GujaratNewsPolitics

શું હાર્દિક પટેલ ના લીગલ એન્કાઉન્ટરનો તખ્તો ધડી રહી છે ભાજપ સરકાર!

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનું ભાજપ સરકાર હવે લીગલ એન્કાઉન્ટર કરવાની ફિરાકમાં હોવાનું દેખાઈ રહ્યું છે. લોકસભા ચુંટણી પૂર્વે હાર્દિક પટેલને ફરી એક વાર જેલમાં મોકલીને ભાજપ રાહતનો દમ લેવા માંગે છે. જેના ભાગરૂપે જ સરકારે હાર્દિક પટેલ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની અરજી સેશન્સ કોર્ટમાં કરી છે.

જેની વિગત મુજબ પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ઉશ્કેરણીજનક ભાષણો કરી રાજયમાં હિંસા, તોડફોડ અને કોમી વૈમનસ્ય ફેલાવવાના ચકચારભર્યા રાજદ્રોહના કેસની મુદતમાં સતત ગેરહાજર રહેતા હાર્દિક પટેલના વલણને અત્રેની સેશન્સ કોર્ટે ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને આરોપી હાર્દિક પટેલના આવા બેજવાબદાર વલણની ગંભીર નોંધ લીધી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે આગામી મુદતે હાર્દિક પટેલને કેસની આગામી મુદતે અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવા કડક તાકીદ કરી હતી.

કોર્ટે ગંભીર ટીકા કરી હતી કે, કેસની સુનાવણી દરમ્યાન વારંવારની ગેરહાજરી ચલાવી લેવાશે નહી. કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૬ઠ્ઠી જૂલાઇએ રાખી હતી. ઉલ્લેખનીય છે કે, રાજદ્રોહ કેસમાં અગાઉ સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ વિરૂધ્ધ જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું પરંતુ તેની બજવણી બાદ પણ હાર્દિક પટેલ કેસની સુનાવણી દરમ્યાન સામાજિક કામોનું બહાનુ ધરી હાજર નહી રહેતાં રાજય સરકાર તરફથી આ નવી અરજી કરી તેની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવા માંગણી કરવામાં આવી હતી.

જેમાં મુખ્ય સરકારી વકીલ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ તરફથી અગાઉ આ કેસનું કામ તાત્કાલિક બોર્ડ પર લેવા, તેની વિરૂધ્ધ જારી કરાયેલું જામીનપાત્ર વોરંટ રદ કરવા અને કેસની સુનાવણી દરમ્યાન તેને હાજર રહેવામાંથી મુકિત આપવા માટે માંગણી કરવામાં આવી હતી. જો કે, કોર્ટે આકરા વલણ સાથે આ ત્રણેય અરજીઓ ફગાવી દીધી હતી અને હાર્દિક પટેલને કોઇપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

રાજદ્રોહ કેસની સુનાવણી દરમ્યાન આરોપી હાર્દિક પટેલ દ્વારા છેલ્લા ઘણા સમયથી અને ઘણી મુદતોથી આ કેસમાં અદાલત સમક્ષ હાજરી આપવામાં આવતી નથી. જામીન આપતી વખતે અદાલતની શરતોમાં પણ કેસના ટ્રાયલ વખતે આરોપીએ દર મુદતે હાજર રહેવાની સ્પષ્ટ તાકીદ કરાતી હોય છે. સુપ્રીમકોર્ટે પણ આ અંગે ચુકાદાઓ જારી કરેલા છે ત્યારે આરોપીઓ દ્વારા રાજદ્રોહના ખૂબ જ સંવેદનશીલ અને અતિમહત્વના કેસની સુનાવણીને ભારે હળવાશથી લેવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.આરોપીના બેજવાબદાર વલણને લઇ ચાર્જફ્રેમનો તબક્કો વિલંબિત થઇ રહ્યો છે.

કોર્ટે આરોપીના વલણને ગંભીરતાથી લઇ તેની વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવું જોઇએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે હાર્દિક પટેલના વકીલને કડક તાકીદ કરી હતી કે, આગામી મુદતે હાર્દિકને કોર્ટમાં હાજર રાખવામાં આવે. આજની સુનાવણી દરમ્યાન માત્ર ચિરાગ પટેલ જ હાજર રહ્યો હતો. જયારે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયા ગેરહાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker