મનુષ્યો અને કેટલાક પ્રાણીઓ અને જીવજંતુઓ માંસાહારી હોય એ ખૂબ જ સામાન્ય બાબત છે. પરંતુ શું આપે કોઈ એવા છોડ વિશે સાંભળ્યું છે કે જે માંસાહારી હોય? આપને આશ્ચર્ય થશે કે, ગુજરાતમાંથી એક માંસાહારી છોડ મળી આવ્યો છે. આ છોડ ગીરનારમાંથી મળી આવ્યો છે. આ છોડનું નામ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી છે.
અત્યાર સુધી સમગ્ર ભારતમાં માત્ર મહારાષ્ટ્રમાં જ યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી વનસ્પતિ જોવા મળતી હતી. પરંતુ હવે ગુજરાતના ગિરનારમાં યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી પ્લાન્ટ મળી આવ્યો છે. આ પ્લાન્ટ માંસાહારી પ્રકૃતિનો કહેવાય છે. જે નાના જીવાણુઓને ગળી જાય છે. તેની આ ખાસિયતને કારણે તે માંસાહારી વનસ્પતિ કહેવાય છે.
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના લાઈફ સાયન્સિસ ભવનના પ્રોફેસર સુહાસ વ્યાસ અને વિદ્યાર્થીઓની ટીમે “યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી” નામની વનસ્પતિ શોધી કાઢી છે. દેખાવમાં તો વનસ્પતિ સામાન્ય જ છે, પરંતુ તેની વિશેષતા બીજી વનસ્પિતથી ઘણી અલગ છે. કારણ કે, આ વનસ્પતિ માંસાહારી છે, તેના મૂળ કોથળી જેવા હોય છે, જ્યાંથી તે સૂક્ષ્મ જીવાતોને ચૂસી લે છે.
લાઈફ સાયન્સિસ ભવનની ટીમે વનસ્પતિની શોધ માટે ગિરનાર ખૂંદ્યો હતો. પ્રોફેસર ઉપરાંત ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થી કમલેશ ગઢવી, સંદીપ ગામિત, દુષ્યંત દૂધાગરા તેમજ રશ્મિ યાદવ સહિતનાઓની મુખ્ય ભૂમિકા રહી છે. આ ઉપરાંત ટીમે અગાઉ ખારાપાટ વિસ્તારમાં થતી વનસ્પતિ અને તેની વિશેષતાની શોધ કરી હતી. સાથે હાલ ગિરનાર પર પણ આ ટીમ શોધ માટે કામે લાગી છે.