સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય સંભળાવતા કેન્દ્ર સરકારને આદેશ આપ્યા કે જે લોકોના મોત કોરોના સંક્રમણ (Covid-19)થી થયા છે તેમના પરિવારજનોને વળતર આપવામાં આવે. જોકે, વળતરની રકમ કેટલી હશે, આ ખુદ સરકારે નક્કી કરવુ પડશે.
જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતા ધરાવતી ત્રણ જજની બેંચે આ આદેશ આપ્યો કે એનડીએમએ આગામી છ અઠવાડિયામાં વળતરની રકમ નક્કી કરે અને એક એવી સિસ્ટમ બનાવે જેના દ્વારા વળતર આપવામાં આવી શકે. વકીલ ગૌરવ બંસલ અને રીપક કંસલની અરજી પર સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે.
આ બન્ને વકીલોએ સુપ્રીમ કોર્ટ સામે આ આપીલ કરી હતી કે તે કેન્દ્ર સરકારને આદેશ આપે કે કોવિડ-19ને કારણે માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા વળતર આપવામાં આવે.
આ પહેલા, મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કરીને એમ કહ્યુ હતું કે આર્થિક તંગી અને બીજા કેટલાક અન્ય કારણોથી તે કોવિડ-19ને કારણે જીવ ગુમાવનારા પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયતા રકમ આપી નથી શકતા.
એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યુ કે સરકારે કોવિડ મહામારી સામે લડવા માટે અને તેનાથી પીડિત પરિવારો માટે કેટલીક લાભકારી યોજનાઓ લાગુ કરી છે. સરકારે એમ પણ કહ્યુ હતું કે મહામારી સામે લડવા માટે કેટલીક કલ્યાણકારી યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેનો લોકોને ફાયદો પણ મળ્યો છે. આ એફિડેવિટ સહાયતા રકમના સબંધમાં પીડિત પરિવાર તરફથી આપવામાં આવેલી અરજીના જવાબમાં દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટ સામે દાખલ એફિડેવિટમાં કેન્દ્ર સરકારે એમ પણ કહ્યુ કે કેન્દ્ર અને તમામ રાજ્ય સરકારોએ કોરોના મહામારી સામે લડવા માટે જરૂરીયાતમંદ વ્યક્તિઓ માટે ઘણુ કર્યુ છે અને તેમાં ઘણો ખર્ચ થયો છે જેનાથી આર્થિક સ્થિતિ સ્વસ્થ નથી.