અર્થતંત્રના મોરચે સતત ઉથલ પાથલનો સામનો કરી રહેલી મોદી સરકાર સામે હાલ 5 મોટા પડકારો મોં ફાડીને ઊભા છે, જે બધો ખેલ બગાડી શકે છે. આગામી વર્ષે સામાન્ય ચૂંટણી આવી રહી છે અને વિરોધ પક્ષોએ પણ આ મુદ્દાઓ પર સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. આ પડકારો ઘણા ગંભીર છે અને તેમને હલ નહિ કરવામાં આવે તો સરકારને તેની ભારે કિંમત ચુકવવી પડી શકે છે. તો જોઇએ ક્યા છે આ પડકારો.
1. મારા મોત માટે મોદી જવાબદાર
આ લાઇન એ સ્યુસાઇડ નોટની છે કે જેને થોડા દિવસો પહેલા મહારાષ્ટ્રના એક ખેડૂતે આત્મહત્યા કરતા પહેલા લખી હતી. મોદી સરકારે ખેડૂતોની આવક બેગણી કરવાનો વાયદો કરેલો છે. પરંતુ હજુ સુધી તેમની આવક તો ઠીક ખેડૂતોને તેમના પાકની વાજબી કિંમત પણ મળી રહી નથી.
ખેડૂતોને સરકાર લઘુતમ સમર્થન મૂલ્ય પણ આપી નથી શકી. હાલમાં મંડીઓની સ્થિતિ એવી છે કે ખેડૂતો મજબૂરીથી દાળ અને ચણા લઘુતમ સમર્થન મૂલ્ય (એમએસપી)થી નીચે વેચી રહ્યા છે.
2. પેટ્રોલ અને ડીઝલના રેકોર્ડ ભાવ લોકોને દઝાડી રહ્યા છે
પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ હાઇ પર પહોંચ્યા છે. રવિવારે પેટ્રોલની કિંમત રૂ.75.40 પ્રતિ લીટર પહોંચી હતી જે ભાજપની સરકાર આવ્યા પછીની સૌથી ઊંચી કિંમત છે. જ્યારે ડીઝલનો ભાવ રૂ.65.65 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની સરકાર મે 2014માં બની હતી ત્યારથી 2016 વચ્ચેના ગાળામાં ક્રુડના ભાવ અત્યંત નીચા ગયા હતા અને સરકારે 9 વાર એક્સાઇઝ ડ્યુટી વધારી હતી. પરંતુ ટેક્સમાં કાપ માત્ર એકવાર ઓક્ટોબરમાં જ મૂક્યો હતો, જે માત્ર 2 રૂપિયાનો હતો. સાઉથ એશિયન દેશોમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સૌથી વધુ છે. બજારની હાલત બતાવી રહી છે કે ભાવ હજુ વધી શકે છે.
3. કેશ તંગીથી તંગ બન્યા છે લોકો
છેલ્લા એક સપ્તાહથી દેશભરમાં એટીએમમાં રોકડની તંગી વર્તાઇ રહી છે. આરબીઆઇએ એક-બે દિવસમાં હાલત સામાન્ય થવાની વાત કરી હતી. પરંતુ હજુ સુધી ખાસ સુધારો નથી આવ્યો. પૂર્વ નાણાપ્રધાન ચિદમ્બરે કેશની તંગી પર સરકાર અને આરબીઆઇની ટીકા કરીને જણાવ્યું હતું કે નોટબંધીનું ભૂત તેમને ફરી ડરાવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટબંધી પછી સરકારે 2000 રૂપિયાની નોટ છાપી. હવે સરકાર ફરિયાદ કરી રહી છે કે રૂ.2000ની નોટની જમાખોરી થઇ રહી છે. અમને ખબર હતી કે 2,000 રૂપિયાની નોટ જમાખોરોની મદદ કરવા માટે જ છપાઇ હતી.
4. 19 કરોડ લોકોના ખાતા જ નથી
નોટબંધી પછી સરકારનું સમગ્ર જોર રહ્યું છે કે ઇકોનોમીમાં ડિજિટલાઇઝેશન વધે પરંતુ મોદીના આ સપનાને તોડી રહ્યા છે આંકડા. વર્લ્ડ બેન્કના રીપોર્ટ અનુસાર, ભારતમાં હજુ 19 કરોડ લોકો પાસે બેન્ક એકાઉન્ટ જ નથી.
રીપોર્ટ અનુસાર, વિશ્વમાં કુલ 1.7 અબજ લોકો બેન્ક સેવાઓથી વંચિત છે. મોટાભાગે વિકાસશીલ દેશોમાં એવી સ્થિતિ હોય છે. સરકાર ઇચ્છે છે કે દેશનો દરેક નાગરિક નાણાકીય સિસ્ટમ સાથે જોડાય, જેથી સરકારને તેના સુધી સુવિધાઓ પહોંચાડવાનું સરળ બને.
5. એક્સપોર્ટમાં ઘટાડો
પીએનબી ગોટાળા પછી સરકારે કડક બનાવેલા વલણની અસર કારોબાર પર પડી છે. આરબીઆઇ તરફથી ગેરન્ટી પત્રો પર અંકુશ મૂકાવાના કારણે નિકાસ પર અસર પડી છે. માર્ચ મહિનામાં વસ્ત્રોની નિકાસ 19 ટકા ઘટી હતી. જ્યારે રેડીમેડ કપડાંની નિકાસ 0.6 ટકા ઘટી છે. એક્સપોર્ટર્સના સંગઠન ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગનાઇઝેશન્સે આ અંગે આરબીઆઇ અને નાણા મંત્રાલયને પત્રો લખ્યા છે.