પદ્માવત ફિલ્મના રીલિઝને લઇને ચાલી રહેલા વિવાદને કારણે કરણી સેનાનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતના નાગરિકોને તેની અસર થઈ રહી છે. ગઈકાલે કરણી સેનાના કાર્યકરાઓ ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શનો કરી તોડફોડ કરી હતી. તેમજ એસટી બસોને પણ આગ લગાવી હતી. જેને પગલે પહેલા ઉત્તર ગુજરાત અને બાદમાં સુરક્ષાના કારણોસર મધ્ય ગુજરાત તરફ જતી એસ ટી બસોને જ્યાં છે ત્યાં જ રોકી દેવાનો એસટી નિગમ દ્વારા નિર્ણય કરાયો છે. જેને પગલે હજારો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે મહેસાણા જિલ્લામાં ‘પદ્માવત’નો વિરોધ ઉગ્ર બનતા જિલ્લામાં ત્રણ બસોમાં આગ ચંપી બાદ જિલ્લાની તમામ એસટી સેવા મોડી રાતથી બંદ કરી દેવાઈ હતી તેમજ બસ ડેપો અને બસ સ્ટેન્ડ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ દેવાયો છે. મહેસાણાના કડી વિજાપુર, બહુચારજી, ઊંઝા, વિસનગર, ખેરાલુ, સતલાસણા સહિત પાલનપુર અને પાટણ જિલ્લામાં પણ એસટીના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. મહેસાણા વિભાગમાં છેલ્લા 11 કલાકમાં 1300થી વધુ ટ્રિપો રદ કરી દેવાઈ છે.
આ રૂટો પર એસટી બસ સેવા હાલ પૂરતી બંધ કરાઈ
બનાસકાંઠામાં પદ્માવત ફિલ્મ વિરોધને પગલે જિલ્લામાં 100 થી વધુ બસોના રૂટ બંધ કરાયા. પાલનપુરથી અમદાવાદ જતી એક્સપ્રેસ બસો બંધ કરાઈ છે. અંબાજીથી અમદાવાદ જતી બસો પણ બંધ કરાઈ છે. જિલ્લા માં વિરોધના પગલે તકેદારીના ભાગ રૂપે 100 જેટલી બસો બંધ કરાઈ જેને પગલે મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. હિંમતનગર ST ડેપોની રૂટની બસ સેવા હાલ પૂરતી બંધ કરાઈ છે. જેમાં મોડાસા, ઈડર રૂટ સિવાયના તમામ રૂટ બંધ કરાયા છે. પદ્માવતના વિરોધને જોતા આ નિર્ણય લેવાયો છે. ઉત્તર ગુજરાત તરફ જતી ST બસોની સર્વિસ બંધ કરી દેવાઈ છે. પદ્માવત ફિલ્મનાં વિરોધને જોતા તકેદારીનાં ભાગરૂપે એસટી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. મહેસાણા, પાલનપુર, કડી, કલોલ તરફની ST બસ બંધ કરાઈ છે. પાટણ ST ડેપોની તમામ રૂટની બસ સેવા બંધ કરાઈ છે. મહેસાણા ડિવિઝનની સૂચના મળ્યા બાદ જ આ સેવાઓ ફરીથી કાર્યરત કરવામાં આવશે.
નવસારીમાં પદ્માવત ના વિરોધમાં હિંદુ સેના, વીએચપી અને કરણી સેનાએ મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે જામ કરી દીધો. ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોએ હાઈવે પર ટાયરો બાળીને વાહન-વ્યહાર રોકી દીધો. તો વડગામ-ખેરાલુ હાઈવે પણ મહાકાલ સેનાએ ચક્કાજામ કરી દીધો છે. આ ઉપરાંત અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પણ રાજપૂત સમાજે જામ કરી દીધો છે. ઉંઝા તાલુકા અને રાજપૂત યુવા સંગઠન દ્વારા ઊંઝા-મહેસાણા હાઈવે બ્લોક કર્યો. ઉનાવા પાસે પણ હાઈવે પર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું. આમ, જેમ-જેમ પદ્માવતની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ-તેમ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યું છે.