જૂનાગઢ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, શિવભકતો ભગવાન ભોળાનાથને રિઝવવા અભિષેક કરી રહ્યા છે. ખાસ કરીને લોકો રોજ ભગવાન શિવને દુધ ચઢાવે છે ત્યારે દુધનો સદઉપયોગ થાય અને જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચે તેવા પ્રયાસથી જૂનાગઢનાં 66 વર્ષનાં વૃદ્ધે ઓન્લી ઇન્ડિયને મિલ્ક બેંક શરૂ કરી છે. તેઓ શિવમંદિરોમાંથી દૂધ લઈને સાઈકલથી જૂનાગઢમાં ફરીને ગરીબોને પીવડાવી રહ્યા છે
ત્રણ મંદિરેથી 11 થી 15 લિટર દુધ એકત્ર થાય છે
ઓન્લી ઇન્ડિયન જૂનાગઢનાં રામેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે દુધનાં કેન મુક્યા છે અને મંદિરની બહાર બોર્ડ માર્યું છે જેમાં ભગવાન શિવને શુકન અને શ્રદ્ધારૂપી થોડુ દુધ ચઢાવી અને બાકીનું દુધ કેનમાં એકત્રિત કરવા વિનંતી કરાઇ છે. આ અંગે ઓન્લી ઇન્ડિયને કહ્યું હતું કે, ત્રણ મંદિરેથી 11 થી 15 લિટર દુધ એકત્ર થાય છે.
આ દુધને ગરમ કરી તેમાં ખાંડ નાંખવામાં આવે છે. બાદ સાઇકલ પર બે કિલોમીટર ફરી જરૂરીયાતમંદ બાળકો, વૃદ્ઘો, સગર્ભાને વિતરણ કરૂ છું. રસ્તે જતા લોકોને પણ દુધ આપુ છું. રોજનાં 60 જેટલા લોકોને દુધ પીવડાવું છું. છેલ્લા 6 વર્ષથી આ પ્રકારે મિલ્ક બેંક ચલાવુ છું.
સોમવારે 45 લિટર દુધ એકત્ર થાય છે
ઓન્લી ઇન્ડિયને કહ્યુ હતું કે, સામાન્ય દિવસ કરતા શ્રાવણનાં સોમવારે 45 લિટર દુધ એકત્ર થાય છે. હાલ ત્રણ મંદિર છે હજુ એક મંદિરનો વધારો થશે. આ દુધ 11 વાગ્યા સુધી જ સ્વીકારવામાં આવે છે અને હું દરદીલ એન્જીઓ પર ચલાવું છું. હું મારૂ નામ જાહેર કરતો નથી માત્ર ઓન્લી ઇન્ડિયન તરીકે જ ઓળખાવું છું.
મંદિરનાં ટ્રસ્ટને લેખિતમાં ખાતરી આપી પછી દૂધ આપ્યું
જૂનાગઢનાં એક પોશ વિસ્તારમાં આવેલા શિવ મંદિરે દુધનું કેન રાખવાની ના પાડી હતી. મંદિરનાં ટ્રસ્ટીએ કહ્યું કે, તમારે અહીં આવવાથી લોકોની શ્રદ્ધા તૂટે છે તેમજ દુધનાં કારણે તમે જે લોકોને દુધ આપો તેને ફૂડપોઇઝનીંગ થાય તો અમારી જવાબદારી બને. ત્યારે મેં મારા લેટરપેટ પર તમામ જવાબદારી સ્વીકારી ત્યારે મને દુધનું કેન મુકવાની મંજુરી આપી હતી