ડીઝલને જીએસટી હેઠળ આવરી લેવાથી લઈને ટોલ ટેક્સ નાબૂદ કરવા સુધીની વિવિધ માંગોને લઈને દેશભરના ટ્રાન્સ્પોર્ટ હડતાળ ઉતર્યા છે. ત્યારે, આજે સુરતના ટ્રાન્સ્પોર્ટરોએ સરકાર સામે આગવા અંદાજમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. શહેરના ટ્રાન્સ્પોર્ટરોએ આજે ભેગા થઈને ભજિયા તળીને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
મહત્વનું છે કે, પીએમ મોદીએ થોડા સમય પહેલા જ કહ્યું હતું કે, ભજિયાની લારી કરવી પણ એક પ્રકારનો રોજગાર જ છે. ત્યારે હડતાળને કારણે પોતે બેરોજગાર બની ગયા હોવાનું જણાવી સુરતના ટ્રાન્સપોર્ટરોએ આજે ભજિયા તળવાનો કાર્યક્રમ રાખ્યો હતો.
દેશભરના ટ્રાન્સપોર્ટરો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. જેના કારણે શાકભાજી સહિતની વિવિધ ચીજવસ્તુઓની હેરફેર અટકી જતાં આ જીવનજરુરી વસ્તુઓના ભાવ ધીરેધીરે આસમાનને આંબી રહ્યા છે. સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે હજુ સુધી કોઈ પ્રકારનું સમાધાન નથી થયું.
ટ્રક ચાલકોની હડતાળને કારણે દેશના અર્થતંત્રને છેલ્લા ત્રણેક દિવસમાં દસ હજાર કરોડ રુપિયાનું નુક્સાન થઈ ચૂક્યું છે. તેમાંય શાકભાજી જેવી વસ્તુઓ તો જો ટૂંકાગાળામાં ખેતરમાંથી બજારમાં ન પહોંચે તો વાપરવા લાયક નથી રહેતી. ટ્રાન્સપોર્ટરોની હડતાળને કારણ બજારમાં અનેક વસ્તુઓની કૃત્રિમ અછત સર્જાઈ છે.