ચેન્નાઇ: તમિલનાડૂના પૂર્વ સીએમ અને DMK પ્રમુખ એમ. કરૂણાનિધિનું 94 વર્ષે નિધન થયું છે. 11 દિવસથી હોસ્પિટલમાં દાખલ કરૂણાનિધિએ મંગળવાર સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તમિલનાડૂ સરકારે 7 દિવસ સમગ્ર રાજ્યામાં રાજકીય શોકની જાહેરાત કરી છે. રાજ્યમાં બુધવારે છઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. કરૂણાનિધિના અંતિમ સંસ્કાર બુધવારે કરવામાં આવશે. DMK નેતાના નિધનના સમાચાર મળતા જ ચેન્નાઇ સહિત પુરા રાજ્યના સમર્થકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે.
ચેન્નાઇમાં કેટલાક સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. તેઓ મરીના બીચ પર કરૂણાનિધિનું સ્મારક બનાવવાની માંગ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રાજનાથ કોવિંદ, રજનીકાંત, કમલ હસન સહિતના તમામ નેતાઓએ શોક વ્યક્ત કર્યો.
માત્ર 14 વર્ષની આયુએ હિંદી વિરોધની સાથે રાજકારણમાં પગલાં પાડનારા મુથુવેલ કરૂણાનિધિનું 7 ઓગસ્ટે સાંજે 6:10 વાગ્યે નિધન થઈ ગયું. પોતાના 80 વર્ષના કેરિયરમાં તેઓ એકવખત પણ ચૂંટણી હાર્યા નથી. તેઓ તામિલ ફિલ્મોમાં નાટકકાર અને પટકથા લેખક પણ હતા. તેમનો જન્મ 3 જૂન, 1924નાં રોજ તિરૂવરૂર જિલ્લાના તિરૂકુવાલાઈ ગામમાં થયો હતો. તેઓએ 3 લગ્ન કર્યાં હતા.
હિંદી વિરોધ આંદોલન સાથે જોડાયાં, હાથેથી લખીને છાપું કાઢ્યું
– જસ્ટિસ પાર્ટીના અલાગિરિસ્વામીના ભાષણથી પ્રભાવિત થઈને કરૂણાનિધિએ રાજકીય જીવનમાં પગલાં માંડ્યા, ત્યારે તેમની ઉંમર 14 વર્ષ હતી. તેઓ હિંદી વિરોધ આંદોલન સાથે જોડાયાં. તેઓએ સ્થાનિક સ્તરે યુવાનોને એકઠાં કર્યા અને હાથેથી લખીને ‘માનવર નિશાન’ નામનું છાપુ કાઢવાનું શરૂ કર્યું. તેઓએ 20 વર્ષની ઉંમરમાં જ્યૂપિટર પિકચર્સમાં પટકથા લેખકના રૂપે કેરિયર શરૂ કર્યું. તેમની પહેલી ફિલ્મ ‘રાજકુમારી’ ઘણી જ લોકપ્રિય થઈ હતી.
કરૂણાનિધિના નાટકો અને ફિલ્મો માટે સ્ક્રિપ્ટ લખી તે દરમિયાન જસ્ટિસ પાર્ટીના પેરિયાર ઇરોડ વેંકટપ્પા રામાસામી અને સીએમ અન્નાદુરઇની નજર તેમના પર પડી. તેઓએ કરૂણાનિધિને પાર્ટીની પત્રિકા ‘કુદિયારાસુ’ના તંત્રી બનાવી દીધા. જો કે 1947માં પેરિયાર અને અન્નાદુરઇમાં મતભેદ થયો. 1949માં અન્નાદુરઇએ દ્રવિડ મુનેત્ર કષગમ (DMK)ની રચના કરી. કરૂણાનિધિ અન્નાદુરઇની સાથે રહ્યાં. તેઓએ ‘મુરાસોલી’ નામનું છાપું કાઢવાનું પણ શરૂ કર્યું, જે બાદ તે દ્રમુકનું મુખપત્ર બન્યું.
કલાકુડી આંદોલનથી વધ્યું રાજકારણમાં કદ
– 1953માં કલાકુડી આંદોલનમાં સામેલ થયાં બાદ કરૂણાનિધિનો રાજકીય ગ્રાફ ઘણો ઊંચો થયો. આ આંદોલનમાં બે લોકોના મોત નિપજ્યા હતા અને કરૂણાનિધિની ધરપકડ કરવામાં આવી હતી. 1957માં તેઓ દ્રમુકની ટિકિટ પર તિરૂચિરાપલ્લી જિલ્લાની કુલથલાઈ સીટથી પહેલી વખત મદ્રાસ સ્ટેટ એસેમ્બલી માટે ચૂંટાયા.
– 1961માં તેઓ દ્રમુખના કોષાધ્યક્ષ બન્યાં. આગામી વર્ષે પ્રદેશ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે ચૂંટાયા.
– દ્રમુખે 1967માં મદ્રાસ સ્ટેટમાં પહેલી વખત સરકાર બનાવી.
– સીએમ અન્નાદુરઇ રાજ્યના મુખ્યમંત્રી બન્યાં અને કરૂણાનિધિને પીડબલ્યૂડી મંત્રી બનાવવામાં આવ્યાં.
– 1969માં મદ્રાસ સ્ટેટથી અલગ થઈને તામિલનાડુ રાજ્ય બન્યું.
– અન્નાદુરઇ 14 જાન્યુઆરી, 1969નાં રોજ તામિલનાડુના પહેલાં મુખ્યમંત્રી બન્યાં. પરંતુ 20 દિવસ બાદ તેમનું મૃત્યું થઈ ગયું. જે બાદ તેમની જગ્યા વીઆર નેદુચેઝિયાનને અંતરિમ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં.
– 7 દિવસ બાદ એટલે કે 10 ફેબ્રુઆરી, 1969નાં રોજ કરૂણાનિધિ પ્રદેશના ત્રીજા મુખ્યમંત્રી બન્યાં. તેઓ 4 જાન્યુઆરી, 1971 સુધી આ પદ પર રહ્યાં.
– 1971માં વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી બીજી વખત સત્તામાં આવી અને તેઓ ફરી મુખ્યમંત્રી બન્યાં. કરૂણાનિધિ 5 વખત તામિલનાડુના મુખ્યમંત્રી રહ્યાં છે. તેઓ પહેલી વખત મુખ્યમંત્રી 10 ફેબ્રુઆરી, 1969થી 4 જાન્યુઆરી, 1971 સુધી રહ્યાં.
– બીજી વખત 15 માર્ચ, 1971થી 31 જાન્યુઆરી 1976 સુધી મુખ્યમંત્રી રહ્યાં.
– ત્રીજી વખત મુખ્યમંત્રી 27 જાન્યુઆરી, 1989થી 30 જાન્યુઆરી, 1991 સુધી રહ્યાં.
– ચોથી વખત 13 મે, 1996થી 13 મે, 2001 સુધી CM રહ્યાં.
– પાંચમી વખત 13 મે, 2006થી 15 મે, 2011 સુધી મુખ્યમંત્રી રહ્યાં.
– તેમના નામે સૌથી વધુ 13 વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ પણ છે.
MGRને પાછળ ન છોડી શક્યા
– કરૂણાનિધિની જેમજ મરુદુર ગોપાલન રામચંદ્રન (MGR) પણ દ્રમુખના સંસ્થાપક સભ્યોમાં હતા. પરંતુ અન્નાદુરઇના મૃત્યુ પછી કરૂણાનિધિ અને એમજીઆરમાં મતભેદ ઊભા થવા લાગ્યાં.
– 1972માં એમજીઆરએ દ્રમુખથી અલગ થઈને ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેધ કષગમ (AIADMK)ની રચના કરી.
– 1976 પછી તામિલનાડુમાં 516 દિવસનું રાષ્ટ્રપતિ શાસન રહ્યું.
– 1977માં પ્રદેશ વિધાનસભાની ચૂંટણી થઈ. એમજીઆરની પાર્ટી સત્તામાં આવી અને તેઓ મુખ્યમંત્રી બન્યાં.
– એમજીઆરનો તામિલનાડુના રાજકારણમાં એટલો પ્રભાવ હતો કે જ્યાં સુધી તેઓ જીવીત રહ્યાં ત્યાં સુધી કરૂણાનિધિ બીજી વખત સત્તામાં ન આવી શક્યા.
– જો કે કરૂણાનિધિ પોતે ક્યારેય કોઈ ચૂંટણી નથી હાર્યાં.
– એમજીઆરના નિધન પછી 1989માં થયેલી વિધાનસભા ચૂંટણી દ્રમુખને બહુમતી મળી અને કરૂણાનિધિ ફરીથી મુખ્યમંત્રી બન્યાં.
46 વર્ષ સુધી કાળા ચશ્મ પહેર્યાં
– કરૂણાનિધિની 1971માં અમેરિકાના જોન હોપકિંગ્સ હોસ્પિટલમાં આંખોની સર્જરી થઈ હતી. જે બાદથી 46 વર્ષ સુધી તેઓએ કાળા ચશ્મા પહેર્યાં.
– DMKમાં તેમના સાથી રહેલાં અને બાદમાં અન્નાદ્રુમકની સ્થાપના કરનારા એમજી રામચંદ્રન પણ કાળા ચશ્મા પહેરતાં હતા.
– કરૂણાનિધિએ 2017માં જ ડોકટરોની સલાહ પર કાળા ચશ્મા પહેરવાનું છોડ્યું હતું. જેના બદલે તેમના માટે ઈમ્પોર્ટેડ ચશ્મા મંગાવ્યા હતા જે થોડો ટિન્ટેડ હતા. 40 દિવસની તપાસ બાદ નવા ચશ્મા ફાઈનલ કરવામાં આવ્યાં હતા.
ચર્ચિત ધરપકડ
– 30 જૂન, 2001ની રાત્રે પોણા બે વાગ્યે પોલીસે કરૂણાનિધિની તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.
– ચેન્નાઈમાં ફ્લાઈઓવર્સના નિર્માણમાં થયેલાં ભ્રષ્ટાચારના મામલે આ ધરપકડ થઈ હતી.
– કરૂણાનિધિ વિરોધ કરતાં રહ્યાં, પરંતુ પોલીસ તેમને સખ્તી ઉઠાવી લઈ ગઈ હતી. તે સમયે તામિલનાડુના મુખ્યમંત્રી જે. જયલલિતા હતા.
– કરૂણાનિધિનો આરોપ હતો કે પોલીસ તાળું તોડીને તેમના ઘરમાં ઘૂસી અને તેમને ઢસડીને લઈ ગયા.
રાજકારણ અને વિવાદ
– કરૂણાનિધિએ રામસેતુ પ્રોજેક્ટને લઈને અનેક વિવાદિત નિવેદનો કર્યા. એક વખત તેઓએ કહ્યું હતું કે, “કેટલાંક લોકો કહે છે કે 17 લાખ વર્ષ પહેલાં અહીં એક વ્યક્તિ હતો, જેનું નામ રામ હતું. તેને અડક્યાં વગર રામ સેતુનું નિર્માણ કર્યું હતું. કોણ છે આ રામ? કોઈ એન્જિનિયરિંગ કોલેજથી તેને સ્નાતક કર્યું હતું? તે અંગેનુ કોઈ પાસે પ્રમાણપત્ર છે?”
– કરૂણાનિધિએ એપ્રિલ, 2009માં સ્વીકાર્યુ કે લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ ઈલમ (LTTE)ના પ્રમુખ પ્રભાકરણ તેમનો સારો મિત્ર હતો. LTTEએ જ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરાવી હતી. રાજીવ ગાંધી હત્યાકાંડની તપાસ કરનારા જૈન આયોગે પોતાના રિપોર્ટમાં પ્રભાકરન અને કરૂણાનિધિના સંબંધ અંગે કહ્યું હતું.હિંદીના મુદ્દે મોદીને આપી હતી સલાહ
કરૂણાનિધિનો હિંદિ વિરોધ જગજાહેર હતો. નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવ્યાં બાદ તેઓએ કહ્યું હતું કે, ”ભાષાની લડાઈ હજુ પૂરી નથી થઈ. હિંદી વિરોધ આંદોલન ઈતિહાસના પાનાઓમાં છે. શું અમે નેહરૂના તે આશ્વાસનને ભૂલી શકીએ છીએ જ્યાં સુધી ગેરહિંદી ભાષી લોકો ઈચ્છશે, અંગ્રેજી જ દેશની આધિકારિક ભાષા હશે.” તેઓએ વડાપ્રધાન મોદીને ગેરહિંદી ભાષી લોકો પર હિંદી થોપવાના બદલે દેશના આર્થિક અને સામાજિક વિકાસ પર ધ્યાન આપવાની સલાહ આપી હતી.