પતિ મરી ગયો એમ કહી વિમા કંપની પાસેથી પત્નીએ પડાવ્યા 18.50 લાખ રૂપિયા

શહેરના નરોડામાં રહેતી પત્નીએ તેના પતિને ત્રણ વર્ષ માટે મધ્યપ્રદેશ મોકલી પોતાના પતિ મરણ ગયા હોવાનું જાહેર કર્યું હતું, આમ વિમા કંપની પાસેથી રૂ.18.50 લાખ મેળવી લીધા હતા. ત્રણ વર્ષ પછી પતિ પરત આવ્યા ત્યારે પત્નીએ પતિને ઘરમાંથી કાઢી મુક્યા હતા. પતિએ તપાસ કરી તો તમામ ઘટનાની જાણ થતા તેમણે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે પત્ની અને તેની સાથે આ કામમાં સામેલ એક ડોક્ટરની ધરપકડ કરી છે. પોલીસે આ વીમા કૌભાંડમાં એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.

મૂળ મધ્યપ્રદેશનના અને હાલ નરોડામાં 48 વર્ષીય નિમેષભાઈ મરાઠી તેમના પરીવાર સાથે રહે છે. પંદરેક વર્ષ પહેલા નિમેષભાઈએ પરિવારના લાભ માટે એક કંપનીનો જીવન વીમો ઉતરાવ્યો હતો. જે વિમાનુ પ્રિમીયમ તેઓ ભરતા હતા. નિમેષભાઈની દીકરીઓના લગ્ન થઈ ગયા બાદ તેમની પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. ત્રણેક વર્ષ પહેલાં નિમેષભાઈની પત્ની નંદાએ તેઓને જણાવ્યું કે, હાલ તેમની પાસે કોઇ કામ ન હોવાથી મકાનનું ભાડું પોસાય તેમ નથી. બાદમાં નંદાએ તેના પતિ નીમેષભાઈને મધ્ય પ્રદેશ ખાતે વતન જવાનું કહ્યું હતું.

આત્મનિર્ભર નંદાએ પતિ નિમેશભાઈને જણાવ્યું કે, તે તેની દીકરીના ઘરે રહેશે અને બોલાવે ત્યારે પરત આવજો અને તમને તમારો ખર્ચો હું મોકલી આપીશ. ત્યારબાદ નિમેષભાઈ ત્રણેક મહિના જેટલું મધ્યપ્રદેશમાં રોકાયા હતા અને ત્રણ મહિના બાદ અમદાવાદ આવતા તેમની પત્નિ નંદાએ તેમની સાથે રાખવાનીના પાડી દીધી હતી અને ઝઘડો કરી નીમેષભાઈને ઘરમાંથી કાઢી મુક્યા હતા. બાદમાં નિમેષભાઈ રોડ ઉપર રખડતા હતા અને મજૂરી કરી પોતાનું પેટ ભરી ફૂટપાથ પર સૂઈ જતા હતા.

થોડા સમય બાદ તેઓને ખબર પડી કે, તેમની પત્નિ નંદાએ તેમનું મરણ સર્ટીફીકેટ બનાવી વીમા કંપનીમાં આ ડોક્યુમેન્ટ આપી વીમો મંજૂર કરાવી તેની આઠ લાખ જેટલી રકમ મેળવી લીધી છે. જેથી નિમેષ ભાઈએ આ બાબતે જન્મ-મરણ વિભાગ ખાતે જઇ તપાસ કરતા તેઓને જાણવા મળ્યું કે, વર્ષ 2019ના માર્ચ મહિનામાં તેમનું મરણ સર્ટિફિકેટ બની ગયું હતું. જેથી તેઓને પાક્કી શંકા ગઈ હતી કે, તેમની પત્નીએ નિમેષભાઈનું મરણ સર્ટીફીકેટ બનાવી વીમા કંપનીમાં આપી વીમાની રકમ મેળવી લીધી હતી. જેથી નિમેશભાઈએ આ અંગે ક્રાઈમ બ્રાંચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ કરતા બહાર આવ્યું હતું કે, નિમેષભાઈની પત્ની નંદાબહેને પૈસાની લાલચમાં આવીને વોન્ટેડ આરોપી રવિન્દ્ર કોડેકર અને ડો.હરિકૃષ્ણ સોની સાથે મળીને તેમના પતિ નિમેષનો મરણ જાહેર કરી નોંધણી કરાવી હયી. વિમા કંપની પાસેથી રૂ.18.50 લાખ જેટલી રકમ મેળવી ઠગાઈ કરી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની ટીમે આરોપી નંદાબહેન અને ડો.હરિકૃષ્ણને ગણતરીના કલાકમાં જ ઝડપી પાડ્યા હતા. જ્યારે પોલીસે આરોપી રવિન્દ્ર કોડેકરની શોધખોળ હાથ ધરી છે.

Scroll to Top