સુરતઃ ત્રણ વર્ષ અગાઉ 25 ઓગસ્ટ 2015માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારોના આંદોલનનો મહાજુવાળ જોવા મળ્યો હતો. જે તબક્કાવાર ઓસરી ગયો છે. ત્યારે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેઠેલા હાર્દિકના સમર્થનમાં પ્રતિક ઉપવાસ દ્વારા ફરી આંદોલનને વેગવંતુ બનાવવા માટે સુરતમાં રોજે રોજ અલગ અલગ સોસાયટીઓમાં પ્રતિક ઉપવાસ આંદોલનના કાર્યક્રમો આપવામાં આવ્યાં છે.જેમાં આજે પાંચેક સોસાયટીઓ જોડાઈ છે.
મુખ્ય ત્રણ માંગો સાથે પ્રતિક ઉપવાસ
સુરતના પાટીદાર બહુલ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પ્રતિક ઉપવાસ આંદોલન ચાલી રહ્યાં છે. ત્યારે આજે એકી સાથે પાંચેક સોસાયટીમાં પ્રતિક ઉપવાસના કાર્યક્રમ આપવામાં આવ્યાં છે. પાટીદારોની મુખ્ય માંગ છે કે, પાટીદાર સમાજ ને અનામત, ખેડુતોના દેવા માફી અને અલ્પેશ કથીરિયા ને જેલ મુક્ત કરવામાં આવે. હાર્દિક પટેલની આ મુખ્ય માંગો સાથે તેમના સમર્થનમાં પાટીદારો ઉપવાસ પર જોડાયા છે.
આંદોલનને ફરી ધબકતું કરવાના પ્રયાસ
સુરતના પાટીદારો દ્વારા પાસ સમિતિના નેજા હેઠળ આમરણાંત ઉપવાસ આંદોલનના સમર્થનમાં સોસાયટી-સોસાયટીએ પ્રતિક ઉપવાસના કાર્યક્રમો યોજાશે. અને હાર્દિક પટેલને સમર્થન આપી આંદોલનને ફરી વેગવંતુ બનાવવામાં આવશે તેમ સુરત પાસના કન્વીનર ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું.
આ સોસાયટીમાં આજે આંદોલન
1) સૂર્યમ રેસિડનસી.હરીદર્શન ના ખાડાની સામે સિંગનપુર. ડભોલી રોડ કતારગામ
2) નેતલદે સોસાયટી ની વાડી, સીતાનગર ચોક,પુણા ગામ.
3) શ્યામનગર સોસાયટી,નવાગામ,કામરેજ.
4) ધર્મરાજપાર્ક સોસાયટી ની વાડી, સીમાડા નાકા
આંદોલનમાં જોડાયા કોંગી અને આપના કાર્યકરો
વરાછા વિસ્તારની સોસાયટીમાં છેલ્લા બે ત્રણ દિવસથી ચાલી રહેલા પ્રતિક ઉપવાસમાં કોંગ્રેસના કોર્પોરેટર સહિતના કાર્યકરો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોવા મળી રહ્યાં છે. ત્યારે સામાન્ય પાટીદારો બહુ ઓછી સંખ્યામાં જોવા મળે છે.
રાજદ્રોહ મામલે આજે હાર્દિક કોર્ટમાં હાજર નહીં રહે તો ધરપકડ વોરંટ નીકળશે,
આજથી હાર્દિક પટેલે પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી હાર્દિક પટેલ આમરણાંત ઉપવાસ દરમિયાન પાણી પી રહ્યો હતો. બુધવારે સાંજે ફેસબુક લાઇવ પર હાર્દિકે ગુરુવારથી પાણી પણ નહીં લેવાની જાહેરાત કરી છે. બીજી તરફ આજે હાર્દિક પટેલ તરફથી હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી અંગે ચુકાદો આવશે. તો રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સામે આજે ચાર્જફ્રેમ થશે.
હાર્દિકની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી
બુધવારે હાર્દિક પટેલે હાઇકોર્ટમાં અરજી કરીને પોલીસ તેના ઘર પર દૂધ-શાકભાજી, કરિયાણા સહિતનો જીવન જરૂરી સામાન પણ અટકાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. હાર્દિકે પોતાની અરજીમાં કહ્યું છે કે પોલીસ તેના ઘરે આવી રહેલા લોકોને પણ અટકાવી રહી છે.
તેના ઘરે પાણી, દૂધ સહિતનો પુરવઠો પણ રોકી દેવામાં આવી રહ્યો છે. તેના ઘરે દરરોજ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા હોવાથી તેમના ભોજનની વ્યવસ્થા માટે આ તમામ વસ્તુઓ જરૂરી છે. આ ઉપરાંત લોકોની સગવડતા માટે પોલીસ તેના ઘરે મંડપ પણ બાંધવા નથી દઈ રહી. હાર્દિકની આ અરજી પણ આજે (30મી ઓગસ્ટ)ના રોજ હાઇકોર્ટમાં સુનાવણી થશે.
રાજદ્રોહના કેસમાં હાર્દિક સામે થશે ચાર્જફ્રેમ
હાર્દિક પટેલ સામે રાજદ્રોહના કેસમાં આજે સેશન્સ કોર્ટમાં ચાર્જફ્રેમ થશે. આ માટે આજે હાર્દિક પટેલે કોર્ટમાં હાજર રહેવું પડશે. જો હાર્દિક પટેલ કોર્ટમાં હાજર નહીં રહે તો તેની સામે ધરપકડ વોરંટ પણ નીકળી શકે છે.
બુધવારે સંજીવભટ્ટે કરી હાર્દિક સાથે મુલાકાત
ગુરુવારે પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન સંજીવ ભટ્ટે જણાવ્યું હતું કે કલમ 144નો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પોલીસના અધિકારીઓ સરકારની સૂચના હેઠળ કામ કરી રહ્યા છે. હાર્દિક યુવાઓ અને પાટીદારોની માંગણી સરકાર સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યો છે.