સુરતઃ ડુમસ રોડ પર પીપલોદ ખાતે આવેલા મોલની ડ્રેનેજ લાઈનની સફાઈ દરમિયાન વિચિત્ર કહી શકાય તેવી વસ્તુ મળી આવી હતી. મોલની ગટર લાઈનમાંથી કોન્ડોમનો મોટી સંખ્યામાં જથ્થો મળી આવતાં પાલિકાના સફાઈ કર્મચારીઓની સાથે અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતાં. અને મોલમાં ચાલતાં સ્પા સહિતના વિભાગોમાં ચાલતી પ્રવૃતિઓ પર પ્રશ્નો સર્જાયાં હતાં.
ગટરની સફાઈમાં આવી ગંદકી બહાર
પીપલોદ ખાતે આવેલા રાહુલ રાજ મોલની ડ્રેનેજ લાઈન ચોક અપ થઈ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેથી પાલિકાના સફાઈ વિભાગ દ્વારા ગટરની સફાઈ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન મોલની ગંદકી સ્વરૂપે કોન્ડોમનો જથ્થો મળી આવ્યો હતો. કોન્ડોમના કારણે ગટર ચોક અપ થઈ હતી. કોન્ડોમનો જથ્થો મળી આવતાં સફાઈ કર્મચારીઓની સાથે સાથે અધિકારીઓ પણ આશ્ચર્ય સાથે મુંજવણમાં મુકાયા હતાં. જેથી તેમણે સમગ્ર ઘટના અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી.
નોટિસ આપી જવાબ મંગાશેઃએસએમસી
કે. આઈ. ખત્રી (આરોગ્ય અધિકારી, સુરત મહાનગર પાલિકા)એ જણાવ્યું હતું કે, રાહુલ રાજ મોલની ડ્રેનેજ લાઈનમાંથી મળી આવેલા કોન્ડમના જથ્થા પ્રકરણમાં નોટિસ આપી જવાબ માગીશું. ડ્રેનેજ લાઇન રાહુલ રાજ મોલની પાછળના ભાગમાં આવેલી છે. તેમજ કોન્ડમ ડ્રેનેજમાં ક્યાંથી આવ્યા એ તપાસનો વિષય છે.
મોલમાં ચાલતી પ્રવૃતિ સામે ઉભા થયા પ્રશ્નો
રાહુલ રાજ મોલમાં સ્પા સહિતના અમુક વિભાગો પર શંકાની સોય તાકવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, શહેરમાંથી અન્ય સ્પામાં અગાઉ પોલીસની રેડ દરમિયાન ગેરપ્રવૃતિ થતી હોવાનું સામે આવી ચુક્યું છે. ત્યારે આ પ્રકારની પ્રવૃતિ રાહુલરાજ મોલમાં પણ થાય છે કે કેમ તે સહિતના પ્રશ્નો કોન્ડોમના જથ્થાએ ઉભા કર્યાં છે.