યુવાનો કે યુવતીઓ જ્યારે યુવાનીના મુકામે આવીને ઉભા હોય ત્યારે, જો એકપણ ખોટો નિર્ણય લેવાઈ જાય તો જિંદગી બરબાદ થઈ જતી હોય છે. અને એમાં પણ પ્રેમની વાત આવે ત્યારે ખરેખર સાવચેતી રાખવી જ પડતી હોય છે. કારણ કે ખોટા વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય તો જીવન બરબાદ થઈ જાય છે. અનેક પ્રકારના કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ કે યુવતીની એક ભૂલ તેને બરબાદ કરી નાંખે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે.
એક કપટી જવાનીયો વડોદરામાં રહેતી વિદ્યાર્થિનીને સોશિયલ મીડિયા માધ્યમથી પોતાના પ્રમેજાળમાં ફસાવી તેની સાથે વારવાર દુષ્કર્મ આચર્યા બાદ તેના અંગત ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપી વનરાજ વિરુદ્વ ઈપીકો કલમ 366, 376 (2) (એન) તથા પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
વડોદરાના છાણી ખાતે રહેતી એક 38 વર્ષિય મહિલાએ આરોપી રાજ વનરાજ ઉર્ફે બંટી પ્રવીણભાઈ (રહે, દસાણગામ, જિ. ભરૂચ) વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, મહિલાને સંતાનમાં બે બાળકો છે. જેમાં મોટી પુત્રી ધો.12માં અને પુત્ર ધો.8માં ભણે છે. જુન-2021માં મહિલાની પુત્રીનો બર્થ ડે હતો. જેથી તે બહેનપણીના ઘરે જાવ છું, તેમ કહી ઘરેથી નીકળી હતી.
ત્યારબાદ પુત્રી ઘરે પરત ફરતાં માતાએ પુછપરછ કરતાં માંજલપુર બહેનપણીના ઘરે ગઈ હતી, તેમ જણાવ્યું હતું. દરમિયાન બીજા જ દિવસે પુત્રીના આરોપી સાથેના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેને લઈ માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેમણે પુત્રીને પુછતાં તેણે કહ્યું કે, સોશિયલ મીડિયા થકી આરોપી સાથે મુલાકાત થઈ હતી. અમે મેસેન્જરથી એકબીજા સાથે વાતચીત કરતા હતા.
સને 2020માં વનરાજે વિદ્યાર્થિનીને મળવા દુમાડ ચોકડી બોલાવી હતી. તે વખતે વિદ્યાર્થિનીની ઉંમર 17 વર્ષની હતી. આરોપીએ સગીરાને નજીકમાં એક્સપ્રેસ હાઈવે પર આવેલી બાવળની જાળીઓમાં લઈ જઈ તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. તે પછી વનરાજ દુમાડ પાસે વિદ્યાર્થિનીને છોડી ભાગી ગયો હતો. તા. 28 મે 2021ના રોજ વનરાજે વિદ્યાર્થિનીને ફોન કરી ધમકી આપી હતી કે, હું તને મળવા તારા ઘરે આવું છું, તું ના પાડતી હોય તો હું મરી જઈશ.
જેને લઈ વિદ્યાર્થિની ગભરાઈ ગઈ હતી. તેના પિતા વતનમાં હોવાથી વિદ્યાર્થિનીએ આરોપીને ઘરે બોલાવ્યો હતો, તે વખતે તેણે બે વખત વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ આરોપીએ વિદ્યાર્થિના પિતાને ફોન કરી તમારી પુત્રીના મારી સાથે લગ્ન કરાવી આપો, નહીં તો હું મરી જઈશ, તેવી ધમકી આપી હતી. જેથી તેમણે મારી પુત્રીના લગ્ન સમાજમાં કરવાના છે, તેમ કહેતાં આરોપીએ વિદ્યાર્થિની સાથેના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ કરી દીધા હતા.