તાજેતરમાં ફિલ્મ હેટ સ્ટોરી-4 ફિલ્મમાં બોલ્ડ અવતારમાં જોવા મળનારી બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ફરીવાર ચર્ચામાં છે. ઉર્વશી રૌતેલાના નામનું નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને મુંબઇની એક ખ્યાતનામ હોટલમાં રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. ઉર્વશીની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
એક રિપોર્ટ પ્રમાણે ઉર્વશી રૌતેલા એક ઇવેન્ટમાં ભાગ લેવા માટે 27 માર્ચના રોજ બાંન્દ્રામાં આવેલી એક ફાઇવ સ્ટાર હોટલમાં પહોંચી તો ત્યાંના સ્ટાફે તેને જણાવ્યું કે, તમારા નામે અગાઉથી જ ઓનલાઇન રૂમ બુક કરવામાં આવ્યો છે. જોકે, ઉર્વશીએ જણાવ્યું કે, તેણે કોઇ પણ રૂમ બુક કરાવ્યો નથી. બાદમાં તેણે તેના મેનેજર સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, તેણે પણ કોઇ રૂમ બુક કરાવ્યો નથી.
બાદમાં ઉર્વશીએ બુકિંગની ડિટેઇલ્સ ચેક કરાવી હતી. બાદમાં ઉર્વશીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના નામનું નકલી આધારકાર્ડનો ઉપયોગ કરીને કોઇ અન્યએ રૂમ બુક કરાવ્યો હતો. હોટલ સ્ટાફ પાસેથી જાણવા મળ્યું હતું કે રૂમ બુક કરનાર યુવતી બે કલાક સુધી રૂમમાં રહી હતી.
એક રિપોર્ટ પ્રમાણે, આ ઘટના બાદ રૌતેલાના મેનેજરે કપિલ મિશ્રાએ બ્રાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં પણ જાણવા મળ્યું હતું કે, એક ઓછી જાણીતી એક્ટ્રેસે ઉર્વશી રૌતેલાના નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને રૂમ બુક કરાવી હતી અને બે કલાક સુધી રૂમમાં રોકાઇ હતી.
બાંન્દ્રા પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે તે એક્ટ્રેસને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પરંતુ તેણે પોતાનો ફોન સ્વીચઓફ કરી દીધો છે. તેના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ તે ત્યાં હાજર નહોતી. અમે બહુ ઝડપતી તે એક્ટ્રેસને ઝડપી પાડીશું. એવું માનવામાં આવી રહ્યું છે કે ટીવીની એક ઓછી જાણીતી ટીવી એક્ટ્રેસે રૂમ બુક કરાવી હતી.