કેંદ્રીય કેબિનેટમાં ફેરફાર બાદ ફરી એક વખત ભાજપના રાષ્ટ્રીય સંગઠનમાં પણ આગામી દિવસોમાં ફેરફાર થશે. કેંદ્રીયમંત્રી મંડળમાંથી પડતા મૂકાયેલા કેટલાક મંત્રીઓ ઉપરાંત રાજયના પ્રદેશ પ્રમુખોમાં પણ ફેરફાર થાય તેવી શકયતા છે. હાલમાંજ RSS દ્વારા ભાજપ સાથેની સંકલનની કામગીરીમાં સંઘના પદાધિકારી ક્રિષ્ના ગોપાલના સ્થાને અરૂણ કુમારની નિયુકિત કરી છે અને તેના પગલે હવે સંઘ અને ભાજપ સાથે મળીને નવા ફેરફાર કરશે.
ખાસ કરીને ભૂપેન્દ્ર યાદવ, અન્નપૂર્ણાદેવી અને બિશ્ર્વજીત ટુડુ કે જે મહામંત્રી તરીકે કામ કરતા હતા તેઓ કેન્દ્રીય કેબીનેટમાં આવતા હવે તેના સ્થાને નવી નિયુકિત કરવામાં આવશે અને માનવામાં આવે છે કે રવિશંકર પ્રસાદને નવા મહામંત્રી બનાવી શકાય છે. જયારે રાજયના પ્રમુખમાં ફેરફારમાં પશ્ર્ચિમ બંગાળમાં પક્ષ નવા પ્રદેશ પ્રમુખ નિયુકત કરી શકે છે.
હાલના પ્રદેશ પ્રમુખ દિલીપ ઘોષને વિદાય અપાશે અને ખાસ કરીને વિપક્ષના નેતા તરીકે આવેલા શુભેન્દુ અધિકારીને મજબૂત બનાવવા માટે તેમની પસંદગીના પ્રદેશ પ્રમુખની નિયુકિત કરાશે. મઘ્યપ્રદેશના નેતા અને પક્ષના જનરલ સેક્રેટરી કૈલાશ વિજય વર્ગીયએ જે લાંબા સમયથી પશ્ર્ચિમ બંગાળમાં ઇન્ચાર્જ તરીકે હતા તેઓને પણ હવેઆ જવાબદારી માંથી મુકત કરીને મહારાષ્ટ્રમાં પ્રભારી બનાવી શકાય છે.