ગુજરાતના જાણીતા ઉદ્યોગપતી “મહેશભાઈ સવાણી” આમ આદમી પાર્ટીમાં જોડાયા

આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતમાં પોતાનો વિસ્તાર કરી રહી છે. પાર્ટીની સ્ટ્રેટજી એવી દેખાઈ રહી છે કે, ખૂબ જાણીતા અને નામાંકિત તેમજ લોક હૈયે વસેલા લોકોને પોતાની સાથે જોડવા. અને આ જ નીતિ પર પાર્ટી કામ કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટી કહે છે કે, અમારે લોકોની સેવા કરવી છે રાજનીતિ કરવામાં અમને કોઈ રસ નથી, અમે જનતાની સેવા કરવા માટે મેદાને ઉતર્યા છીએ.

ગુજરાતના મોટા ચહેરાઓની વાત કરીએ તો, ગુજરાતના જાણીતા અને મોટા ચહેરાઓમાં સૌથી પહેલા ગુજરાતી મીડિયાના જાણીતા પત્રકાર ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારબાદ ઉત્તર ગુજરાતના જાણીતા અને નામાંકિત લોકગાયક વિજયભાઈ સુવાળા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

પાર્ટીનો જાણીતા ચહેરાઓને પોતાની પાર્ટીમાં જોડવાનો ક્રમ ચાલી જ રહ્યો છે અને આ જ ક્રમમાં હવે સુરતના જાણીતા હિરા ઉદ્યોગપતી મહેશભાઈ સવાણી પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ગુજરાતની મુલાકાતે આવેલ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મહેશ સવાણીને આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવ્યો છે. ત્યારે પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ ગુજરાત સરકાર પ્રત્યેની નારાજગી ઠાલવી હતી.

સૌથી મોટી વાત એ છે કે, મહેશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા હતા અને હવે તેઓએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરતા અનેક પ્રકારની અટકળો વહેતી થઈ અને અને ગુજરાતની રાજનીતિમાં એક પ્રકારનો હડકંપ પણ મચી ગયો છે.

આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ મહેશ સવાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, મેં 51 વર્ષે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. મેં નવા ઘરમાં જવાનું પસંદ કર્યું. ગુજરાતનું કામ કરવા રાજકારણમાં આવી રહ્યો છું. મને હેરાન કરશે તેવું પણ અનેક લોકોએ કહ્યું. પણ મેં નક્કી કર્યું છે કે, ભલે મારે જેલમાં જવું પડશે, ભલે બે-બે ગોળી મારી દેશે. મેં નવી જમીન પસંદ કરી છે. ગોળી ખાવાનું પસંદ કરીશ. પણ મને નાના વર્ગની પીડા ખબર છે.

આપનો ખેસ ધારણ કરીને મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, હું દલિત સમાજનો છું, સમાજ સેવામાં માનવાવાળો માણસ છું. છેલ્લા બે ત્રણ મહિનામાં જે જોયું તે બાદ મેં આ ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. પરિવારે પણ કહ્યું, તમે આખા ગુજરાતની સેવા કરી શકો છો. બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે, સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ. તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપએ દિલ્હીમાં બનાવી છે. મહેશ સવાણીના આંખમાં આસું આવી ગયા અને તેઓ ભાવુક બનીને બોલ્યાં, મેં 80 વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું, બસ મારે સેવા કરવી છે, મેં વિદેશની અહીંયાની અને દિલ્હીની સરકાર જોઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે.

મનીષ સીસોદીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે, ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે. ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે. મહેશ સવાણીએ લાંબા સમયે સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે.

મહેશ સવાણી સુરતના જાણીતા પાટીદાર ઉદ્યોગપતિ છે. તેઓ મૂળ ભાવનગરના જિલ્લાના રાપરડા ગામના વતની છે અને પીપી. સવાણી ગ્રુપના સંચાલક છે. ડાયમંડ, એજ્યુકેશન, રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત તેઓ સામાજિક સેવામા પણ અગ્રેસર છે. તેઓ સુરતમાં પી પી સવાણી હાર્ટ હૉસ્પિટલ ચલાવે છે. 2019માં તેમણે BJP માંથી ટિકિટ માટે દાવેદારી હતી. સામાજિક ક્ષેત્રે અગ્રેસર મહેશ સવાણી પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવે છે. 2008થી નાતજાતના ભેદભાવ વિના મોટાપાયે સમૂહ લગ્નોનું આયોજ કરે છે. ઉરીમાં શહીદ જવાનોના બાળકોને પણ તેમણે મદદ કરી છે. તેમણે જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો છે. તેમની હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની નજીવા દરે હાર્ટ સર્જરી કરવામા આવે છે.

Scroll to Top