારી.
– ઘરમાં બનાવવામાં આવેલા ક્લિનીકમાં માયાના ઇલાજ પર દરરોજ આશરે 5000 રૂપિયાનો ખર્ચ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં લગભગ 20 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઇ ચૂક્યો છે. તેમછતાં પણ પિતા કહે છે કે માયાને એક દિવસ તેના પગ પર ઊભા કરીને જ રહીશું, પછી ભલે અમારે તેના માટે વધુ જમીન વેચવી પડે.
– હવે ડોક્ટરો પણ કહેવા લાગ્યા છે કે 6 મહિના બીજા જો બધું બરાબર રહે તો માયાના શરીરમાં ફરીથી હલન-ચલન શરૂ થઇ શકે છે.