સુરેન્દ્રનગર: મુળી તાલુકાના નવાણીયા ગામના ક્ષત્રિય યુવક અઠવાડિયા પહેલા સાત ઓગસ્ટે માદરેવતન મિત્રો અને પરિવારજનો વચ્ચે જન્મદિન ઉજવી એરફોર્સની નોકરીમાં જવાબદારી નિભાવવા ગયા હતા, ત્યારે અઢી વર્ષ પૂર્વ એરફોર્સમાં જોડાયેલા ક્ષત્રિય યુવક શહિદ થયાના સમાચાર મળતાં સમગ્ર નવાણીયા ગામ શોકમય બન્યું હતું. વિધવા માતાના મોભી દિકરાના મૃતદેહને રવિવારે અમદાવાદ એરપોર્ટ ઉપર લવાતા સલામી અપાઇ હતી. બાદમાં માદરે વતન મૂળી તાલુકાના નવાણીયા ગામે મોડી સાંજે શહીદના મૃતદેહને સલામી આપતી વેળાએ હજારો પાંપણો ભીની થઈ હતી.
મુળી તાલુકાના ખોબા જેવડા નવાણીયા ગામના ધનરાજસિંહ પરમાર ઉંમર 21 અને અઢી વર્ષ પુર્વ એરફોર્સમાં જોડાયા હતા પરિવારમાં પિતા દિગુભાની છત્રછાયા ગુમાવ્યા બાદ મોભી પુત્ર ધનરાજસિંહ પરમાર એરફોર્સમાં જોડાતા નાનાભાઈ સુરપાલસિહ દિગુભા પરમાર માતા સાથે રહે છે.
સુરપાલસિહ ધોરણ 10માં અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે પરંતુ અઢી વર્ષ પૂર્વ એરફોર્સના ટેકનિકલ વિભાગમાં બંગાળ ખાતે નોકરીમાં જોડાયેલા ધનરાજસિહ પરમારે નાના ભાઈને ભણાવી-ગણાવી માતા અને પરિવારને મદદરૂપ થયા બાદ લગ્ન કરવાની ઈચ્છા ધરાવતા હતા. ત્યારે નવાણિયાના બહુમુખી પ્રતિભા ધનરાજસિહ પરમાર શહિદ થયાના સમાચાર પ્રાપ્ત થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
હજુ અઠવાડિયા પૂર્વે એટલે કે તારીખ 7 ઓગસ્ટે માદરે વતન નવાણીયા ગામે એરફોર્સ જવાન ધનરાજસિહ મિત્રો અને પરિવારની સાથે જન્મ દિવસની ઉજવણી કરી નોકરી એ ચઢ્યા હતા ત્યારે તેઓ શહિદ થવાના સમાચારથી સમગ્ર પરમાર પરિવાર અને નવાણીયા ગામના શોકનો માહોલ છવાયો હતો દિવંગત ધનરાજસિંહના નક્ષ્દેહને હવાઈ માર્ગ બંગાળથી અમદાવાદ એરપોર્ટ ઉપર રવિવારે સાંજે 4:30 કલાકે લવાયો હતો. આ વેળાએ અધિકારીઓ અને નજીકના સગા સબંધીઓ એ તેમના દેહના દર્શન કરીને સલામી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લા ખાતે રાજ્યકક્ષાના ૭૨મા સ્વતંત્ર પર્વની ઉજવણી થનાર છે એવા સમયે મૂળીના નવાણિયા ગામના ક્ષત્રિય યુવકના નિધનથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ જવા પામી છે તેમજ શહિદ ધનરાજસિંહ પરમારના મોટા બાપુ વાઘુભા પરમારના પુત્ર શિવરાજસિંહ પરમાર હાલ ગોવા ખાતે આર્મીમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું છે