નવી દિલ્હી: એક કર્મચારીએ બદમાશો સાથે સંઘર્ષ કરીને પોતાના માલિકના 80 લાખ રૂપિયા લૂંટવામાંથી બચાવી લીધા. પરંતુ પોતાની આ બહાદુરીના બદલામાં તેને ઇનામમાં ફક્ત એક ટીશર્ટ જ મળ્યું. બસ આ જ વાતથી તેનું દિલ તૂટી ગયું અને તેણે પોતાના દોસ્તો સાથે મળીને માલિકને જ ચૂનો લગાવવાનું કાવતરું ઘડી કાઢ્યું. તે એક પાર્ટી પાસેથી મળેલા 70 લાખ રૂપિયા લઇને ફરાર થઈ ગયો.
મોડલ ટાઉન વિસ્તારમાં થયેલી આ ઘટનાને ધ્યાનમાં રાખીને પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ તેની પાસેથી 1 લાખ રૂપિયા કેશ, 3 લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવામાં આવેલી રકમ અને એક કાર મળી આવી છે. પોલીસ મુખ્ય આરોપીની શોધમાં નૈનીતાલમાં ઘણી જગ્યાઓએ છાપા મારી રહી છે.
આરોપી દીકરીઓના લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો હતો
– ક્રાઇમ બ્રાંચના એડિશનલ પોલીસ કમિશ્નર રાજીવ રંજને જણાવ્યું કે 27 ઓગસ્ટના રોજ રીમા પોલિચેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિકે કર્મચારી ધનસિંહને એક પાર્ટી પાસેથી 70 લાખ રૂપિયા લેવા માટે મોકલ્યો હતો. તે પછી તે પાછો ન આવ્યો.
– પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી. પોલીસે 21 સપ્ટેમ્બરને યાકુબ હસન (37)ને તેના ઘરની પાસે કડી વિહાર એરિયામાંથી પકડી લીધો. તે ધનસિંહનો દોસ્ત છે. તેની સાથે થયેલી પૂછપરછમાં ખુલાસો થયો કે ધનસિંહની 3 દીકરીઓ છે. તે તેમના લગ્નનું પ્લાનિંગ કરી રહ્યો છે.
– એક પાર્ટી પાસેથી 80 લાખ રૂપિયા લાવતી વખતે બદમાશોએ તેને લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ લૂંટારાઓ સફળ થયા ન હતા. ધનસિંહ તેમની ચુંગાલમાં ફસાય તે પહેલા જ ભાગી નીકળ્યો. જોકે ઘટના સમયે તે ઘાયલ થઈ ગયો હતો. માલિકની બચાવેલી રકમના બદલામાં ઇનામ તરીકે તેને એક ટીશર્ટ મળ્યું. આ વાતે તે નારાજ થઈ ગયો અને તેણે માલિકને દગો આપવાનું કાવતરું ઘડ્યું.
દોસ્તને બનાવ્યો હિસ્સેદાર, આપ્યા ચાર લાખ રૂપિયા
70 લાખ રૂપિયા લીધા પછી ધનસિંહે યાકુબને કોલ કર્યો. બંને કારમાં નૈનીતાલ ગયા. ધનસિંહને છોડ્યા પછી યાકુબ દિલ્હી પાછો આવ્યો. ધનસિંહે તેને 4 લાખ રૂપિયા આપ્યા હતા. વધુ બીજી રકમ આપવાનું વચન પણ આપ્યું હતું. યાકુબે દિલ્હી આવીને ધનસિંહની બાઈકના ટુકડે-ટુકડા કરીને સ્ક્રેપ ડીલરને વેચી દીધા. પોલીસે યાકુબની કાર, 1 લાખ રોકડા, બેંકમાં જમા કરેલા 3 લાખની રકમ જપ્ત કરી લીધી છે. મુખ્ય આરોપીની શોધમાં છાપામારી ચાલુ છે