અમદાવાદ: આખા દેશમાં વિવાદ જગાવનારી ફિલ્મ પદ્માવત ઈન્ટરનેટ પર લીક થઈ ગઈ છે. હજુ આજે જ રિલીઝ થયેલી આ ફિલ્મને ફેસબુક પર કેટલાક પેજ તેમજ એફબી પ્રોફાઈલ પર લાઈવ બતાવવામાં આવી રહી છે, અને તેના વીડિયો પણ ફેસબુક પર વાયરલ થઈ રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, આ ફિલ્મના વીડિયો તેમજ એફબી લાઈવને ગણતરીની મિનિટોમાં જ લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. જોકે, કેટલાક પેજ પર આ ફિલ્મ થોડીવારમાં જ હટાવી પણ લેવાઈ હતી.
ગુજરાત, રાજસ્થાન, એમપી અને યુપીને બાદ કરતા પદ્માવત તમામ રાજ્યોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મ જોવા ગયેલા લોકોએ સિનેમા હોલમાંથી જ એફબી લાઈવ શરુ કરી તેને ફેસબુક પર લીક કરી દીધી છે. ફેસબુક લાઈવ દ્વારા કોઈ ફિલ્મને લીક કરવામાં આવી હોય તેવો કદાચ આ પહેલો કિસ્સો છે. આ વીડિયોઝને હજારો લોકો શેર પણ કરી રહ્યા છે, અને આ ફિલ્મ જોરદાર વાયરલ થઈ રહી છે.
ફેસબુકની એપમાં જ એફબી લાઈવનું એક ઓપ્શન હોય છે, જેના દ્વારા તમે કોઈ પણ ઘટનાનો લાઈવ વીડિયો પ્રસારિત કરી શકો છો. પદ્માવતને પણ આ રીતે જ એફબી પર લીક કરાઈ રહી છે. તેમાં જોકે ક્વોલિટી સાવ બેકાર છે, પરંતુ વિવાદિત બનેલી આ ફિલ્મ તેમ છતાંય એફબી પર ધડાધડ શેર કરાઈ રહી છે.
પદ્માવતનું જે પણ એફબી પેજ પરથી એફબી લાઈવ કરાયું છે તેમાં તેના વીડિયોને જોરદાર કોમેન્ટ્સ પણ મળી રહી છે. જેમાં કોઈ આ ફિલ્મનો જોરદાર વિરોધ કરી રહ્યું છે, તો કોઈ ફિલ્મને ભવ્ય ગણાવીને ફિલ્મના સર્જક સંજય લીલા ભણસાલીને અભિનંદન આપી રહ્યું છે. ફિલ્મ પર ઉભો કરાયેલો વિવાદ રાજકીય ષડયંત્રનો હિસ્સો છે તેવું પણ લોકો લખી રહ્યા છે.
પદ્માવત ફિલ્મ સુપ્રીમ કોર્ટના આદેશ છતાંય ચાર રાજ્યોમાં ધરાર રિલીઝ નથી થઈ. આ મામલે સુપ્રીમમાં કન્ટેમ્પટ પીટિશન પણ કરવામાં આવી છે. ફિલ્મ ગુજરાત સહિતના ચાર રાજ્યોમાં રિલીઝ ન થઈ હોવા છતાં ત્યાં તેની સામે ચાલી રહેલો વિરોધ જરા પણ ઓછો નથી થયો. ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના મોટાભાગના શહેરોમાં થિયેટર્સ અને મોલ્સ બંધ રહ્યા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ફિલ્મના વિરોધમાં અપાયેલા ભારતબંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.