ગાંધીનગર: મગફળી કૌભાંડ અંગે વાઈરલ થયેલી ઓડિયો ક્લિપને કારણે નવો વિવાદ ઊભો થયો છે. આ મુદ્દે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે કે, મગફળી કૌભાંડની વાઈરલ ઓડિયોમાં મોદી-મોદીના નામનો ઉલ્લેખ કરાયો છે તે ક્યા મોદીની વાત છે, રાજ્ય સરકાર તેની સ્પષ્ટતા કરે. તેમજ વાઈરલ ઓડિયોમાં પૂર્વ કૃષિ મંત્રી, હાલના કૃષિ મંત્રી, જેતપુરના ધારાસભ્ય, જૂનાગઢના સાંસદ અને જૂનાગઢ ભાજપના પ્રમુખના નામનો ઉલ્લેખ કરાયો છે તેનો ન્યાયિક તપાસમાં સમાવેશ કરો.
આ મુદ્દે કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, મગફળીકાંડમાં ભાજપ હોય કે કોંગ્રેસ કોઈપણ મોટા માથાને સરકાર છોડશે નહીં. સમગ્ર કૌભાંડમાં ભીનું સંકેલવા ફાંસલામાં ફસાયેલાં લોકોએ મારા અને જયેશ રાદડિયાના નામનો ઉલ્લેખ કરીને પોતાના બચાવ માટે ઓડિયો ક્લિપ વાઈરલ કરી છે.
બીજીબાજુ મગન અને લાઠોદરાના માનસિંગ પોપટ લાખાણી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાઇરલ થતાં તેમાં માનસિંગની સંડોવણી પણ કૌભાંડમાં સ્પષ્ટ થતાં પોલીસે માનસિંગની ધરપકડ કરી હતી. આ ઉપરાંત નાની ધાણેજના ગીગન મેરામ ચુડાસમા, મોટી ધાણેજના દેવદાન માંગા જેઠવા, ધીરૂ કાળા જેઠવા, હમીર બાવા જેઠવાની પણ ધરપકડ કરી હતી.
આ ઉપરાંત મોટી ધાણેજ સહકારી મંડળીએ ખરીદ કરેલી મગફળીનો હિસાબ જે કમ્પ્યૂટરમાં રાખ્યો હતો તે કમ્પ્યૂટર અને જેમાં હિસાબ રાખવામાં આવ્યા હતા તે દસ્તાવેજો આરોપીઓએ ગાયબ કરી દીધા હોવાથી પોલીસે રિમાન્ડ પર રહેલા ભૂતકોટડાના જીજ્ઞેશ ત્રિભોવન ઉજટિયા અને લખધીરગઢના રોહિત લક્ષ્મણ બોડાના ઘરે દરોડા પાડ્યા હતા. બંનેના ઘરમાંથી મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. ધૂળના ઢેફા મેળવી જે મગફળીની ચોરી કરવામાં આવી હતી તેમાંથી 6700 ગુણી મગફળી કેશોદના મેસવાણામાં આવેલી ક્રાંતિ ઓઇલ મિલમાં વેચ્યાનું ખૂલતાં પોલીસે મિલમાં પણ દરોડો પાડી દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
સોનું અને દસ્તાવેજો જપ્ત
પોલીસે મગન ઝાલાવડિયાના ઘરમાંથી 146 ગ્રામ સોનું, 5 હજારનું ચાંદી અને રૂ.32 હજાર રોકડા જપ્ત કર્યા હતા. જીજ્ઞેશ અને રોહિતના ઘરમાંથી મહત્ત્વના દસ્તાવેજો પોલીસને હાથ આવ્યા હતા.
મિનિસ્ટ્રીને કહી પોલીસ પાસે કહેવડાવો કે ટાઢું પાડી દ્યો, બે દિવસમાં રસ્તો નીકળી જશે : મગન
પેઢલામાં મગફળીની ગુણીમાંથી ધૂળના ઢેફા ભેળવી દેવાના કૌભાંડમાં ગુજકોટના વેરહાઉસના મેનેજર તેમજ તરઘડી સહકારી મંડળી પ્રમુખ મગન ઝાલાવડિયાની સંડોવણી બહાર આવી છે. પોલીસ ફરિયાદ થતાં પહેલા મગને કૌભાંડને ઠંડું પાડવા અનેક હવાતિયાં માર્યા. એ પૈકી માળિયા હાટિના તાલુકા પંચાયતના સદસ્ય માનસિંગ પોપટ લાખાણી (રહે. લાઠોદરા) સાથે થયેલી ફોન પરની વાતચીતની ત્રણ ક્લિપ ફરતી થઇ છે. આ ક્લિપમાં આવેલો શબ્દસ: સંવાદ અહીં રજૂ છે