રાજસ્થાન પોલીસ ધરપકડ ન કરે તે માટે ગાયબ થઈને 24 કલાકમાં જ રહસ્યમય રીતે પાછા મળી આવેલા તોગડિયાએ આજે વધુ એક ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. તોગડિયાને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે તેમણે પત્રકારો સાથે વાત કરતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ પર ખૂલ્લા આક્ષેપ કર્યા હતા. તોગડિયાએ સવાલ કર્યો હતો કે ક્રાઈમ બ્રાંચ કોના ઈશારે મારી સામે લડી રહી છે?
અમદાવાદ ક્રાઈમ બ્રાંચને કોન્સ્પિરસી બ્રાંચ ગણાવતા તોગડિયાએ દાવો કર્યો હોત કે, જો મારી સામે રાજસ્થાનમાં કેસ નોંધાયેલો હોય તો પછી અમદાવાદની ક્રાઈમ બ્રાંચ કોના ઈશારે મારી સામે લડી રહી છે? હું જેમના ઘરે ગયો હતો તેમને રાત્રે બે વાગ્યે ઉઠાવીને ક્રાઈમ બ્રાંચના 20 લોકોએ તેમનું ત્રણ કલાક ટોર્ચર કરીને મારી વિરુદ્ધ નિવેદન આપવા દબાણ કર્યું હતું. મારા સમર્થકોને પણ મારી વિરુદ્ધ બોલવા દબાણ કરાઈ રહ્યું છે.
ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટ પર સીધો આક્ષેપ કરતા તોગડિયાએ કહ્યું હતું કે જેકે ભટ્ટે છેલ્લા 15 દિવસમાં પ્રાઈમ મિનિસ્ટર સાથે કેટલી વાર વાત કરી છે તે વિગતો જાહેર કરવામાં આવે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, જેકે ભટ્ટ દિલ્હીના પોલિટિકલ બોસના ઈશારે મને અને મારા કાર્યકરોને હેરાન કરી રહ્યા છે. મેં મારા વકીલોને પણ બોલાવ્યા છે, અને હું ક્રાઈમ બ્રાંચ સામે કાયદાકીય પગલાં ભરવા જઈ રહ્યો છું.
તોગડિયાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ જ ક્રાઈમ બ્રાંચ દેશના લોકોને સિલેક્ટિવ વિડિયો બતાવી રહી છે. તેમણે દાવો કર્યો હતો કે, 2005માં સંજય જોશીનો નકલી વીડિયો આ જ ક્રાઈમ બ્રાંચમાં બન્યો હતો. આ જ ઈતિહાસનુ પુનરાવર્તન તોગડિયાને બદનામ કરવા થઈ રહ્યું છે? તોગડિયાએ એવો પણ દાવો કર્યો હતો કે, સંજય જોશીનો નકલી વીડિયો બનાવનારા કોણ છે તે હું જાણું છું અને સમય આવ્યે તેમનું નામ પણ જાહેર કરીશ.
જેકે ભટ્ટ પર અન્ય એક આરોપ મૂકતા તોગડિયાએ કહ્યું હતું કે, ભટ્ટે જ દિવાળીના દિવસે વીએચપીના પ્રદેશ મંત્રી અશ્વિન પટેલની સીએમના ઈશારે ખોટી ધરપકડ કરી હતી. આજે એ જ જેકે ભટ્ટ પ્રવીણ તોગડિયાની ઈજ્જત પર હાથ નાખી રહ્યા છે. માટે જ હું કહી રહ્યો છું કે પીએમ સાથે તેમના ફોનની ડિટેલ્સ જાહેર કરો.
તોગડિયાએ જણાવ્યું હતું કે, મારી ખબર પૂછવા ભાજપ અને કોંગ્રેસના અનેક લોકો આવ્યા હતા. મેં કોઈને બોલાવ્યા નહોતા, તેવામાં મારી કોંગ્રેસ સાથે વાત ઉડાવવી કે આ અંગે સવાલ ઉઠાવવા યોગ્ય નથી. ભાજપનું કોંગ્રેસીકરણ કરનારાઓ સામે કેમ ક્યારયે કોઈ સવાલ નથી ઉઠાવાતા? યુપીમાં ભાજપના 300માંથી 105 ધારાસભ્યો એસપી, બીએસપી અને કોંગ્રેસના છે. આસામમાં એકને છોડીને ભાજપના બધા મિનિસ્ટર બહારના છે.તેમણે જણાવ્યું હતું કે, મને જણાવાયું છે કે, રાજસ્થાનમાં મારી સામે થયેલો કેસ 2015માં જ પડતો મૂકાયો હતો અને તેના પર એસડીએમે સહી પણ કરી દીધી છે. જો કેસ પડતો મૂકાયો હોય તો આટલી મોટી સંખ્યામાં પોલીસ કાફલો મારી ધરપકડ કરવા કેમ નીકળ્યો હતો?