બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં ચોર આખેઆખું એટીએમ ઉપાડી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ચોર જે એટીએમને ઉપાડી ગયા છે તેમાં રૂ. 15 લાખનો રોકડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ હાલમાં આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરીને તસ્કરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
મળતી મહિતી મુજબ બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપી ગામ ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાનું એટીએમ તસ્કરો ગઇકાલે રાત્રે ઉપાડી ગયા હતા. એટીએમ જે જગ્યાએ રાખવામાં આવ્યું હતું ત્યાં કોઈ સુરક્ષાકર્મી તહેનાત ન હોવાની વિગતો પણ મળી છે.
તસ્કરો જે એટીએમ ઉપાડી ગયા છે તેમાં રૂ. 15 લાખ જેટલી રોકડ હોવાની માહિતી મળી છે. વડગામના છાપી હાઇવે ખાતે આ ઘટના બની હતી. આ અંગે વડગામ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. તસ્કરોએ એટીએમને દુકાનમાંથી બહાર લઈ જવા માટે કાચનો દરવાજો પણ તોડી નાખ્યો હતો.
આ પહેલા પણ ભુજમાં તસ્કરો ૩.૬૯ લાખ ભરેલું આખેઆખું ATM ઉપાડી ગયા હતા