આખરે ગુજરાત સરકારે પોતાના મહત્ત્વના કાર્યક્રમો રદ્દ કર્યા, સતત બીજા વર્ષે વાઇબ્રન્ટ સમિટ કેન્સલ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહયા છે જેને ધ્યાને રાખીને હવે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાવાની હતી, જે હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વાઇબ્રન્ટ સમિટ માટે સરકાર છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ કરી રહી હતી.

વાઇબ્રન્ટ સમિટમાં દેશના જાણીતા ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે એમ બિરલા, સુનીલ ભારતી મિત્તલ, અશોક હિન્દુજા, એન. ચંદ્રશેખરન, અને હર્ષ ગોએન્કા હાજર રહેવાના હતા.

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભે કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે પરિસ્થિતિ અલગ હતી. પરંતુ પાછલા એક સપ્તાહથી દેશ સહિત દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે વાઇબ્રન્ટ મોકૂફ રાખવામાં આવી છે. વાઈબ્રન્ટ રિશિડ્યુલ કરાશે કે નહીં એ અંગે જણાવ્યું કે પરિસ્થિતિ અને સંજોગો જોઈને નિર્ણય લેવામાં આવશે.

સાથે જ રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે- આગામી 7મી જાન્યુઆરીએ કોર કમિટીની બેઠક મળવાની છે જ એમાં નવી SOP જારી કરવામાં આવશે અને તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે.

કોરોના વાયરસના કેસ વધવાની સાથે તેનો નવો વેરિયન્ટ એમિક્રોનના કેસો પણ હવે વધુ જોવા મળ્યા છે, જેનાથી નિપટવા માટે સરકાર અને તંત્ર પૂરતા પગલાં લઇ રહ્યું છે. વિશ્વભરમાં કોરોના વાયરસના કેસો ફરી પાછા વધવા લાગ્યા છે અને ઘણા દેશોમાં સંક્રમણ વધ્યું છે. કોરોના અને એમિક્રોનનું સંક્રમણ રાજ્યમાં વધુ ન ફેલાય એની સંપૂર્ણ તકેદારી રાખીને આ મહામારીનું સંક્રમણ વધે નહીં એવા હેતુસર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

ગુજરાતમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. કોરોનાના કહેર વચ્ચે પણ રાજ્યના આરોગ્ય કમિશનર અને સચિવ સહિતના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવી જતાં અનેક તર્કવિતર્કો સર્જાયા છે.

વાઇબ્રન્ટ સમિટ રદ્દ કરવાની સાથે જ ગુજરાત સરકારે બીજા મોટા કાર્યક્રમો પણ રદ્દ કર્યા છે જેમાં ફલાવર શો અને રિવર ફ્રન્ટ પર યોજાનારા અન્ય ક્રાયક્રમોનો પણ સમાવેશ થાય છે. હાલ પૂરતા આ બધા જ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યા છે.

 

Scroll to Top