પપ્પા આ ગામમાં તો લોકો ગરીબ છે દીકરીના આ શબ્દોથી બાપે 10 કરોડનું દાન કર્યું

અમરેલી,લીલીયા: અમરેલી પંથકની આમ તો પછાત વિસ્તારમા ગણના થાય છે પરંતુ આ વિસ્તારના વતનીઓ અને સુરત, અમદાવાદ, મુંબઇ જેવા શહેરોમા સ્થાયી થયેલા દાતાઓ વતનનુ ઋણ ચુકવવાનુ ભુલતા નથી. ધંધા ઉદ્યોગમા સફળ થયા બાદ કમાયેલા નાણાનો એક હિસ્સો વતનમા જુદીજુદી સેવાઓ ઉભી કરવા માટે અચુક વાપરે છે. લાઠી તાલુકાના ભીંગરાડ ગામે બી.માણેક એક્ષપોર્ટના માણેકભાઇ લાઠીયાએ ગામમા આવી જ સુવિધાઓ ઉભી કરવા માટે રૂપિયા દસેક કરોડના ખર્ચે વિવિધ કામો શરૂ કરાવ્યા છે.

30 વર્ષથી વતનમા આવ્યા ન હતા

લાઠીનુ ભીંગરાડ ગામ આમ તો પછાત અને અસુવિધાવાળુ છે. મોટાભાગના લોકો ગરીબ અને મધ્યમવર્ગના છે. પરંતુ અહીથી સુરતમા ધંધામા સ્થાયી થયેલા અનેક લોકોએ સફળતા મેળવી છે. માણેક એક્ષપોર્ટના માલિક માણેકભાઇ લાઠીયા પણ તેમાના એક છે. છેલ્લા 50 વર્ષથી તેઓ સુરતમા સ્થાયી છે અને હિરાના ધંધામા આગળ પડતુ નામ છે. નામ અને દામ જરૂર કમાયા પરંતુ 30 વર્ષથી વતનમા આવ્યા ન હતા. આખરે 30 વર્ષે વતનમા આવ્યા બાદ માતૃભુમિનુ ઋણ ચુકવવા કંઇક કરવાનો સંકલ્પ કર્યો.

પોતાના સંતાનોને પણ વતન બતાવવા માટે પ્રથમવાર ભીંગરાડ બોલાવ્યા. ત્યારે તેમની પુત્રીએ કહ્યું હતુ ‘પપ્પા અહી લોકો ગરીબ છે, સુવિધાઓ નથી, કંઇક કરો’. અને ત્યારથી તેમણે ગામમા તમામ સુવિધાઓ ઉભી કરવાનો સંકલ્પ કર્યો. હાલમા અહી હોસ્પિટલ, શાળા બિલ્ડીંગ, જાહેર શૌચાલય, એમ્બ્યુલન્સ, આરસીસી રોડ, જળ સંગ્રહથી લઇ સોલાર લાઇટ અને પ્રવેશદ્રાર જેવા કામો શરૂ કરાયા છે. તેમણે જણાવ્યું હતુ કે દસેક કરોડના ખર્ચે આગામી દોઢથી બે વર્ષમા કામો પુર્ણ કરવાની ધારણા છે. મોટાભાગના કામો અડધાથી વધુ થઇ ગયા છે.

40 વિઘામાં 22 ફુટ ઉંડુ તળાવ

ગામમા જળ સંગ્રહના કામો પણ હાથ ધરવામા આવ્યા છે. અહી તળાવ ઉંડુ ઉતારવાનુ કામ શરૂ કરાયુ છે. 40 વિઘામા પથરાયેલુ આ તળાવ 22 ફુટ ઉંડુ ઉતારાશે અને તળાવની પાળે લોકો બેસી શકે તેવી રમણીય સુવિધા ઉભી કરાશે.

કામની શરૂઆત દલિત વિસ્તારથી

તેમણે જણાવ્યું હતુ કે અહી વિકાસ કામોની શરૂઆત દલિતવાસથી શરૂ કરાઇ છે અને સૌપ્રથમ કામ આંબેડકર ભવન બનાવવાનુ શરૂ કરાયુ છે.

ગામ લોકોની કમિટી બનાવાઇ

માણેકભાઇ લાઠીયાએ જણાવ્યું હતુ કે આ દરેક કામો માટે 125 જેટલા લોકોની કમિટી બનાવાઇ છે. ગામના દરેક જ્ઞાતિના લોકોને તેમા સમાવી બનાવાયેલી કમિટી દરેક કામની દેખરેખ રાખે છે.

240 સોલાર લાઇટ ઉભી કરાશે

ભીંગરાડ ગામને સોલાર લાઇટથી ઝળહળતુ કરવા માટેનુ પણ આયોજન હાથ ધરાયુ છે. હાલમા ગામમા 240 સોલાર લાઇટ ઉભી કરવાનુ કામ શરૂ કરી દેવાયુ છે. ગામમા એક ભોજનાલય પણ ઉભુ કરાયુ છે જયાં જરૂરિયાતમંદોને ભોજન મળશે.

કયા કયા કામો હાથ ધરાયા ?

હોસ્પિટલ, જાહેર શૌચાલય, એમ્યુલન્સ, શાળા બિલ્ડીંગ, જળ સંગ્રહ, રમત ગમતનુ સ્ટેડીયમ, આંબેડકર ભવન, બગીચો, બાળક્રિડાંગણ, ચબુતરો, સ્મશાન છાપરી, પ્રવેશદ્રાર વગેરે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top