ઇન્ડોનેશિયા: અહીંયા શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ પછી સુલાવેસી દ્વીપ પર સ્થિત પાલૂ શહેરમાં સુનામીનો પણ પ્રકોપ ઉતર્યો. ભૂકંપના કારણે ઘણા બિલ્ડીંગ્સ જમીનદોસ્ત થઈ ગયા. આ સુનામીમાં સેંકડો લોકો મૃત્યુ પામ્યા છે. ન્યુઝ એજન્સીએ જણાવેલા આંકડાઓ પ્રમાણે હાલ મૃત્યુઆંક 384 પર પહોંચ્યો છે. આ ભયંકર આપત્તિએ લોકોને પોતાના ઘર છોડવા પર મજબૂર કરી દીધા
પાણીની લહેરોએ ઘણી ઇમારતોને અડફેટે લીધી
ભૂકંપના કેન્દ્રથી લગભગ 80 કિલોમીટરના અંતરે આવેલા પાલૂ શહેરના એક પાર્કિંગ રેમ્પના સૌથી ઉપરના માળથી શૂટિંગ કરવામાં આવ્યું, જેમાં ઊંચી પાણીની લહેરો ઉઠતી જોવામાં આવી અને કિનારાના વિસ્તારોને પોતાની અડફેટમાં લઈ લીધા. વીડિયોમાં પાણીની લહેરો ઘણી ઇમારતોને પોતાની અડફેટે લેતી જોવા મળી રહી છે. BNO ન્યુઝ એજન્સીએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં જબરદસ્ત લહેરો ઉઠતી જોવા મળી રહી છે અને લોકો ચીસો પાડતા આમ-તેમ ભાગી રહ્યા છે.
લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા
– ડિઝાસ્ટર એજન્સીએ ભૂકંપ તેમજ સુનામી વિભાગના અધ્યક્ષ રહમત ત્રિયોનોએ પછીથી પુષ્ટિ કરી કે શહેરમાં સુનામીની ઝડપી લહેરો આવી છે. આ ભૂકંપની તીવ્રતા આ વર્ષની શરૂઆતમાં લોમબોક દ્વીપમાં આવેલા ભૂકંપથી ઘણી વધારે હતી, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.
– અમેરિકન ભૂગર્ભ સર્વેક્ષણ વિભાગે જણાવ્યું કે મધ્ય સુલાવેસીના ડોંગ્ગાલા કસ્બામાં આવેલા ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં ક્ષતિગ્રસ્ત થયેલી બિલ્ડીંગો જોવા મળી. લોકો પરેશાન થઈ ને પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા.
ઇન્ડોનેશિયાની ભૌગોલિક સ્થિતિના કારણે રહે છે ભૂકંપનો ખતરો
– ફેસબુક લાઇવ વીડિયોમાં વિસ્તારના કેટલાક હિસ્સાઓમાં લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો કારણકે સુનામીની ચેતવણી પછી લોકો ઊંચી જગ્યાઓ પર પહોંચવા માટે કારો, ટ્રકો અને મોટરબાઈકોમાં જઈને બેઠા. ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તા સુતોપો પુર્વો નુગરોહોએ જણાવ્યું કે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમને સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો તરફ મોકલી દેવામાં આવી.
– ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાની ભૌગોલિક સ્થિતિના કારણે ભૂકંપનો ખતરો હંમેશાં બનેલો રહે છે. ડિસેમ્બર 2004માં પશ્ચિમી ઇન્ડોનેશિયાના સુમાત્રામાં 9.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે આવેલા સુનામીના લીધે હિંદ મહાસાગર ક્ષેત્રના ઘણા દેશોમાં 2,20,000 લોકો માર્યા ગયા હતા.