રાજ્યમાં હાલમાં તૌકતે વાવાઝોડું આવ્યું હતું તેને રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે. અને લોકોના ખેતરો, વાડીઓ, મકાનો, ઝાડ સહીત વીજળીના થંભલાઓને ઘણા મોટા પ્રમાણમાં નુકસાન કર્યું છે. જયારે સૌથી વધારે નુકસાન કેરીઓની વાડીઓને થયું છે જેમને 25 વર્ષની મહેનત પર આ તૌકતે વાવાઝોડાએ પાણી ફેરવી દીધું છે, જેના કારણે આ કેરીની વાડીઓ રાખનાર તેમના જીવન 25 વર્ષ પાછળ આવી ગયા છે. ત્યારે હાલમાં રાજકોટ જિલ્લાના નજીક આવેલા મોટા સમઢિયાળ ગામમાં પણ તૌકતે વાવાઝોડાએ તારાજી સર્જી છે. જેના કારણે આ ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અહીં પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે તેને પહોંચી વળવા માટે ગામના સરપંચ લક્ષમણ કોરાટે ગ્રામીણોને માત્ર ખિચડી ખાવાનો જ આદેશ આપવો પડ્યો છે.
ગામના સરપંચ લક્ષમણ કોરાટે જણાવ્યું છે કે, ગામના મોટાભાગના લોકો પાસે હાલમાં ખાવા માટે પૂરતા પ્રમાણમાં ઘઉંનો અથવા બાજરીનો લોટ ઉપલબ્ધ નથી અને અહીંના વિસ્તારોમાં વીજળી ના થંભલાઓ પડી જતા અહીં વીજળીની મોટી સમસ્યા ઉભી થઇ છે, જેના કારણે ઘંટી પણ ચાલુ નથી. ત્યારે આ કારણોસર અમે ગામના લોકોને માત્ર ખિચડી ખાવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત વીજળી ખોરવાતા લોકોને પાણી પહોંચાડવું પણ શક્ય નથી જેના કારણે પાણીની બચત કરવા અને ચાર દિવસમાં એકવાર નાહવાની પણ અપીલ કરવામાં આવી છે. જો કે સરકાર દ્વારા આ તૌકતે વાવાઝોડામાં પડી ગયેલ થંભલાઓને ફરી ઉભા કરવા માટે કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે, તેમ છતાં અહીંના વિસ્તારોમાં વીજપ્રવાહ શરૂ થવામાં હજી 15 દિવસનો સમય લાગી શકે છે.
જો કે રાજ્યમાં આ તૌકતે વાવાઝોડું આવ્યે 10 દિવસ થઇ ગયા છે ત્યારે હજુ પણ અનેક ગામોમાં હજી વીજળી આવી નથી. ત્યારે આ અંગે વશરામ સરવૈયા જણાવે છે કે તેમના ઘરને પણ વાવાઝોડાને કારણે ઘણું નુકસાન થયું છે અને 17મી મેથી તેઓ અંધારામાં જ રહી રહ્યા છે. જયારે ગીર-ગઢડા તાલુકાના ડેવલપમેન્ટ ઓફિસર અમૃત પરમારે જણાવ્યું છે કે, અહીં વીજળીના બધા જ થાંભલા પડી ગયા છે, જેના કારણે આ વીજપ્રવાહ ફરી શરૂ થવામાં હજુ પણ 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. જેના કારણે અહીંના લોકોએ વધુ 15 દિવસ વીજળી વગર પસાર કરવા પડશે. જો કે સૌરાષ્ટ્રના અન્ય ગામોમાં પણ આવી જ પરિસ્થિતિ છે.
જયારે અમરેલીના ખાંભા તાલુકાના ભુંડાણી ગામના સરપંચ અમરુ કોટિલા એ જણાવ્યું છે કે, આ ગામની વસ્તી લગભગ 2500 લોકોની છે. અને અહીં નજીકના એક ગામમાં જ ડીઝલથી ચાલતી મોટર છે. ત્યારે અમે અહીં ગામના લોકો માટે તે ગામથી ટ્રેક્ટરથી પાણીની વ્યવસ્થા કરી આપી છે. અને આ પાણી ભરવા માટે લોકો સવારથી લાઈનમાં ઉભા રહે છે. એ તેના માટે પણ પાણી ભરવા માટે લોકોની પડાપડી થયા છે. જો કે અહીં વીજળી ન હોવાને કારણે લોકો ભૂગર્ભમાંથી પાણી કાઢીને વાપરી શકતા નથી. અને આ વીજળીને કારણે ઘંટીઓ પણ બંધ પડી છે, જેના કારણે લોકોએ દાળ અને ભાત ખાવા મજબૂર બન્યા છે.
ગીર-સોમનાથ અને અમરેલી જિલ્લાના તૌકતે પ્રભાવિત ગામોમાં હજારો લોકોએ પાણી માટે પણ વલખાં મારવા પડે છે. જયારે ખાંભા, રાજુલા અને જાફરાબાદના મોટાભાગના ગામો પણ અત્યારે અંધારામાં જ રહી રહ્યા છે. અહીં અમુક ગામડાઓમાં ડીઝલથી ચાલતી ઘંટી છે. માટે આસપાસના ગામના લોકો પણ અહીંયા આવી રહ્યા છે.
નોંધનીય છે કે, મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને ખેતી પાકોની નુકસાનીમાં મદદરૂપ થવા 500 કરોડ રૂપિયાનું કૃષિરાહત પૅકેજ જાહેર કર્યું છે. મુખ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને થયેલી કોર કમિટીમાં આ નિર્ણય લેવાયો હતો. જેમાં ઉનાળું પિયત પાકોને નુકસાન- બાગાયતી પાકોને નુકસાન અને ફળ-ઝાડ પડી જવાના કેસમાં 33 ટકાથી વધુ નુકસાન માટે રાજ્ય સરકાર સહાય આપશે.