જ્યોતિષ શાસ્ત્ર મુજબ 11 વર્ષ પછી ગુરુના ધન રાશિમાં ગોચરથી હંસ યોગ બને છે. ધન અને મીન રાશિના સ્વામી ગુરુ પુનર્વસુ, વિશાખા અને પૂર્વાભાદ્રપદ નક્ષત્રના સ્વામી છે. જે જાતકોની જન્મ કુંડળીમાં ગુરુ ધન રાશિમાં થઈને કેન્દ્ર કે ત્રિકોણમાં હશે તેમને ગુરુનું ધન રાશિમાં ગોચર ઉત્તમ ફળ આપશે. 100 વર્ષમાં ગુરુ લગભગ આઠ વાર ધન રાશિની પરિક્રમા કરે છે. વૈદિક જ્યોતિષમાં ગુરુને સર્વાધિક શુભ ફળ આપનાર માનવામાં આવે છે. જાણો ગુરુના ધન રાશિમાં આગમનથી તમારી રાશિ પર કેવી અસર પડશે.
મેષ.
તમારા ભાગ્ય ભાવમાં ગુરુનું આગમન કોઈ વરદાનથી કમ નથી. ભાગ્ય વૃદ્ધિ, વિદેશ યાત્રાના યોગ, તીર્થ યાત્રા અને દેશાટનનો આનંદ મળશે. તેની અમૃત દૃષ્ટિ તમારા શરીર, શિક્ષા અને જ્ઞાન પર પડી રહી છે. તેનાથી સ્વાસ્થ્ય સારુ રહેશે. શિક્ષા અને કોમ્પિટિશનમાં તે સફળતા અપાવશે. સંતાનની ઈચ્છા પણ પૂરી થશે. પરાક્રમ પર પડનારી ગુરુની મારક દૃષ્ટિથી તમારામાં આળસ વધી શકે છે. તેનાથી બચીને રહેવું.
વૃષભ.
તમારા આઠમા ભાવમાં ગુરુનું આગમન સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. માન સન્માનની દૃષ્ટિએ આ ગાળો તમારા માટે ઉત્તમ રહેશે. ગુરુની દૃષ્ટિ વ્યય ભાવ પર પડી રહી છે. તેનાથી ખર્ચમાં વધારો થઈ શકે છે. ધન ભાવ પર દૃષ્ટિ પડવાથી અટકેલુ ધન મળી જશે. અચલ સંપત્તિ પર ખર્ચ થઈ શકે છે. સુખ ભાવ પર ગુરુની અમૃત દૃષ્ટિથી વાહન કે મકાનની ખરીદી થઈ શકે છે.
મિથુન.
મિથુન રાશિ માટે સાતમા ભાવમાં ગુરુનો હંસ યોગ વરદાન સ્વરૂપ છે. લગ્ન-વિવાહ સંબંધી વાત ચાલતી હશે તો સફળતા મળશે. વેપારમાં ઉન્નતી અને નોકરીમાં પ્રમોશનના ચાન્સ છે. સરકારી નોકરી માટે અરજી કરવા માંગતા હોવ તો આ ગાળો શુભ છે. લાભ ઊઠાવો. સ્વાસ્થ્ય સારુ રહેશે. સમજી વિચારીને લીધેલા પગલા ફાયદો કરાવશે.
કર્ક.
કર્ક રાશિ માટે શત્રુ ભાવમાં ગુરુનું આગમન મિશ્ર ફળ આપશે. સ્વાસ્થ્ય સારુ રહેશે. દેવામાંથી મુક્તિ મળશે. ગુપ્ત શત્રુ વધી શકે છે. કામના ક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવી રાખવા. અમૃત દૃષ્ટિ કર્મ ભાવ પર છે. આથી નોકરીમાં પ્રમોશનના યોગ છે. ધન ભાવ પર દૃષ્ટિને કારણે પરિવારમાં ખુશખુશાલ માહોલ રહેશે.
સિંહ.
મૂળ ત્રિકોણમાં બૃહસ્પતિના આગમનથી તમને જબરદસ્ત લાભ થઈ શકે છે. મોટી ચિંતાઓ અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં ઘટાડો થશે. શિક્ષા ક્ષેત્રે અભૂતપૂર્વ સફળતા મળશે. કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે સારો મોકો છે. ભાગ્ય ભાવ પર અમૃત દૃષ્ટિ ભાગ્ય વૃદ્ધિ અને વિદેશ યાત્રાના યોગ બનાવશે. તીર્થ યાત્રાનો આનંદ માણી શકશો. સ્વાસ્થ્ય માટે પણ આ સમય અનુકૂળ છે.
કન્યા.
ગુરુના ચોથા ભાવમાં આગમનથી મકાન, વાહનની ખરીદીનો યોગ બનશે, સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ગુરુની આયુષ્યભાવ પર દૃષ્ટિથી સ્વાસ્થ્ય સારુ રહેશે. કર્મભાવ પર દૃષ્ટિથી કામના ક્ષેત્રે ઉન્નતિ થશે. પોતાની ઉર્જા શક્તિનો ભરપૂર ઉપયોગ કરનારા લોકો સફળતાના શિખરે પહોંચશે.
તુલા.
પરાક્રમ ભાવમાં ગુરુનું આગમન અને ભાગ્ય ભાવ પર તેમની મારક દૃષ્ટિને કારણે કામમાં અડચણ આવે. ધીરે ધીરે સફળતા મળે. નોકરીમાં પ્રમોશનના યોગ છે પરંતુ થોડો વિલંબ થશે. વેપારની દૃષ્ટિએ સમય ઉત્તમ છે. દાંપત્ય જીવનમાં મધુરતા, લગ્ન વિવાહના યોગ છે. આવકમાં અમૃત દૃષ્ટિ લાભના દરવાજા ખોલી આપશે.
વૃશ્ચિક.
ગુરુ તમારી રાશિના ધન ભાવમાં આવી રહ્યો છે. આનાથી આકસ્મિક ધન પ્રાપ્તિના યોગ તો બનશે જ પણ સાથે સાથે તમે કોઈ મોંઘી ચીજ પણ ખરીદશો. શત્રુ ભાવ, આયુષ્ય ભાવ પર દૃષ્ટિ સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. કર્મ ભાવ પર અમૃત દૃષ્ટિથી કામનો વિસ્તાર થશે. આવકના સ્રોતોમાં વૃદ્ધિ થશે. ગયેલુ ધન પાછુ આવવાના પણ સંકેત મળી રહ્યા છે.
ધન.
ગુરુનું પોતાની જ રાશિ ધનમાં આગમન તમારા માટે ખૂબ જ શુભ પુરવાર થશે. કામના ક્ષેત્રનો વિસ્તાર થશે, અધિકારમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાન સંબંધી ચિંતામાંથી મુક્તિ મળશે. શિક્ષામાં લાભ, વિવાહના યોગ તથા ભાગ્ય વૃદ્ધિની દૃષ્ટિએ આ યોગ ઉત્તમ છે. દેશાટનનો આનંદ માણી શકશો. માંગલિક કાર્યો થશે.
મકર.
તમારા વ્યય સ્થાનમાં ગુરુનું આગમન મિશ્ર ફળ આપશે. એક સમયે તમે વધુ ખર્ચથી ચિંતામાં રહેશો. બીજી બાજુ સામાજિક કામ કરીને યશ પણ મેળવશો. ગુરુના વ્યય ભાવમાં સ્વગ્રહી થવાથી આવનારી મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકશો. તમારે સંયમ રાખવાની જરૂર છે. ચોથા ભાવ પર અમૃત દૃષ્ટિથી મકાન, વાહનની ખરીદીનો યોગ બનશે, માનસિક સુખ મળશે.
કુંભ.
તમારા લાભ ભાવમાં ગુરુનું આગમન અનેક દૃષ્ટિએ ઉત્તમ રહેશે. એક વાતનું ધ્યાન રાખો, ઈમાનદારીથી કમાયેલું ધન નહિ હોય તો એ ધન બેગણું થઈને પાછુ જતુ રહેશે. નેક નિયતનું ખાસ ધ્યાન રાખવું. વિદ્યાર્થી વર્ગ માટે ગુરુની પાંચમા ભાવ પર દૃષ્ટિ ફળશે પરંતુ આળસથી બચવું. સાતમા ભાવે ગુરુની અમૃત દૃષ્ટિથી દાંપત્ય જીવનમાં મધુરતા અને વેપાર ધંધામાં ઉન્નતિ થશે.
મીન.
કર્મ ભાવમાં ગુરુનું આગમન ખૂબ જ ફળદાયી યોગ બનાવશે. તેને કારણે વેપારમાં ઉન્નતિના માર્ગ ખૂલશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ મધુર બનશ. ધન ભાવ પર ગુરુની અમૃત દૃષ્ટિથી આર્થિક તંગી દૂર થશે પણ મોંઘી ચીજની ખરીદી થઈ શકે છે. ચોથા ભાવે ગુરુની મારક દૃષ્ટિથી માનસિક ચિંતામાં વધારો થઈ શકે છે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ગુપ્ત શત્રુઓથી બચવું.