‘હિંમત હશે અને પ્રયત્ન કરશો તો નસીબ હંમેશા તમારો સાથ આપશે’. આ શબ્દો માત્ર 23 જ વર્ષની ઉંમરમાં પ્રથમ જ પ્રયાસમાં UPSC અને GPSC ક્લિઅર કરનારા સફીન હસનના છે. સફીન હસન ગુજરાતના યંગેસ્ટ IPS અધિકારી છે. અનેક પડકારોનો સામનો કરીને આટલી મોટી ઉપલબ્ધિ નાની ઉંમરમાં મેળવનાર સફીનના સંઘર્ષ અને મહેનતની કહાની દરેક વિદ્યાર્થી માટે પ્રેરણારુપ છે.
UPSC-GPSC બન્નેમાં ઉતીર્ણ
બનાસકાંઠાના કાણોદર ગામના સફીને ગુજરાતી માધ્યમમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી સુરતની એક કોલેજમાં બી.ટેકનો અભ્યાસ કર્યો. UPSCમાં સફીનનો મુખ્ય વિષય ગુજરાતી સાહિત્ય હતો. 22 વર્ષની ઉંમરમાં સફીને UPSC અને GPSC ક્લાસ વનની પરીક્ષા ક્લિઅર કરી લીધી હતી. ડિસેમ્બર મહિનાથી હૈદરાબાદ ખાતે સફીનની IPSની ટ્રેનિંગ શરુ થઈ જશે, પરંતુ રેન્ક ઈમ્પ્રુવ કરવા માટે તે ફરી એકવાર IASની પરીક્ષા આપશે.
કઈ રીતે આવ્યો વિચાર?
સફીન જણાવે છે કે, ‘જ્યારે હું પ્રાઈમરી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે મેં એકવાર ઓફિસર્સને જોયા હતા. તેમનો રુતબો અને સ્ટાઈલ જોઈને હું ઘણો ઈમ્પ્રેસ થઈ ગયો હતો. ત્યારથી જ દિમાગમાં હતું કે આ જ ફીલ્ડમાં જવુ છે, અને જેમ જેમ આ વિષે વધારે જાણતો ગયો તેમ સમજાયું કે આ પોસ્ટ શું છે? તેનું કેટલુ મહત્વ છે? અને તેનાથી કેટલા બધા લોકોને અસર થઈ શકે છે. પછી નક્કી જ કરી લીધું કે UPSC જ કરવું છે, અને આખરે પરીક્ષા ક્લિઅર કરી નાખી.’
આ રીતે કરી પરીક્ષાની તૈયારી
સફીન UPSCની તૈયારી કરવા માટે દિલ્હી ગયા હતા. પોતાના રુટિન વિષે વાત કરતાં સફીન જણાવે છે કે, ‘જ્યારે હું દિલ્હીમાં હતો ત્યારે દિવસના 14-15 કલાક વાંચતો હતો. દિલ્હી જતા પહેલા મેં એક પ્લાન તૈયાર કરી રાખ્યો હતો કે મારે કઈ રીતે તૈયારી કરવાની છે. કોલેજ દરમિયાન જ મેં રિસર્ચ કરવાની શરુઆત કરી હતી. મેં દિલ્હીમાં એક વર્ષ પરીક્ષાની તૈયારી કરી.’
કોચિંગ ક્લાસ જરુરી છે?
જે વિદ્યાર્થીઓ દિલ્હી કોચિંગ માટે નથી જઈ શકતા અથવા તો પોતાના શહેરમાં પણ કોચિંગ નથી મેળવી શકતા તેમના માટે સફીન જણાવે છે કે, અત્યારે સૌથી મોટું હથિયાર છે ઈન્ટરનેટ. ગુજરાતમાં પણ અનેક એવી સંસ્થાઓ છે જ્યાં સ્ટડી મટીરીયલ ઉપલબ્ધ હોય છે. ક્લાસિસથી તમને માત્ર ગાઈડન્સ મળે છે. જો તમને કોઈ અન્ય વ્યક્તિ ગાઈડ કરે તો તમારે કોચિંગ ક્લાસ જોઈન કરવાની કોઈ જરુર નથી.
સોશિયલ મીડિયાનો ઉપયોગ
ઘણાં વિદ્યાર્થીઓ એવા હોય છે જે આવી મહત્વની પરીક્ષાની તૈયારી દરમિયાન સોશિયલ મીડિયાથી દૂર રહેતા હોય છે. પરંતુ સફીન તૈયારી દરમિયાન પણ વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા. સફીનનું કહેવું છે કે, સોશિયલ મીડિયાનો સંયમપૂર્વક ઉપયોગ કઈ રીતે કરવો તે ખાસ જરુરી છે. આજના સમયમાં જો તમે ટેક્નોલોજીનો ઉપયોગ નહીં કરો તો તમે બધાથી પાછળ રહી જશો.
ઈન્ટર્વ્યુનો અનુભવ
ઈન્ટર્વ્યુમાં સફીનનો ભારતમાં બીજો રેન્ક છે. સફીન પોતાના ઈન્ટર્વ્યુના અનુભવ વિષે જણાવે છે કે, મારા માટે ઈન્ટર્વ્યુ સૌથી મજાનો પાર્ટ હતો. કારણકે તેના માટે તમારે કોઈ તૈયારી નથી કરવાની હોતી. ઈન્ટર્વ્યુ એક પર્સનાલીટી ટેસ્ટ હોય છે અને પર્સનાલીટી એક બે મહિનાના વાંચનથી નથી બનતી. મારી સ્ટુડન્ટ્સને એ જ સલાહ છે કે જ્યારથી તમે લેખિત પરીક્ષાની તૈયારી શરુ કરો ત્યારથી જ તમારા ઈન્ટર્વ્યુની તૈયારી પણ શરુ થઈ જતી હોય છે. જો તમે ઓફિસર બનવા માંગો છો તો તમારી પર્સનાલિટી અને એટિટ્યુડ પણ એક ઓફિસરનો હોવો જોઈએ.
કંઈક આવા હતા સવાલ
અત્યારના સમયમાં મદ્રસા સિસ્ટમની જરુરિયાત કેટલી છે? ભારતમાં ઈસ્લામ ધર્મમાં કાસ્ટ સિસ્ટમ કેમ છે? ફતવાનું શું મહત્વ છે? બનારસ હિન્દુ યુનિવર્સિટી અને અલીગઢ મુસ્લિમ યૂનિવર્સિટી જેવી સંસ્થાઓના નામ આ પ્રકારના હોવા જોઈએ કે નહીં? આ પ્રકારના સવાલો સફીનને ઈન્ટર્વ્યુમાં પુછવામાં આવ્યા હતા. સફીન જણાવે છે કે, પેનલ આવા પ્રશ્નો પુછીને જાણવા માંગતી હતી કે જ્યારે મને કોઈ વિસ્તારનો ઈન-ચાર્જ બનાવવામાં આવશે તો હું દરેક સમુદાયના લોકો સાથે સરખો વ્યવહાર રાખીશ કે પછી ભેદભાવ કરીશ. પરંતુ તે લોકો મારા જવાબોથી સંતુષ્ટ હતા અને આખા ભારતમાં ઈન્ટર્વ્યુમાં મારા સેકન્ડ હાઈએસ્ટ માર્ક્સ છે.
પરીક્ષા પહેલા અકસ્માત
પરીક્ષા આપવા જતી વખતે સફીનને રસ્તામાં અકસ્માત નડ્યો હતો અને તેમને ઈજા થઈ હતી. સફીન તે અનુભવ વિષે જણાવે છે કે, મને થયુ હતું કે જો હું પેપર નહીં લખુ તો મારી મહેનત વ્યર્થ જશે. મારા પગમાં અને હાથમાં ઈજા થઈ હતી, પરંતુ મારો જમણો હાથ સેફ હતો. માટે હું ઉભો થયો અને જઈને પરીક્ષા આપી. પરીક્ષા આપ્યા પછી હું દવાખાને ગયો. સફીન જણાવે છે કે, અલગ અલગ ફીલ્ડમાં અલગ અલગ લોકો મારા રોલમોડલ છે. પરંતુ જો ઓફિસર્સની વાત કરવામાં આવે તો IPS ઓફિસર હસમુખ પટેલ મારા રોલમોડલ છે. હું એવુ માનુ છુ કે દરેક વ્યક્તિની સારી વાત શીખી લેવાની પણ સૂઝબૂઝ પોતાની હોવી જોઈએ.
માતા-પિતાનું યોગદાન
સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરવી મહેનત અને પેશન્સ માંગે છે. સફીન કહે છે કે, ‘વાંચવાનો શોખ મને પહેલાથી હતો માટે મને તૈયારી કરતી વખતે કંટાળો ઘણો ઓછો આવતો હતો. પરંતુ જ્યારે કંટાળો આવતો ત્યારે હું બજારમાં આંટો મારી આવતો, જે જરુરી વસ્તુ ખરીદવાની હોય તે ખરીદવા જતો, ગાર્ડનમાં વૉક પર જતો, મ્યુઝિક સાંભળતો.’ પોતાના માતા-પિતાના સંઘર્ષ વિષે વાત કરતા સફીન જણાવે છે કે, મારા માતા-પિતાનો હવો ગોલ્ડન પિરિયડ શરુ થયો છે. તેમણે મને ક્યારેય કોઈ એડવાઈસ આપી નથી. એ લોકો એવુ જીવ્યા છે કે તેમના જીવન પરથી જ હું શીખ્યો છું. પ્રામાણિકતાની શું વેલ્યુ છે તે હું મમ્મી પાસેથી શીખ્યો છુ અને બીજાની સેવા કરવી એ હું પપ્પા પાસેથી શીખ્યો છુ. પોતાની જાત સાથે પ્રામાણિક રહેવાનું મહત્વ મમ્મીએ શીખવાડ્યું છે.
પોલીસ પ્રત્યેનો ડર
સફીન જણાવે છે કે, ‘ઘણી વાર એવા પ્રશ્નો થતા કે ઘરમાં સેવિંગ નથી તો હવે બાળકોને ભણાવીશુ કઈ રીતે? ત્યારે મારા પપ્પા કહેતા કે આપણે પ્રામાણિકતાથી કમાઈએ છીએ માટે આપણું કોઈ કામ અટકશે નહીં.’ સફીન જણાવે છે કે જો તેને પોસ્ટિગં બાબતે ઓપ્શન આપવામાં આવે તો તે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કામ કરવા માંગે છે. સફીન જણાવે છે કે સૌથી પહેલા તે પોલીસ અને નાગરિકો વચ્ચેનો જે ગેપ છે તે દૂર કરવા માંગે છે. ભારતમાં લોકો પોલીસને જોઈને સુરક્ષિત અનુભવવાને બદલે તેમનાથી ડરે છે અને સફીન આ ડર દૂર કરવા માંગે છે.
સ્ટુડન્ટ્સને આપી સલાહ
UPSC-GPSC બાબતે વિદ્યાર્થીઓના મનમાં ઉભા થતા અમુક સવાલો વિષે સફીન જણાવે છે કે, ઘણાં સ્ટુડન્ટ્સ માને છે કે ગણિત કે અંગ્રેજી ન આવડતું હોય તો પરીક્ષા ક્લિઅર ન કરી શકાય, ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય તો તકલીફ પડે, પરંતુ આ ખોટી વાતો છે. હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છુ અને લેખિત પરીક્ષા મેં ગુજરાતીમાં જ આપી છે. જ્યારે ઈન્ટર્વ્યુ મેં ઈંગ્લિશમાં આપ્યુ હતુ.
જો તમારામાં ટેલેન્ટ હોય અને તમે હાર્ડ વર્ક કરવા તૈયાર હોવ તો તમે કોઈ પણ પોસ્ટ પર પહોંચી શકો છો. જો તમે મહેનત કરશો તો કોઈ પણ સફીન હસન IAS પણ બની શકે છે અને IPS પણ બની શકે છે. એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે જ્યારે તમે ઘરની ચાર દિવાલની બહાર નીકળો છો, ત્યારે તમે ભારતીય પહેલા છો, પછી તમારો ધર્મ અને જાતિ કે કંઈ પણ આવે છે. જો આ મેન્ટાલિટી હશે તો દરેક જગ્યાએ તમારા માટે સ્કોપ છે.