અમદાવાદ: વૈષ્ણોદેવી પાસે આવેલા ગ્રીનવુડ લેક રિસોર્ટમાં હાર્દિક પટેલના ઉપવાસને લઇને આખા શહેરને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયું હતું. પોલીસે ઉપવાસના સ્થળે ભારે વાહન ચેક કરી લોકોનાં નામ, મોબાઈલ નંબર તથા વાહન નંબર નોંધી તેમને અંદર જવા દેવાયા હતા. સવારથી લઈને સાંજ સુધીમાં ૨૨૫ જેટલાં વાહનોનું રજિસ્ટ્રેશન કરાયું હતું. આ ઉપરાંત દિવસ દરમિયાન પોલીસે અમદાવાદમાંથી 12 સહિત રાજ્યભરમાંથી 251 લોકોની અટકાયત કરી છે.
અમદાવાદના 12 પાટીદાર કાર્યકરોની અટકાયત કરાઈ
ગ્રીનવુડ રિસોર્ટમાં હાર્દિકને સમર્થન આપવા આવનારા લોકોને અંદર પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા. જ્યારે સવારે વોક પર નીકળેલા તેમજ સ્થાનિકોને પણ પોતાના નામ મોબાઈલ નંબર તથા વાહન નંબર સાથે જ અંદર પ્રવેશ કરવા દેવાયો હતો. વાહન ચેકિંગમાં સવારથી લઈને સાંજ સુધી ૨૨૫ વાહનનું ચેકિંગ કરાયું હતું, જ્યારે હાર્દિકને સમર્થન આપવા આવેલા કોંગ્રેસના એમએલએ સાથે આવેલા કાર્યકરોની પણ અટકાયત કરાઈ હતી
. પૂર્વ ગૃહમંત્રી રજની પટેલના ભાઈનું પણ અહીં ઘર હોવા છતાં અટકાવવામાં આવ્યા હતા. એ બાદ તેમનું નામ લખી ને તેમને પ્રવેશ અપાયો હતો. ઉપરાંત દરેક લોકોની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી. રિસોર્ટમાં ફાર્મ હાઉસ હોવાથી પશુઓ પણ છે. જેથી કેટલાક પાટીદારોએ વેટરનરી તબીબના બહાને રિસોર્ટમા પ્રવેશ કર્યો હતો.
ગ્રીનવુડની બહાર અમદાવાદ શહેર અને જિલ્લાની પોલીસ સવારથી જ ખડેપગે
ગ્રીનવુડ લેક રિસોર્ટ બહાર અમદાવાદ સેક્ટર 1ના જેસીપી અમિતકુમાર વિશ્વકર્મા, અમદાવાદ જિલ્લા ડીએસપી આર.વી. અસારી, અમદાવાદના ઝોન1 અને ઝોન 7 એમ બે ડીસીપી,1 એસીપી, 5 પીઆઇ, 10થી વધુ પીએસઆઇ મળી 60 જેટલા પોલીસ કર્મીએ ખડે પગે પહેરો ભર્યો હતો.પાટીદારોના ગઢ ગણાતા ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, રાણીપ સહિતના વિસ્તારોમાં પણ સવારથી ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ લોકોએ હાર્દિકની મુલાકાત લીધી
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા, લલિત કગથરા, કિરીટ પટેલ, આશા પટેલ, બ્રિજેશ મેરજા અને અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ હાર્દિક સાથે મુલાકાત કરીને તેના ઉપવાસ આંદોલનને સમર્થન જાહેર કર્યું હતું. આ ઉપરાંત મુસ્લિમ સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, આપના આગેવાનો અને પાટીદાર અગ્રણીઓએ હાર્દિકની મુલાકાત લીધી.
મોરબી-માળિયામાં 6 કાર્યકરની અટકાયત
મોરબી માળિયાનાં 6 પાસ કાર્યકરો ની અટક કરવામાં આવી હતી. મોરબીમાં ઉમિયા સર્કલ,નવા બસ સ્ટેન્ડ, રવાપર રોડ બાયપાસ વિસ્તાર વગેરે સ્થળે પોલીસનૉ ખડકલો કરી દેવાયો હતો તેમજ પીસીઆર વેન દ્વારા રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ કર્યું હતું.પોલીસે મોરબીમાં પાસ કાર્યકર નિલેશ એરવાડિયા, મનોજ કાલરીયા,અમિત બોપલીયા અને માળિયાના મહેશ ધીરજલાલ ધોરજીયા, મનસુખ નટવર ભાઈ પટેલ અને રાહુલ પ્રાણજીવન કલરીયાની અટકાયત કરી હતી.અટકાયતને પગલે એખ પાસ કન્વીનરે પોલીસ સ્ટેશનમાં ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું.
ઉત્તર ગુજરાતમાં 104 પાટીદારની અટકાયત
ઉત્તર ગુજરાતમાં શનિવારે વહેલી સવારથી જ એસઆરપી, બોર્ડરવિંગ અને પોલીસ સહિતનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ઉપવાસમાં ભાગ લેવા જઇ રહેલા ઉત્તર ગુજરાતના 104 પાટીદારોને પોલીસે ડિટેઇન કર્યા હતા. જેમાં મહેસાણા અને પાટણ જિલ્લામાંથી 17-17, સાબરકાંઠામાંથી 51 અને બનાસકાંઠામાંથી 19 જણાનો સમાવેશ થાય છે. જેમને મોડી સાંજે મુક્ત કરાયા હતા. દરમિયાન કોંગ્રેસના ઊંઝાનાં ધારાસભ્ય ર્ડા. આશાબેન પટેલ અને પાટણના ર્ડા. કિરીટ પટેલ ઉપવાસ સ્થળે પહોંચી ગયા હતા. દિવસભર ઉચાટ વચ્ચે શાંતિપૂર્ણ માહોલ રહ્યો હતો.
મહેસાણાના 3 કાઉન્સીલર લીલાપુરથી ડીટેઇન
મોઢેરા રોડ પર રહેતા પાસ કન્વીનર સુરેશ પટેલ અને સતિષ પટેલને ઘરમાં નજરકેદ રાખ્યા હતા. ઉપવાસ સ્થળે જઇ રહેલા પાસ કન્વીનર નરેન્દ્ર પટેલનો મહેસાણા એલસીબીએ પીછો કરી વૈષ્ણોદેવી સર્કલ પાસેથી અટકાયત કરી હતી. તો બહુચરાજી પાસ કન્વીનર હર્ષદ પટેલ સહિત રાત્રે જ પહોંચી ગયા હતા. મહેસાણાના કોર્પોરેટર અમિત પટેલ, દિનેશ પટેલ, વિરમભાઇ પટેલ, બહુચરાજીના જી.એસ. પટેલ, દિલીપભાઇ પટેલ ખાનગી સ્થળે રોકાણ કરી શનિવારે સવારે કાર્યક્રમ સ્થળે જવા નીકળ્યા હતા, પરંતુ લીલાપુર ગામ પાસે અમદાવાદ રૂરલ પોલીસે ડીટેઇન કર્યા હતા.