બિહારના ગોપાલગંજમાં પ્રેમ લગ્ન કરનાર એક યુગલે સુહાગરાતના દિવસે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. લગ્નના સાત ફેરા લીધા બાદ નવ પરિણીત યુગલે સુહાગરાતે જ ઝેર ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ ગંભીર હાલતમાં યુગલને સરકારી હૉસ્પિટલ ખસેડાયું હતું. તેને ગોરખપુર રિફર કરાયા છે. આ બનાવ મીરગંજ પોલીસ સ્ટેશન મથક વિસ્તારમાં નોંધાયો છે. જ્યારે બનાવથી યુગલના પરિવારજનો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
પરિવારના લોકોએ પોલીસને કહ્યું છે કે, જમશેદપુરના સોનાટે પોલીસ મથક વિસ્તારમાં રહેનારી 28 વર્ષીય શાંતિ દેવીએ ગોપાલગંજના મીરગંજ શહેરમાં રહેનાર ચંદ્રિકા સિંહના 30 વર્ષીય પુત્ર મુકેશ કુમાર સાથે શનિવારે રાત્રે થાવે મંદિરમાં તેણે લગ્ન કર્યાં હતાં.
લગ્ન બાદ રવિવારે ઘરે ભોજન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો. ભોજન સમારંભમાં સગા-સંબંધીઓ અને પરિચિતોને જમાડ્યા બાદ પતિ અને પત્ની ઊંઘવા માટે ગયા હતા. તેમ છતાં સુહાગરાતે જ બંનેએ ઝેર ખાઈ મરવાનો પ્રયત્ન કર્યો હતો. યુગલને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં લાવનાર પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, બંનેએ ચીકનમાં ઝેર ભેળવીને ખાધું હતું.
બંનેએ શા કારણોસર ઝેર ખાઈ લીધું હતું તેની કોઈ જાણકારી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે બંનેને રૂમમાં બેભાન હાલતમાં પડેલા જોઈને તાત્કાલિક સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયા હતા. રાત્રે ઇમરજન્સી વોર્ડના ડૉક્ટરો દ્વારા બંનેની સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ આ અંગેની જાણકારી પોલીસને અપાઈ હતી. પોલીસ આવવાની સૂચના મળ્યા બાદ પરિવારના લોકો બંનેને લઈને વધારે સારી સારવાર કરાવવાના બહાને ભાગી ગયા હતા.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર પરિવારના લોકોએ ઝેર ખાધા બાદ નવ યુગલના ઉલટી કરાવવા માટે સર્ફનું પાણી પણ પીવડાવ્યું હતું. હાલતમાં સુધારો ન થતાં પરિવારના લોકોએ બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ બાબતમાં કહેવામાં આવ્યું છે કે, યુવક અને યુવતી બેભાન હાલતમાં હોવાથી તેમની પૂછપરછ કરાઈ નહોતી.