તકલીફ અને સમસ્યાઓ કોઈ સંદેશો આપીને નથી આવતી, કેટલીક સમસ્યાઓ વાહન ચલાવતી વખતે ઉભી થાય તો મોટી તકલીફ ઉભી થઈ શકે છે. જો તમે કાર ફુલ સ્પિડમાં ભગાવી રહ્યા હોવ અને અચાનક બ્રેક ફેલ થઈ જાય તો શું કરશો? આ વિશેની માહિતી ન હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ જતી હોય છે.
સ્પીડને ઘટાડવાનો પ્રયાસ કરો
જો કારની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું માલુમ પડે તો સૌથી પહેલા કારના એક્સિલેટર પરથી પગ લઈ લો અને કારની સ્પીડ ઘટાડીને ગીયર ડાઉન કરતા જાવ.
અન્ય ડ્રાઈવરને જાણ કરો
જો તમારી કારની બ્રેક ટ્રાફિકમાં ફેલ થઈ જાય તો હેડ લાઈટ ઓન કરી દો, હોર્ન મારીને ચેતાવણી આપો. આમ થવાથી તમારી આસપાસ અને આગળ રહેલા વાહન ચાલકોને અંદાજ આવી જશે કે તમે મુશ્કેલીમાં છો. મહત્વનું છે કે કાર ચલાવતી વખતે અન્ય ડ્રાઈવર દ્વારા આવા સંકેત મળે તો તેને પણ સમજવા માટે તૈયાર રહેવું જોઈએ.
પેડલને વારંવાર દબાવો
બ્રેક ફેલ થઈ ગઈ હોય છતાં બ્રેક પેડલને વારંવાર દબાવતા રહો જેથી બ્રેક પાછી કામ કરતી થઈ શકે છે.
AC સહિત અન્ય એસેસરિઝ ચાલુ કરી દો
કારમાં ACને સૌથી કુલેસ્ટ ટેમ્પ્રેચર અને ફેન સ્પીડને વધારી દો. આ સિવાય કારના હેડલેમ્પ, પાર્કિંગ લાઈટ સહિતની એસેસરિઝ ચાલું કરી દો જેથી કારના કિલોવોટ પાવરમાં સામાન્ય ઘટાડો થશે.
હેન્ડબ્રેકનો કરો ઉપયોગ
હેન્ડ બ્રેકનો સામાન્ય રીતે કારને પાર્ક કરતી વખતે અથવા ઢાળમાં કાર ચલાવતી વખતે કરાતો હોય છે પણ મુખ્ય બ્રેક ફેલ થઈ જવા પર હેન્ડ બ્રેકનો ઉપયોગ સાવધાની પુર્વક કરવાથી રિઝલ્ટ મળે છે. કારની સ્પિડ ઘટવાની સાથે ધીમે-ધીમે હેન્ડબ્રેકને ટાઈટ કરવી જેથી કાર નિયંત્રણમાં રહે અને સ્પિડમાં ઘટાડો કરી શકાય.
સ્ટીયરિંગ વ્હીલ પર રાખો કંટ્રોલ
કારને ગિયરમાં રાખવાની સાથે ઈગ્નિશનને બંધ કરો અને ક્લચને છોડવાની કોશિશ કરો અને બ્રેક લગાવવાની કોશિશ કરો. આવું માત્ર એકવાર જ કરવું જોઈએ નહીં તો સ્ટીયરિંગ વ્હીલ પરથી કંટ્રોલ જઈ શકે છે. સ્ટીયરિંગ વ્હીલ પર સંપૂર્ણ કંટ્રોલ રાખો.
કારને ડાબી સાઈડ લઈ જાવ
આગળનો રોડ બરાબર જોયા પછી કારને રોડની સાઈડમાં લઈ જવાની કોશિશ કરો, જેથી રેતી અને કાંકરાના કારણે કારની સ્પીડમાં ઘટાડો થઈ શકે છે. આમ કરતી વખતે કાર પર સંપૂર્ણ કંટ્રોલ રાખવો જરુરી છે.