પાટીદાર સમાજની મહત્વની સંસ્થા ખોડલધામના ચેરમેનપદેથી નરેશ પટેલના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે. નરેશ પટેલના રાજીનામાની ચર્ચાના પગલે પાટીદાર સમાજમાં સનસનાટી મચી જવા પામી છે. નરેશ પટેલે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. રાજીનામા અંગે નરેશ પટેલ કે તેમના કુંટુંબીજનો અને ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓ પાસેથી કોઈ સમર્થન મળી રહ્યું નથી. નરેશ પટેલે પોતે પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
રાજીનામાના ચર્ચાસ્પદ પ્રકરણમાં હાર્દિક પટેલે ટવિટ કરી સવાલ કરતા ભારે હોબાળો મચી ગયો છે. હાર્દિકે ટવિટ કરી સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે નરેશ પટેલ સાથે દગો કરવામાં આવ્યો છે.
નરેશ પટેલ પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. નરેશ પટેલની છબિ નિષ્કલંક અને સ્વચ્છ રહેલી છે. ખોડલધામના ટ્રસ્ટી તરીકે તેમણે અનેક સેવાકાર્યો કરેલા છે અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના ખૂબ જ નજીકના મનાય છે. આમ તો ખોડલધામ ટ્રસ્ટની જમીન અંગે આનંદીબેન પટેલે નરેશ પટેલ પર ખાસ્સો વિશ્વાસ મૂકી જમીન ફાળવણી લઈ કાગવડમાં પાટીદાર સમાજના ધાર્મિક વડા મથક માટે તનતોડ પ્રયાસો કર્યા હતા.
શ્રી ખોડલધામ-કાગવડ એ પાટીદાર સમાજ ની ભક્તિ માં એકતા નું સ્થાન છે.અમુક ટ્રસ્ટીઓ ના ભગવાકરણ ના કારણે શ્રી નરેશભાઈ પટેલે રાજીનામુ આપ્યું છે.નરેશભાઈ મૌન છે પણ હકીકત આ છે.ખાનગી સૂત્રો અને સમાજ ના મુખ્ય આગેવાનો આ સત્ય ના શૂર સાથે સહમત પણ હશે.નરેશભાઈ સાથે દગો કરવામાં આવ્યો છે.
— Hardik Patel (@HardikPatel_) April 3, 2018
ચૂંટણીના સમય દરમિયાન નરેશ પટેલે વારંવાર કહ્યું હતું કે કાગડવનું ખોડલધામ રાજકીય પ્રવૃત્તિનું કેન્દ્ર નથી પણ ધાર્મિક મથક છે. પરંતુ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ખોડલધામની મુલાકાત લેતા નરેશ પટેલને સિક્રેટ સીએમ તરીકે જોવામાં આવતા હતા અને સોશિયલ મીડિયા પર આ માટે ખાસ્સો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો.
હાર્દિકે પણ તે વખતે નરેશ પટેલની મુલાકાત લીધી હતી. અને નરેશ પટેલે આશિર્વાદ આપ્યા હોવાનું પણ કહ્યું હતું. ચૂંટણી દરમિયાન ભાજપના અનેક નેતાઓએ પણ ખોડલધામની મુલાકાત લીધી હતી.આજે સાંજથી નરેશ પટેલના રાજીનામાની વાત ચાલી રહી છે ત્યારે હાર્દિકને એક ટવિટથી રાજકીય ઘમાસાણ મચી ગયું છે. હાર્દિકના ટવિટથી પ્રશ્ન થાય છે કે નરેશ પટેલ સાથે દગાબાજી કોણે કરી અને શા માટે કરી.