પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે આજે વિસનગર કોર્ટ મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. હાર્દિકને રાયોટિંગના ગુનામાં દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. ચુકાદાને પગલે વિસનગર કોર્ટમાં ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્રણ સિવાય તમામ લોકોને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા. આ કેસમાં હાર્દિક, લાલજી પટેલ સહિત 17 જેટલા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
હાર્દિક સામે લાગેલી કલમોઃ
કલમ 120/B કાવતરૂ કરવું, કલમ 435- આગ લાગાવવી, કલમ 427 – જાહેર સંપત્તિને નુકસાન, કલમ 143, 147, 148- રાયોટિંગનો ગુનો
અમને ન્યાય તંત્ર પર ભરોશોઃ લાલજી પટેલ
કોર્ટના ચુકાદાને પગલે એસપીજીના લાલજી પટેલ વિસનગર કોર્ટ પહોંચ્યા હતા. અહીં મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોશો છે. જો ચુકાદો અમારી વિરુદ્ધમાં આવશે તો પણ અમે અમારી લડત ચાલું રાખીશું.
હાર્દિકે કરી શાંતિ જાળવી રાખવાની અપીલ
વિસનગર કોર્ટમાં ચુકાદા પહેલા પાસના આગેવાન હાર્દિક પટેલે એક વીડિયો જાહેર કરીને તેના શુભેચ્છકો અને સમર્થકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. હાર્દિકે વીડિયોમાં કહ્યું છે કે કોર્ટનો ચુકાદો ગમે તે આવે, તમે લોકો શાંતિ જાળવી રાખજો.
શું હતો બનાવ?
23મી જુલાઈ, 2015ના રોજ અનામત આંદોલનને લઈને વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં અનામત આંદોલનકારીઓ સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા.
વાહનોમાં તોડફોડ
ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ બાદ એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ અહીં ટિયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ટોળાએ ધારાસભ્યની ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં પણ
તોડફોડ કરી હતી. આ સમયે પોલીસે ટોળાને વિખેરવા માટે છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું.
હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિતના આરોપીઓ સામે પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ કેસમાં હાર્દિક પટેલ તથા લાલજી પટેલ આરોપી ઠરે તો તેમને ત્રણ વર્ષ સુધીની સજા તથા દંડ થઈ શકે છે. હાર્દિક તથા લાલજી સામે આગજની, તોડફોડ તથા લૂંટની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
લાલજી પટેલ એ કોર્ટ પરિસર માં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે, અને ચુકાદો કોઈ પણ આવે પરંતુ ગુજરાત માં શાંતિ જાળવજો.