GujaratNewsPolitics

આણંદમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મોદીનું આગમન, અમૂલના 6 પ્રકલ્પોનું ઉદ્ધાટન કરશે

આણંદ: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે મિલ્ક કેપીટલ ઓફ ઇન્ડિયા-દૂધ નગરી, આણંદની સુપ્રસિધ્ધ અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ (રેડી ટુ યુઝ થેરાપ્યુસ્ટીક ફુડ) અને ટેક હોમ રાશન પ્લાન્ટનું રાજયપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમૂલ દ્વારા રૂા. ૩૦૦ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટ, રૂા. ૪૫૦ કરોડના ખર્ચે ગાંધીનગર ખાતે અમૂલ ફેડ ડેરીના મિલ્ક પાવડર, ઘી અને માખણ પ્લાન્ટને ખુલ્લો મૂકશે. જયારે વિદ્યા ડેરી ખાતે રૂા. ૨૦ કરોડના ખર્ચે સ્ટેટ ઓફ આર્ટ સંપૂર્ણ ઓટોમેટીક આઇસ્ક્રીમ પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

આણંદ-ખેડા જિલ્લાના મુખ્ય શિક્ષકોને શ્રોતાઓને લાવવાની જવાબદારી સોંપાઇ

આણંદ-ખેડાના ગામોમાંથી વસ્તીના ધોરણે બસો મુકવામાં આવનાર છે.દરેક ગામની શાળાના મુખ્ય શિક્ષકોને ગામમાંથી શ્રોતાઓને લઇ જવાની જવાબદારી જે તે તાલુકાના ટીડીઓ દ્વારા પરિપત્ર પાઠવીને સોંપાઇ છે. જે અંતર્ગત ગામની વસ્તીના ધોરણે પ્રમાણે બસો ફાળવવામાં આવી છે.જેમાં એક બસમાં 60 શ્રોતા લાવવાની જવાબદારી ગામની શાળાના મુખ્ય શિક્ષકોને સોંપાઇ છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો સહિત સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

વાઇસ ચેરમેન, કોંગી MLA રાજેન્દ્રસિંહ ગેરહાજર રહેશે

મોગર ખાતે અમૂલના ચોકલેટ પ્લાન્ટના કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ધૂમાડો થવાનો હોવાથી અને સહકારી સંસ્થાના કાર્યક્રમમાં ભાજપની પતાકા લહેરાવાતા નારાજ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર કાર્યક્રમમાં ગેરહાજર રહેશે. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં કરોડો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવશે. પશુપાલકો જોશે પછી આ નાણાંનો હિસાબ પણ માંગશે.અમૂલ સહકારી સંસ્થા છે. તેમાં ભાજપ કે કોંગ્રેસ આવતુ નથી. છતાં આ કાર્યક્રમ સ્થળ પાસે કમળના પતકાવાળા તોરણો અને ઝંડા લગાવામાં આવ્યાં છે.

ઉદ્દઘાટન કાર્યક્રમમાં કાળાં કપડાં પહેરી નહીં આવવાના પરિપત્રને લઇને વિવાદ, S.P યુનિ.ના હેડર સાથેના પરિપત્રથી ખુદ VC જ અજાણ

મોગરના કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષ તરફથી વિરોધ પ્રદર્શન ન કરવામાં આવે કે પછી કાળાં વાવટાં ન બતાવવામાં આવે તે હેતુસર તંત્ર સતર્ક બન્યું છે. દરમિયાન શુક્રવારે સરદાર પટેલ યુનિવર્સિટીના હેડર સાથે વડાપ્રધાનના કાર્યક્રમમાં કાળાં વસ્ત્રો પહેરીને આવવું નહીં તેવો પરિપત્ર સોશ્યલ મીડિયામાં વાઈરલ થતાં વિવાદ થયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, હાલમાં બેંગ્લોર એક કાર્યક્રમમાં વ્યસ્ત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સમગ્ર બાબતથી અજાણ છે. જ્યારે બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી અને પોલીસ વડાએ આવો કોઈ જ પરિપત્ર કર્યો ન હોવાનું જાહેર કર્યું છે. સરદાર પટેલ યુનિવર્સિટીના હેડર સાથેના પરિપત્રમાં વિવિધ 10 મુદૃાઓ જેમાં સમારંભમાં નવ કલાક પહેલાં હાજર થઈ જવું, સમારંભમાં ચ્હા-નાસ્તાની વ્યવસ્થા, અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પ્રાધ્યાપકોએ કાળજી રાખવી, એન્ટ્રી લેવલથી જ અંદર પ્રવેશ લેવો સહિતની સૂચનાઓ આપવામાં આવી છે. જેમાં મુદૃા નં. 10માં સમારંભમાં કાળા કલરના વસ્ત્રો, ટી શર્ટ તથા ડ્રેસ પરિધાન ન કરવા તેનો ઉલ્લેખ કરાયો છે.

છાત્રોને હાજર રહેવાનો કૃષિ યુનિ.નો પરિપત્ર રદ

આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની કોલેજના વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં ફરજીયાતપણે હાજર રહેવાનો પરિપત્ર અગાઉ કર્યો હતો. જોકે, એનએસયુઆઈએ આવેદનપત્ર પાઠવતાં વાઈસ ચાન્સેલર દ્વારા પરિપત્ર રદૃ કરવાની જાહેરાત કરાઇ છે.

200 બસ અને ખાનગી વાહનો મૂકવામાં આવશે

મોગર ખાતે જાહેર સભામાં એકલાખની ભીડ એકત્રિત કરવા માટે 200 એસટી બસો મુકવામાં આવી છે. આ ઉપરાંત અમુલ ડેરી દ્વારા દૂધમંડળીવાળા ખેડા-આણંદ અને મહિસાગર જિલ્લાના ગામોમાં ખાનગી વાહનો મોકલવામાં આવશે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker