વડાપ્રધાન મોદીને મળવા પહોંચ્યા યોગી આદિત્યનાથઃ આ મહત્વના મુદ્દે થશે ચર્ચા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ યોગી પોતાના ચાર વર્ષની કામગીરીનો રિપોર્ટ વડાપ્રધાનને આપશે. આ ઉપરાંત આગામી વર્ષે પ્રદેશમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને પણ મંથન કરી શકે છે. આ પહેલાં ગુરૂવારે યોગીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

યોગી આદિત્યનાથે ગુરૂવારે સાંજે લગભગ ચાર વાગ્યે દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તો બીજી તરફ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. મળતી માહિતી મુજબ યોગી સાથેની મુલાકાત પહેલાં નડ્ડા અને PM મોદીએ યુપીને લઈને લગભગ બે કલાક સુધી વાતચીત કરી. જેમાં સંગઠન, સરકાર અને કેબિનેટના પ્રસ્તાવને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થઈ. જે બાદ મોડી રાત્રે હાલમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થનારા પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે યુપી ભવનમાં યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ.

છેલ્લા ઘણા સમયથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતની ભાજપની ટોચની નેતાગીરી સામે બાથ ભીડી છે. આ બાથ ભીડવાનું કારણ જણાવતાં વિશ્વસનીય સૂત્રોએ કહ્યું હતું કે મૂળ મડાગાંઠ ઉત્તરપ્રદેશનું વિભાજન કરીને યુપીના પૂર્વ વિસ્તારને પૂર્વાંચલ બનાવવાનો છે. આ વિસ્તારમાં યોગીના આધિપત્યવાળો ગોરખપુર જિલ્લો પણ આવે છે.

આ પ્રદેશને ઉત્તરપ્રદેશમાંથી અલગ કરવો, એટલે યોગીના આધિપત્યનું વિભાજન કરવું. દરમિયાન યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન મોદી વચ્ચે બેઠક યોજાય એવી શક્યતા છે. રાજકીય અને સનદી સૂત્રોના કહ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ. કે. શર્માને ઠાઠમાઠવાળી સરકારી નોકરી મુકાવીને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો.

ભાજપમાં પ્રવેશ કરાવ્યા પછી સીધા તેમને યુ.પી.ની વિધાન પરિષદના સભ્ય(એમ.એલ.સી. ) બનાવ્યા હતા, જેનો હેતુ યુપીની વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંતે આવે એ પહેલાં યુપીનું વિભાજન કરીને પૂર્વ યુપીને પૂર્વાંચલ બનાવવાનો છે.

વિવાદએ છે કેયુપીનો પૂર્વ વિસ્તારે, જે પૂર્વાંચલ વિસ્તારમાં આવે છે, એમાં યોગી આદિત્યનાથના મત વિસ્તારમાં ગોરખપુર આવે છે, જ્યાંથી 1998થી2017 સુધી યોગી સાંસદ હતા. આ વિસ્તાર યોગીના વિશેષ પ્રભુત્વવાળો ગણાય છે. આ વિસ્તાર પૂર્વાંચલમાં જાય છે, એટલે ઉત્તરપ્રદેશથી અલગ થઇ જાય છે. ઉત્તરપ્રદેશથી અલગ થઇ જાય એટલે પૂર્વાંચલ એક નવું રાજ્ય થાય અને જેણે તેની ઓળખ ઊભી કરવાની થાય. આવા સંજોગોમાં યોગીનું રાજકીય રીતે કદ ઘટે, જેને કારણે યોગી અને ભાજપ મોવડીમંડળ વચ્ચે ગજગ્રાહ ઉત્પન્ન થયો છે. આ જ બાબત વિવાદનું કારણ હોવાથી યોગી તેમના મોવડીમંડળને મળી રહ્યા છે. તેઓ મંગળવારે પણ ભાજપના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓને મળ્યા હતા.

Scroll to Top