બિહારના મુંગેરમાં 28 કલાકથી વધારે ચાલેલા રેસક્યૂ ઓપરેશન બાદ ત્રણ વર્ષની માસૂમ બાળકી સનાને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી છે. એચડીઆરએફની ટીમની જીવ સટોસટ મહેનત અને લોકોની દુઆની મદદથી સનાને જ્યારે બોરવેલમાંથી બહાર લાવવામાં આવી ત્યારે લોકોની આંખમાં આંસુ છલકાઈ ગયા હતા. લોકોને ભરોસો નહોતો થતો કે, ત્રણ વર્ષની બાળકી મોતને માત આપી બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી છે.
ઘટનાસ્થળ બહાર એમ્બ્યુલન્સ ઉભી કરી દેવામાં આવી હતી, ત્યાં ડોક્ટરોની સાથે સનાની મા પણ હતી. બાળકીને બોરવેલમાંથી બહાર કાઢી તૂરંત હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં તેની સારવાર હાથ ધરવામાં આવી. હાલમાં બાળકી બિસ્કીટ ખાઈ રહી છે.
સનાને સુરક્ષિત બહાર કાઢવા માટે એસડીઆરએફની ટીમે સતત 28 કલાક ભારે જહેમત ઉઠાવી અને 45 ફૂટ ઉંડો ખાડો ખોદી તેને સુરક્ષિત બહાર કાઢી. બાળકી માટીમાં દબાઈ ન જાય તે માટે હોરિજેંટલ શેપમાં ખોદકામ કરવામાં આવ્યું. બાળકીની તમામ રખેવાળી સીસીટીવી કેમેરાથી કરવામાં આવી સાથે તેને ઓક્સિજનનો સપ્લાય પાઈપથી કરવામાં આવ્યો હતો. પૂરા ઓપરેશન સમયે આજુ બાજુના વિસ્તારના લોકો સહિત તંત્ર ખડેપગે રહ્યું.
જે જગ્યા પર સનાને બહાર કાઢવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, લોકોની ખુશી વધી રહી હતી, કારણ કે, સના માટે લાખો લોકો દુઆ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મંગળવારે બપોરે ત્રણ કલાકે ઘરની બહાર સબમર્સિબલ માટે ખોદવામાં આવેલા બોરવેલમાં તે રમતા-રમતા પડી ગઈ હતી.
માસૂમ બાળકી બોરવેલમાં પડી જતા, તમામ આસપાસના લોકો તેને બહાર કાઢવાની કોશિસમાં લાગી ગયા હતા. કોઈ બોરવેલમાં દોરડુ નાખી તેને બહાર કાઢવાનો પ્રયાસ કરવા લાગ્યું તો, કોઈ સિક્કડના સહારે, પરંતુ કોઈની મહેનત સનાને બહાર કાઢી શકી ન હતી. સ્થાનિક લોકોએ હાર માન્યા બાદ એસડીઆરએફની ટીમ ઘઠના સ્થળ પર પહોંચી હતી.
બાળકી 225 ફીટ ઉંડા બોરવેલમાં પડી હતી, પરંતુ સદનશીબે તે 45 ફૂટની ઉંડાઈ પર જ ફસાઈ ગઈ હતી. ઘરમાં કામ કરી રહેલા કારીગરોનું કહેવું છે કે, બોરિંગ માટે 225 ફૂટ ખાડો ખોદવામાં આવ્યો હતો, જેમાં 125 ફૂટ સુધીમાં ગેબ્રુલ પણ લગાવી દેવામાં આવ્યો હતો. હાલમાં ડોક્ટર અને સીસીટીવીની દેખરેખ સાથે તેની સારવાર કરવામાં આવી રહી છે.