ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના અંતિમ દિવસે ગુજરાતમાં બહુ ગાજેલા મગફળી કાંડમાં રાજકોટ અને જુનાગઢમાં ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. ગૃહમાં ઉનાના ધારાસભ્ય પૂંજા વશે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, 31,000 બોરીઓની 54, 255 મણ મગફળીમાં ભેળસેળ થઈ હોવાની કબૂલાત કરી છે. જૂનાગઢ અને રાજકોટમાં અંદાજે 22,89,000થી વધુની કિંમતની મગફળીમાં ભેળસેળ થઈ હોવાનો ખુલાસો થયો છે.
ઘોઘા-દહેજ રોરો ફેરી બન્યો ભારે ચર્ચાસ્પદ મુદ્દો
પ્રશ્નોત્તરી કાળમાં ઘોઘા-દહેજ રોરો ફેરી સુવિધાનો પ્રશ્ન ગૃહમાં ભારે ચર્ચાસ્પદ બન્યો હતો. વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ પૂછેલા પ્રશ્નના દરમિયાન ગૃહનું વાતાવરણ ઉગ્ર બનતું હતું. આ તબક્કે વિપક્ષના પ્રશ્નનો ઉત્તર આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસની સફળતા બાદ પીપાવાવ કચ્છ ભાવનગર અને જામનગરના લોકોની લાગણીને વાચા આપીશું. અને આવનાર દિવસોમાં મુંબઈ સુધી આ સર્વિસ પૂરી પાડવાનું લક્ષ્ય સિદ્ધ કરવા અમે સફળ રહીશું અને ગુજરાતને મળેલા સૌથી મોટા દરિયાકાંઠાનો સુંદર ઉપયોગ કરીશું.
કોંગ્રેસે રો-રો ફેરીના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો
સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પ્રશ્ન કર્યો હતો કે માર્ચ 2018 સુધીમાં ઘોઘા દહેજ દરિયાઈ માર્ગે જોડતી રો-રો ફેરી સુવિધાના કામો પુરા કરવાની આયોજન હતું તે વાત સાચી છે. અને 31 જુલાઈ 2018ની સ્થિતિ મુજબ આ સર્વિસ ચાલુ છે કે બંધ તેઓ પ્રશ્ન પૂછતા કેબિનેટ પ્રધાન સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે 31 જુલાઈની સ્થિતિએ આ સુવિધા બંધ હતી.
ચોમાસાના પ્રતિકૂળ હવામાન અને ડ્રેજીંગની કામગીરી તેમજ ઓપરેટર દ્વારા પેસેન્જર જહાજ બાદ રો રો જહાજ લાવવાની કામગીરીના વિલંબને કારણે ઘોઘા દહેજ રો રો ફેરી સર્વિસ શરૂ થઈ શકી નહીં હોવાનું સૌરભભાઈ પટેલ એગ્રો સમક્ષ સ્વીકાર્યુ હતું. તો બીજી તરફ કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ પણ રો-રો ફેરી સર્વિસના પ્રશ્ને સરકારને ઘેરવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ કેબિનેટ મંત્રી સૌરભભાઈ વિપક્ષના સભ્યોએ ઊભા કરેલા તમામ પ્રશ્નોનો ઊંડાણપૂર્વકનો જવાબ આપી પ્રશ્ન કાળ પૂરો કર્યો હતો.
ભાજપના તમામ ધારાસભ્યોને CM રૂપાણીની ચીમકી
આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા મંત્રીમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થવાને પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાજપના તમામ ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવાનો આદેશ આપતો વ્હીપ મોકલ્યો હતો, આ ઉપરાંત ભાજપના દ્વારા પણ ગઈકાલે(મંગળવાર) વિધાનસભામાં ગેરહાજર 22 ધારાસભ્યોને જાણ કરીને આજે ગૃહમાં ખાસ હાજરી આપવા આદેશ કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય રીતે ધારાસભ્યોને દંડક દ્વારા વ્હીપ આપવામાં આવે છે, પરંતુ ગઈકાલે દંડકની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સહી કરીને ધારાસભ્યોને વિધાનસભામાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે અને કહ્યું છે કે, ગૃહમાં હાજર રહેજો નહિં તો ગેરલાયક ઠરશો.
પસાર થશે છ વિધેયક
પ્રથમ દિવસની કાર્યવાહી મુલતવી રહ્યા બાદ આજે ફરી ગૃહની બેઠક મળી છે. જેને પગલે આજે વિધાનસભામાં છ જેટલા વિધેયક પસાર થઈ શકે છે. જેમાં 1- મંજૂરી વગર સ્કૂલ અને પ્રશ્નપત્ર લીક થવાના કેસમાં કડક સજા સાથેનું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ, 2-ચેન સ્નેચિંગના ગુનામાં સજા 10 વર્ષ કરવા અંગેનું વિધેયક,3- જીએસટીસુધારા વિધેયક, 4- માલિકી અધિનિયમ બિલ ( ફ્લેટના 75 ટકા માલિકો સહમત હોય તો રિડેવલપમેન્ટ મંજૂરી) 5- નગરપાલિકા સુધારા બિલ, 6-બાયોટેક્નોલોજી યુનિવર્સિટીની રચના માટેના વિધેયકનો સમાવેશ થાય છે.