અમિત શાહ 12 જુલાઈ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીના કરશે દર્શનઃ આ વર્ષે રથયાત્રા યોજાય તેવી શકયતાઓ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જુલાઇમાં એક દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. અમિત શાહ 12 જુલાઇએ રથયાત્રાના દિવસે સહપરિવાર ભગવાન જગન્નાથજીના દર્શન કરશે. અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં વિકાસકામોનું લોકાર્પણ કરે તેવી પણ શક્યતા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા રથયાત્રા યોજાય તેવી શક્યતા જોવાઇ રહી છે. કોરોનાના કડક પ્રતિબંધો વચ્ચે રથયાત્રાનું આયોજન અંગેની મંજૂરી મળી શકે છે. અમદાવાદમાં કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે લોકોની ગેરહાજરીમાં રથયાત્રા નીકળી શકે છે.

ગત વર્ષે કોરોનાને કારણે હાઈકોર્ટે રથયાત્રા સામે મનાઈ ફરમાવી હતી. દરવર્ષે અષાઢી બીજની વહેલી પરોઢે જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ઉપસ્થિત રહેતા અમિત શાહ ગત વર્ષે આવી શક્યા નહોતા. આ વર્ષે 12 જુલાઈને અષાઢી બીજે અમદાવાદ સહિત ગુજરાતભરમાં રથયાત્રાના નગરચર્યા સંદર્ભે હજી સુધી સરકાર તરફથી કોઈ જ નિર્ણય લેવાયો નથી. પરંતુ સ્થિતિ જોતા આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા યોજાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

ગત વર્ષે કોરોનાને કારણે રથયાત્રાનું આયોજન છેલ્લી ઘડીએ મોકૂફ રખાયું હતું અને ત્રણેય રથ મંદિર પરિસરમાં ફર્યા હતા. જોકે આ વર્ષે પોલીસ, પત્રકારો અને મર્યાદિત લોકોની હાજરીમાં ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળશે.જોકે આ વર્ષે રથયાત્રામાં ટ્રકો, અખાડા અને ભજનમંડળીઓ નહિ જોડાય.

 

Scroll to Top