ગાંધીનગરઃ રાજ્યમાં ધામધૂમ પૂર્વક ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગણેશ વિસર્જન દરમિયાન એક કમનસીબ ઘટના બની છે. ચાંદલોડિયાના 10 જેટલા યુવાનો કરાઈ કેનાલમાં ગણેશ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી ગયા હતા.
જે બાદ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચીને બચાવ અભિયાન શરૂ કર્યું હતું. ફાયરની ટીમે 7 જેટલા યુવાનોને રેસ્ક્યુ મિશનમાં બચાવ્યા. જ્યારે 1 યુવાનની લાશ મળી આવી હતી. હાલમાં બે જેટલા યુવાનો ગુમ છે.
જાણકારી મુજબ સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન માટે મનાઈ કરવામાં આવેલી હોય ચાંદલોડીયા વિસ્તારમાં આવેલી સોસાયટીના યુવકો રહીશો અને પરિવારજનો કરાઈ કેનાલ ગયા હતા. જેમાં ગણેશ વિસર્જન દરમિયાન 10 જેટલા યુવકો પાણીમાં ડૂબી ગયા હતા.
7 યુવાનોનું રેસ્ક્યુ કરાયું જ્યારે 1 યુવાનની લાશ ફાયરની ટીમને મળી હતી. મૃતક યુવકનું નામ આકાશ ગૌતમ જણાવાઈ રહ્યું છે, જે ચાંદલોડિયાની અર્બુદાનગરમાં રહેતો હતો. હાલમાં જ બે જેટલા યુવાનો ગુમ જણાવાઈ રહ્યા છે. જેમની શોધખોળ ફાયરની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.