અત્યારે આપણે બધા જ કેરીનો મીઠો સ્વાદ લઈ રહ્યા છીએ, પરંતુ એક ખાસ પ્રકારની પણ એક કેરી આવે છે જેની અત્યારે ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મિયાજાકી નામની આ કેરીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે 2.70 લાખ રૂપિયા કિલો જણાવાઈ રહી છે. એમપીના જબલપુરમાં આ કેરીના ખેતરોની સુરક્ષા માટે ગાર્ડ અને ખુંખાર શ્વાનો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે આ કેરી આખરે આટલી મોંઘી કેમ વેચાઈ રહી છે. આવો જાણીએ વિગતો…
આ કેરી પેદાશ મુખ્યત્વે જાપાનમાં થાય છે. આ કેરી જાપાનના ક્યૂશૂ પ્રાંતના મિયાજાકી શહેરમાં ઉગાડવામાં આવે છે અને આના જ આધાર પર આનું નામ રાખવામાં આવ્યું છે. આની સાઈઝ પણ ખૂબ મોટી હોય છે. એક કેરીનું વજન 300 થી 400 ગ્રામ જેટલું હોય છે.
જાપાનમાં આ કેરી એપ્રીલથી ઓગસ્ટ વચ્ચે મળે છે. લાલ રંગની આ કેરીમાં એન્ટીઓક્સિડેન્ટની ભરપૂર માત્રા હોય છે. આમાં બીટા કેરોટીન અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે. આ કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક હોય છે. આ જ કારણ છે કે, લોકો આ કેરી મોઢે માંગી કિંમત આપીને ખરીદે છે.
મિયાજાકી ઈરવિન પ્રકારની કેરી છે. આ કેરી પીળા રંગની પેલિકન કેરીથી અલગ હોય છે જને સામાન્ય રીતે દક્ષિણ પૂર્વે એશિયામાં ઉગાડવામાં આવે છે. મિયાજાકી કેરી વિશ્વની સૌથી મોંઘી કેરીઓ પૈકીની એક કેરી છે. જાપાની મીડિયા અનુસાર, ગત વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં આની કિંમત 2.70 લાખ રૂપિયા છે.