જેટલી ભવ્ય પ્રતિમા, એટલો ભવ્ય સમારંભ કેમ નહીં? કારણ કે, કેન્દ્ર તેને એક દિવસનો કાર્યક્રમ બનાવવા માગતી નથી. લોકસભા ચૂંટણીને હજુ 5-6 મહિના બાકી છે. કેન્દ્રનો પ્રયાસ છે કે આ માહોલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી સુધી જળવાઈ રહે. આવનારા મહિનાઓમાં અહીં નાના-મોટા કાર્યક્રમો થતા રહેશે.
લોકસભાની ચૂંટણીમાં તેનો કેવી રીતે ફાયદો ઉઠાવાશે?
મોદી લોકસભાની ચૂંટણી રાષ્ટ્રીય એકતાના નામે લડવાના છે. તેને ધ્રુવીકરણનું અપડેટેટ વર્ઝન કહી શકાય. એટલે કે હિંદુ-મુસ્લિમ બદલે લોકસભાની ચૂંટણી દેશભક્ત વિરુદ્ધ દેશદ્રોહીના નામે લડાશે. ભાજપ પોતાને રાષ્ટ્રીય એકતાના સંરક્ષક તરીકે રજૂ કરશે.
આગામી 5 માસમાં પ્રતિમા ચર્ચામાં રહે એ માટે શું થશે?
એકપછી એક રાજ્યોના મુખ્યમંત્રી આવશે. રાષ્ટ્રપતિ પણ આવશે. ડિસેમ્બરમાં અહીં દેશભરના ડીજીપીની કૉન્ફરન્સ થવાની છે. વાઇબ્રન્ટમાં ઉદ્યોગપતિઓ મુલાકાત લેશે. જાપાન, દ.કોરિયા સહિત અન્ય અગ્રણી દેશના વડાને મોદી અહીં લઈ આવશે.
લોકાર્પણ સમારંભમાં કયો રાજકીય સંકેત અપાયો?
પહેલીવાર વડાપ્રધાન સાથે એક જ મંચ પર 3 રાજ્યના રાજ્યપાલ ઉપસ્થિત હતા. કર્ણાટકના વજુભાઈ, મ.પ્ર.ના આનંદીબેન અને ગુજરાતના ઓપી કોહલી. આ બધામાં વજુભાઈને જે મહત્ત્વ અપાયું એ જોતા નવા રાજકીય સમીકરણનો સંકેત જરૂર મળે છે.