ઉત્તર ભારતીયો પર થઈ રહેલા હુમલાથી ફેલાયેલા ડરને કારણે મોટી સંખ્યામાં હિંદીભાષી લોકો ગુજરાત છોડીને જઈ રહ્યાં છે, ત્યારે આવા લોકોને તેઓ ગુજરાતમાં સુરક્ષિત છે તેવું સમજાવવા માટે વડોદરાના કલેક્ટર અને પોલીસ કમિશનર રેલવે સ્ટેશને પહોંચ્યાં હતાં. બંને અધિકારીઓએ લોકો સાથે વાત કરીને તેમના ડરને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.
વડોદરાના પોલીસ કમિશનરે આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, ઉત્તર ભારતીયોને સમજાવવા અને તેઓ ગુજરાતમાં સુરક્ષિત છે તેવું મહેસૂસ કરાવવા માટે સમગ્ર રાજ્યમાં આવા પ્રયાસ થઈ રહ્યા છે. કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતીયો ડરના માર્યા નહીં, પરંતુ પોતાના કામ અને તહેવારને કારણે વતન જઈ રહ્યા છે.
ઉત્તર ભારતીયોને સુરક્ષા અંગે સુનિશ્ચિત કરતા તેમણે કહ્યું હતું કે, પોલીસ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવા પર પણ સંકજો કસી રહી છે. તેમણએ કહ્યું હતું કે, લોકો માટે હેલ્પલાઈન પણ શરુ કરવામાં આવી છે. પોલીસ કંટ્રોલ રુમમાં પણ આ અંગે કોલ્સ આવી રહ્યા છે, પરંતુ ઉત્તર ભારતીયોના ડર અંગે માંડ એકાદ-બે કોલ જ આવે છે.
વડોદરાને સંસ્કારનગરી કહેતા તેમણે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતીયોએ વડોદરાને જ પોતાનું ઘર બનાવી લીધું છે, અને તેમની સુરક્ષા કરવા માટે પોલીસ કટિબદ્ધ છે. તેમને અમે કોઈ તકલીફ નહીં પડવા દઈએ, અને પોલીસ તેમના માટે હંમેશા ખડેપગે તૈનાત છે.