હાલ રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાતની ઉજવણી ચાલી રહી છે, દેશ-દુનિયાના ટોચના ઉદ્યોગપતિઓ પોતાના ડેલિગેશન સાથે ગુજરાતના મહેમાનો બન્યા છે. આ ઉદ્યોગપતિઓએ ગુજરાતમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી દર્શાવી રહી છે, ગુજરાત સરકાર આ ઉદ્યોગપતિઓને પૂરતી સવલતો આપશે, જો કે રાજ્યમાં ખેડૂતો ગુજરાત સરકારની આ સ્કીમથી નારાજ છે.
ગુરુવારે વડાપ્રધાન મોદીએ વાયબ્રન્ટ ગુજરાતનું ઉદ્ધાટન કર્યું, આ પ્રસંગે દેશ-વિદેશના ટોચના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યાં, ઉદ્ધાટન સમારોહ બાદ ગુજરાતના મંત્રીઓ અને વિવિધ દેશમાંથી આવેલા ઉદ્યોગપતિઓ વચ્ચે રાઉન્ડ ટેબલ મિટિંગ યોજાઇ જેમાં કરોડો રૂપિયાના MoU થયા, ખાસ કરીને ગુજરાતના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી રોકાણ વધારવાની જાહેરાત કરી. જો કે કરોડોની જાહેરાત થવા છતાં ગુજરાતના કેટલાક ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે. ગાંધીનગર ખાતે તેઓએ પત્રકાર પરિષદ યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો.
ભાવનગરના 12 ગામના ખેડૂતો દ્વારા આયોજીત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વાયબ્રન્ટ ગુજરાતમાં ખેડૂતો તરફડતાં હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. વિકાસના નામે ખેડૂતોની જમીનનો વિનાશ કરવામાં આવી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીઝ માટે ખરીદવામાં આવતી જમીનનો સરકાર યોગ્ય ભાવ નથી આપતીસ, પાણીના ભાવે જમીનો ખરીદી ખેડૂતોને સરકાર પાયમાલ કરી રહી છે.
એક તરફ રાજ્યમાં કરોડો રૂપિયાના MoU થઇ રહ્યાં છે, તો બીજી બાજુ ખેડૂતોનો આક્ષેપ છે કે વાયબ્રન્ટ સમિટમાં થતા કરારમાં ફાળવેલી જમીનનું યોગ્ય વળતર મળતું નથી. જો કે ખેડૂતોના આક્ષેપ અંગે હાલ સરકારની કોઇ પ્રતિક્રિયા આવી નથી.